સુરત : ‘તેરે મેં તાકાત હૈ તો અબ આ કે દીખા,’ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહેલા ચેન સ્નેચરો
સુરત : શહેરમાં ચેન સ્નેચરો પોલીસ માટે માથાનો દુઃખાવો બન્યા છે. હવે તો ગુનેગારોની તાકાત એટલી વધી ગઈ છે કે અઠવા લાઇન્સ સ્થિત પોલીસ ભવનથી માત્ર 500 મીટરના અંતરે મોટર સાઇકલ સવાર સ્નેચરોએ મંકી કેપ પહેરીને બે બાઇક સવારને નિશાન બનાવ્યા હતા. બંને યુવકોએ સ્નેચરોને પીછો કરતા તેમને ચપ્પુ બતાવી “તેરે મેં તાકાત હૈ તો અબ આ કે દીખા” જેવી ધમકી આપી મોટર સાઇકલ પૂર ઝડપે હંકારી ભાગી ગયા હતા. આ મામલે ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ સ્નેચરો અને ચેન સ્નેચર ફરી સક્રિય થયા છે. તેઓ દરરોજ અનેક વિસ્તારમાં ગુનાને અંજામ આપતા હોય છે. પોલીસ માટે માથાનો દુઃખાવો બનેલા આ ગુનેગારોને પકડવા માટે પોલીસ નિષ્ફળ રહી છે. ગતરોજ સુરતમાં ઓનલાઇન શોપિંગ કંપનીમાં નોકરી કરતો હર્ષ રાજુ આગાવાલા અને તેનો મિત્ર અમન વિજય ગોવાલીયા રાત્રે 9.30 કલાકે યામાહા એફઝેડ મોટરસાઇકલ પર ડુમસ રોડ પર આંટો મારી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન પાર્લે પોઇન્ટ ઓવરબ્રિજ નીચે સેન્ટર કોર્ટ હોટલ સામેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મન્કી કેપ પહેરેલા મોટરસાઇકલ સવાર બે સ્નેચરો ઘસી આવ્યા હતા.
જે પૈકી પાછળ બેઠેલા સ્નેચરે ચાલુ મોટરસાઇકલે ખભા પર હાથ મૂકતા હર્ષે મોટરસાઇકલ સવાર તરફ નજર કરતાવેંત ગળામાંથી રૂા. 45 હજારની કિંમતની સોનાની ચેન આંચકી લઇ મોટરસાઇકલ પૂર ઝડપે ભાગી ગયો હતો. જે બાદમાં અમન અને હર્ષે સ્નેચરોનો પીછો કર્યો હતો અને કોર્ટ બિલ્ડિંગ સામે તેઓને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચેન આંચકી લેનાર સ્નેચરે કમરના ભાગેથી ચપ્પુ કાઢી અમન અને હર્ષને બતાવી “તેરે મેં તાકાત હૈ તો અબ આ કે દીખા” એમ કહી ધમકાવી મોટર સાઇકલનો યુ ટર્ન મારી વી.ટી. ચોક્સી લૉ કૉલેજ થઇ ઘોડદોડ રોડ તરફ ભાગી ગયા હતા.