ગુજરાતના આ વિસ્તારોમાં 27થી 29 ડિસેમ્બર ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે પહોંચવાની આગાહી

ઉત્તર ભારતમાં શીત લહેરની અસર ગુજરાતમાં પણ પડી રહી છે. આજે તાપમાનમાં નજીવો વધારો થતા લોકોને ઠંડીથી રાહત મળશે, પરંતુ ત્યાર બાદ 27થી 29 ડિસેમ્બર અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ તિવ્રતા વધવાની આગાહી છે અને આવતીકાલથી કોલ્ડવેવની અસર શરૂ થશે.
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં જ નીચલા લેવલ પર રહેલા ઠંડા અને સૂકા પવનોના કારણે શહેરમાં 27થી 29 ડિસેમ્બર વચ્ચે ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે પહોંચશે. જ્યારે વડોદરામાં 29 ડિસેમ્બરે પારો 8 ડિગ્રી સુધી નીચે ગગડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ એક ફ્રેશ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ટર્ફ સ્વરૂપે ઉત્તર-પૂર્વ (30N-52E) દિશાની આસપાસ રહેલું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 27 ડિસેમ્બરની આસપાસ પશ્ચિમ હિમાલય અને ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોને અસર કરશે.