વડાપ્રધાન મોદી કાલે અમદાવાદ આવશે, ઝાયડસ ખાતે હેલિપેડ તૈયાર કરવાની કામગીરી શરૂ
અમદાવાદ: વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે. જોકે, આ મુલાકાત અમુક કલાકો માટે જ હશે. હાલ કોરોના સામે લડવા માટે દેશમાં અલગ અલગ જગ્યાએ વેક્સીન નિર્માણનું કામ ચાલી રહ્યું છે. અમદાવાદ ખાતે ઝાયડસ દ્વારા પણ કોરોનાની વેક્સીન બનાવવામાં આવી રહી છે. પીએમ મોદી વેક્સીનના નિર્માણની કાર્યવાહીનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદથી તેઓ ચાંગોદર ખાતે આવેલા ઝાયડસના પ્લાન્ટની પણ મુલાકાત લેશે.
ઝાયડસ ખાતે હેલિપેડ તૈયાર કરવાની કામગીરી શરુ : વડાપ્રધાનની મુલાકાતને પગલે ઝાયડસ કંપની ખાતે આવેલા ગ્રાઉન્ડમાં તાત્કાલિક હેલિપેડ બનાવવામાં આવી રહ્યું છે. સવારથી જ હેલિપેડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઝાયડસ ખાતે પીએમ આવવાના હોવાથી સુરક્ષાની ચકાસણી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઝાયડસના પ્લાન્ટ ખાતે પહોંચી ગયા છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.