ચાંદી હજુ મોંઘી થશે! ચીનના નવા નિર્ણયથી ભારત-અમેરિકા સહિત દુનિયાભરના દેશો આશ્ચર્યચકિત | silver like rare erath after china new export rule

Silver Export Rules: રેર અર્થ એલિમેન્ટ્સ બાદ હવે ચીને ચાંદીને લઈને લીધેલા એક આશ્ચર્યજનક નિર્ણયથી સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. ચીને 1 જાન્યુઆરી, 2026થી ચાંદીના નિકાસ પર કડક નિયંત્રણો લાદી દીધા છે. નિષ્ણાતો માને છે કે ચીનની આ ચાલને કારણે હવે ચાંદી સસ્તી થવાની આશા લગભગ ખતમ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં તેના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.
શું છે ચીનનો નવો નિયમ?
ચીન સરકારના નવા આદેશ મુજબ, હવે કોઈપણ કંપની સરકારી લાયસન્સ વિના ચીન બહાર ચાંદીની નિકાસ કરી શકશે નહીં. આ માટે ચીને અત્યંત કડક શરતો રાખી છે…
– માત્ર મોટી અને સરકારી માન્યતા પ્રાપ્ત કંપનીઓને જ નિકાસની મંજૂરી મળશે.
– નિકાસ માટે સરકારી લાયસન્સ લેવું ફરજિયાત રહેશે.
– કંપનીનું ઉત્પાદન અને ક્રેડિટ લાઇન જેવા કડક માપદંડોના આધારે જ લાયસન્સ અપાશે. જેમાં અત્યાર સુધીમાં માત્ર 44 કંપનીઓને જ આ પરવાનગી આપવામાં આવી છે.
વિશ્વ બજાર પર ચીનનો દબદબો
ચીન ભલે વિશ્વની માત્ર 13% ચાંદીનું માઇનિંગ કરતું હોય, પરંતુ જ્યારે વાત રિફાઇનિંગ અને પ્રોડક્શનની આવે છે ત્યારે ચીન વિશ્વના 60થી 70 ટકા હિસ્સા પર કબજો ધરાવે છે. આટલો મોટો હિસ્સો ચીનના નિયંત્રણમાં હોવાથી, નિકાસમાં સહેજ પણ ઘટાડો વૈશ્વિક સ્તરે ચાંદીની અછત સર્જી શકે છે.
ભાવ કેમ વધશે?
વર્તમાન સમયમાં સોલર પેનલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ(EV)ના ઉત્પાદનમાં ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે, જે આ સેક્ટરમાં ચાંદીના અનિવાર્ય ઉપયોગને આભારી છે. જોકે ચીન દ્વારા ચાંદીની નિકાસ પર લાદવામાં આવેલા નવા નિયંત્રણને કારણે વૈશ્વિક બજારમાં ચાંદીની ઉપલબ્ધતામાં મોટો ઘટાડો થવાની શક્યતા છે.
બીજી તરફ ગ્રીન એનર્જી અને હાઈ-ટેક ઉદ્યોગોમાં તેની ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ સતત વધી રહી છે. માંગ અને પુરવઠા વચ્ચેના આ ગંભીર અસંતુલનને કારણે આગામી સમયમાં ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી આવવી નિશ્ચિત જણાય છે, જેની સીધી અસર આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સની ઉત્પાદન પડતર પર પણ પડી શકે છે.
ચીન આવું કેમ કરી રહ્યું છે?
નિષ્ણાતોના મતે, ચીન માટે ચાંદી હવે માત્ર એક કિંમતી ધાતુ નથી રહી, પરંતુ તે વૈશ્વિક સ્તરે એક શક્તિશાળી ‘વ્યૂહાત્મક હથિયાર’ બની ગઈ છે. સોલર પેનલ અને ઈલેક્ટ્રિક વ્હીકલ(EV) સેક્ટરમાં પોતાનું એકહથ્થુ શાસન અને વૈશ્વિક દબદબો જાળવી રાખવા માટે ચીન પોતાની પાસે ચાંદીનો મહત્તમ સ્ટોક અનામત રાખવા માંગે છે. ચાંદીના સપ્લાય પર સંપૂર્ણ કંટ્રોલ મેળવીને ચીન હવે અન્ય દેશો પાસેથી પોતાની શરતો મનવાવવાની અને આંતરરાષ્ટ્રીય ડીલિંગમાં મજબૂત પકડ મેળવવાની ‘ડીલિંગ પાવર’ ધરાવે છે. આ ઉપરાંત, ચીન વિશ્વનો સૌથી મોટો સોલર પેનલ અને ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદક દેશ હોવાથી, તેની પોતાની વિશાળ સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે પણ તે ચાંદીના નિકાસ પર અંકુશ મૂકી રહ્યો છે.




