વડોદરા : PSI વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ, પરિણીતાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
દાહોદ : દાહોદ તાલુકા પોલીસે વડોદરાના ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. પીએસઆઈ સામે આક્ષેપ છે કે તેણે દાહોદની એક પરિણીત મહિલા નું અપહરણ કર્યું હતું અને તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં પરિણીતાને ધાક-ધમકી આપીને તેના પતિ સાથે છૂટાછેડા પણ લેવડાવ્યા હતા. પીએસઆઈ પોતે પણ પરિણીત હોવા છતાં તેણે દાહોદની પરિણીતાને બીજી પત્ની તરીકે રાખવા માટે ધમકી આપી હતી. આ મામલે આખરે પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે વડોદરા ટ્રાફિક શાખામાં PSI તરીકે ફરજ બજાવતા ઉમેશ નલવાયા વિરુદ્ધ દાહોદ તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. દાહોદના ગરબાડા તાલુકાના આંબલી ગામના રહેવાશી અને વડોદરા શહેર ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પરિણીત ઉમેશ નલવાયાએ વર્ષ 2016માં દાહોદ તાલુકાના એક ગામની ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરતી પરિણીત યુવતીને ફસાવી હતી. જે બાદમાં તેણીને તેના પતિ સાથે છૂટાછેડા લેવડાવ્યા હતા. છૂટાછેડા બાદ યુવતીને ગાંધીનગર લઇ જઈને તેની સાથે રજીસ્ટર લગ્ન કર્યા હતા.