અમદાવાદ: કોરોનાના કપરા કાળમાં ટ્યુશન કરતા શિક્ષકો પ્રિન્ટિંગ, માર્કેટિંગ અને ગૃહ ઉદ્યોગ જેવા કામ કરવા મજબૂર
અમદાવાદ: કોરોના વાયરસ ના કપરા સમયે ભલભલા લોકો માટે આર્થિક મુશ્કેલી સર્જી છે. તેમાં પણ બાળકોના ભવિષ્યના ઘડતરમાં મહત્ત્વનો રોલ અદા કરનારા શિક્ષકો (Teachers)નું વર્તમાન અને ભાવિ આ કોરોનાના કારણે ખતરામાં સપડાયા છે. ખાસ કરીને શાળાઓમાં ખાનગી શિક્ષક (Private Tutor) તરીકે કામ કરતા શિક્ષકો અને ટ્યુશન કરતા શિક્ષકોની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. આ સમયે વાત છે એવા શિક્ષકોની કે જેઓ આઠ મહિના પહેલા ટ્યુશન ચલાવી રોજીરોટી કમાતા હતા પણ લૉકડાઉન અને ત્યારબાદ બાદની સ્થિતિને તાબે થઈને કોઈએ પ્રિન્ટિંગ, કોઈએ મલ્ટીલેવલ માર્કેટિંગ તો કોઇએ ખાખરા-ચવાણા જેવા ગૃહઉધોગ તરફ વળવું પડ્યું છે.
શહેરના નિર્ણયનગર વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ શાહ વર્ષોથી ટ્યુશન કલાસ ચલાવે છે. ટ્યુશન કલાસ રેગ્યુલર ચાલતા હતા ત્યાં સુધી બધું બરાબર હતું પણ કોરોનાને કારણે હજુ સુધી કલાસ બંધ રહેતા તેઓએ ગ્રાફિક્સ પ્રિન્ટિંગના ધંધામાં નસિબ અજમાવવું પડ્યું છે. ટ્યુશન કલાસ નહીં ખુલતા આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે. તેઓએ વર્ષોથી જમાવેલા ટયુશન ક્લાસના ધંધામાંથી અન્ય ધંધા તરફ વળવું પડ્યું છે. જોકે, નવા ધંધામાં સેટ થતા પણ તેમને વાર લાગશે પરંતુ ખરાબ સમય નીકળી જશે પછી બધું બરાબર થઈ જશે તેવી તેમને આશા છે.