गुजरात

‘તારો બાપ પોલીસમાં છે તો અમને કેમ હેરાન કરે છે,’ સુરતમાં પોલીસ પુત્ર પર જીવલેણ હુમલો

સુરત: સુરત શહેરમાં જૂની અદાવતમાં એક યુવક પર હુમલો થયો હોવાનો બનાવો પોલીસ ચોપડે નોંધાયો છે. પીડિત યુવકના પિતા પોલીસમાં ફરજ બજાવે છે. મળતી માહિતી પ્રમાણે રાંદેર પોલીસ માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે  ભેંસાણ ગામમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બાકડા પર બેઠેલા એક શખ્સને ઘરે મોકલ્યો હતો. આ વાતની અદાવત રાખીને મંગળવારે રાત્રે પોલીસના દીકરા પર હુમલો કરવામાં આવ્યો હતો. છરાથી હુમલો કરી છથી સાત ઘા ઝીંકી પોલીસ પુત્રની હત્યાનો પ્રયાસ થયો હો. પોલીસ પુત્ર પર તેના મિત્રોની હાજરીમાં જ હુમલો થતા પોલીસ દોડતી થઈ હતી.

સુરતના જહાંગીરપુરા સુંદરવન સોસાયટીમાં રહેતા રમેશભાઇ રામુભાઇ પટેલ રાંદેર પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. હાલ તેમની નોકરી પીસીઆર વાન પર છે. બનાવની વિગતે વાત કરીએ તો પોલીસકર્મી રમેશભાઈનો પુત્ર અક્ષય પટેલ તેનો ભાઈ ચિંતન પટેલ ચોર્યાસી તાલુકાના ભેંસાણ ગામના ટેકરા ફળીયામાં રહેતા અંકુર જમુ પટેલ અને કાન ફળીયામાં રહેતા મિહીર નટવર પટેલ સાથે મળ્યા હતા. જે બાદમાં તમામ મિત્રો રાત્રે હજીરા-સાયણ રોડ સ્થિત વરીયાવ ચાર રસ્તા પાસે ઓમકાર ધાબાની બાજુમાં આવેલી ડેસ્ટીની હોટલમાં જમવા ગયા હતા.

રાત્રે 1.30 વાગ્યે ત્રણેય મિત્રો જમ્યા બાદ હોટલની બહાર ઊભા રહી વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમનો પરિચીત મયુર ઉર્ફે મયલો ઉર્ફે મહેશ કેશવ વેકરીયા બાઈક પર આવ્યો હતો. મયુરે અક્ષય પટેલ સાથે ગાળાગાળી કરતા કહ્યું હતું કે, ‘તારો બાપ પોલીસમાં છે અને અમને હેરાન કરે છે. તારો બાપ ભેંસાણ ખાતે આવ્યો હતો. હું પાદરે બાકડા પર રાત્રે બેઠો હતો ત્યારે ઉઠાડયો હતો. તારો બાપ પોલીસમાં છે તો અમને કેમ ઉઠાડે છે, અમારી મરજી અમે ગમે એટલા વાગ્યા સુધી બેસીએ.’

મયુરની આવી વાત બાદ અક્ષયે તેને ગાળો નહીં આપવા અને પિતા તેમની નોકરી કરતા હોવાની વાત કરી હતી. આવું કહેતા જ ઉશ્કેરાયેલા મયુર ઉર્ફે મયલાએ ‘અમે બેસીએ તો તારા બાપાને શું વાંધો છે. તમે લોકો બેસો તો કંઇ નહીં’ એમ કહી કમરના ભાગે છૂપાવેલો છરો કાઢી અક્ષય પર હુમલો કર્યો હતો.

Related Articles

Back to top button