गुजरात

‘થાય એ કરી લો, હું એને પ્રેમ કરતો રહીશ..’ અમદાવાદમાં બે યુવકો પર પ્રેમીનો ધારીયા વડે હુમલો | Ahmedabad Love Triangle Turns Brutal Two Injured in Sword Attack



Ahmedabad Crime: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પ્રેમ સંબંધ અને પારિવારિક વિવાદમાં લોહીયાળ જંગ ખેલાયો છે. પિતરાઈ ભાઈની પત્ની સાથે અનૈતિક સંબંધ રાખનાર શખસને સમજાવવા ગયેલા બે મિત્રો પર આરોપીએ ઉશ્કેરાઈને ધારીયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકને હાથે ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા છે. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં જ્વેલર્સને ત્યાં ગ્રાહકના શ્વાંગમાં 12 વર્ષનો છોકરો 3.13 લાખના દાગીના સાથે રફુચક્કર

શું હતી ઘટના? 

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષીય હિમાંશુ મકવાણા સોલામાં ખાનગી નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. હિમાંશુના પિતરાઈ ભાઈ સચિનના લગ્ન હીના નામની યુવતી સાથે થયા હતા. જોકે, સચિન સાથે અગાઉ નોકરી કરતા જીગર મહેશભાઈ રાજપાલ નામના શખસને હીના સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બાબતની જાણ પરિવારને થતા ઘરમાં કંકાસ શરૂ થયો હતો, જેના કારણે હીના છેલ્લા ચાર મહિનાથી ધાંગધ્રા ખાતે તેના પિયરમાં રહેતી હતી. આરોપ છે કે, જીગરની ઉશ્કેરણીથી હીના તેના સાસરિયાઓ વિરુદ્ધ ખોટી પોલીસ અરજીઓ કરીને પરિવારને હેરાન કરી રહી હતી.

‘હું હીનાને પ્રેમ કરતો જ રહીશ…’

આ ઘટનાના દિવસે એટલે કે, 21 ડિસેમ્બરે હિમાંશુ અને તેનો મિત્ર દિગ્વિજયસિંહ ચાંદખેડામાં રહેતા તેમના કાકાને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સાંજના આશરે સાડા ચાર વાગ્યે તપોવન સર્કલ પાસે આવેલી ગ્વાલિયા સ્વીટ નજીક તેઓએ જીગરને તેની ગાડી પાસે ઉભેલો જોયો હતો. હિમાંશુ અને દિગ્વિજયસિંહે જીગર પાસે જઈ શાંતિથી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જીગરને કહ્યું કે, “ભાઈ તું હીના સાથેના સંબંધોનો અંત લાવ અને ખોટી પોલીસ અરજીઓ કરી અમને હેરાન કરવાનું બંધ કર.” આ સાંભળતા જ જીગર પિત્તો ગુમાવી બેઠો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. તેણે ઉદ્ધતાઈથી જવાબ આપ્યો હતો કે, “હું હીનાને પ્રેમ કરતો જ રહીશ, તમારાથી જે થાય તે કરી લેજો.”

આ પણ વાંચોઃ અમદાવાદમાં શેરબજારમાં ઉંચા નફાની લાલચે નરોડાનો યુવક ઠગાયો, UPSTOXPRO એપ્લિકેશન દ્વારા 12.6 લાખની છેતરપિંડી

જાનથી મારી નાંખવાની ધમકી

તકરાર વધતા જીગરે અચાનક પોતાની ગાડીમાંથી ધારીયું કાઢી હિમાંશુ પર ઘા કર્યો હતો. હિમાંશુ સમયસૂચકતા વાપરી ખસી જતાં તેને માથામાં સામાન્ય ઈજા થઈ હતી. પરંતુ, જ્યારે તેનો મિત્ર દિગ્વિજયસિંહ વચ્ચે છોડાવવા પડ્યો, ત્યારે જીગરે તેના પર ધારીયાના જીવલેણ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં દિગ્વિજયસિંહના બંને હાથના પંજા પર ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલો કર્યા બાદ આરોપી જીગરે ધમકી આપી હતી કે, “જો હવે પછી મારું નામ લીધું છે તો જાનથી મારી નાખીશ,” અને ત્યારબાદ તે પોતાની ગાડી લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં દિગ્વિજયસિંહના હાથે આશરે સાત જેટલા ટાંકા આવ્યા છે. હાલમાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસનો શરુ કરી છે.



Source link

Related Articles

Back to top button