રેમડેસિવીર બાદ હવે આ ઇન્જેક્શનની અછત, સારવાર માટે છે ખાસ જરૂરી

કોરોનાની બીજી લહેરમાં મોટાભાગના લોકો પ્રભાવિત થયા છે અને નવી એટલે કે, ત્રીજી લહેર ફેલાવાની સંભાવના છે. તે પુર્વે કોરોનાની સાઇડ ઇફેક્ટ સ્વરૂપે ફેલાયેલો મ્યુકરમાયકોસિસ નામનો ફુગનો રોગ હાલ આરોગ્ય તંત્ર માટે માથાનો દુઃખાવો બની ગયો છે. કોરોના વચ્ચે આ ચેપી અને જીવલેણ રોગને કાબુમાં લેવો તે પડકાર જનક છે. ત્યારે રેમડેસિવીર બાદ મ્યુકરમાઈકોસિસનાં ઇન્જેક્શનની પણ ભારે અછત થઇ છે. જેના કારણે આ ઇન્જેક્શનો લેવા માટે દર્દીઓનાં પરિવારને અનેક મેડિકલ સ્ટોરનાં ધક્કાં ખાવા પડી રહ્યાં છે.
સારવાર જટિલ અને ખર્ચાળ છે
મ્યુકરમાઇકોસિસની સારવાર અત્યંત ખર્ચાળ અને જટિલ છે. મ્યુકોરમાઇકોસીસની સારવારમાં દર્દીને એમ્ફોટાઇસીન બી નામના ઇન્જેક્શનના ડોઝ 15થી 21 દિવસ સુધી ચઢાવવામાં આવે છે. મધ્યાંતરે જરૂર જણાય તો દુરબીન વડે નાક વાટે ફંગલ કાઢવા માટે સર્જરી પણ કરવામાં આવે છે. ત્યારબાદ પણ ઇન્જેકશનની સારવાર ચાલુ જ રહે છે. આ સારવારમાં દર્દીના વજન પ્રમાણે દરરોજના 6થી 9 ઇન્જેક્શન આપવા પડે છે. જેમાં એક ઇન્જેક્શનની કિંમત રૂ. 6થી 7 હજાર હોય છે અને 20થી 28 દિવસ ઇન્જેક્શનના કોર્સનો ખર્ચ રૂ. 13થી 14 લાખ થઇ રહ્યો છે.