‘તું મારી સાથે લગ્ન કરવાની કેમ ના પાડે છે?’ મેરેજ બ્યૂરોમાંથી નંબર મેળવી યુવકે યુવતીને ધમકાવી
અમદાવાદ : શહેરના વાડજ વિસ્તારમાં અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહી એક યુવકે મેરેજ બ્યૂરો માંથી યુવતીનો નંબર મેળવ્યા બાદ યુવતી સમક્ષ લગ્ન (Marriage Proposal)નો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, યુવતીએ કોઈ જવાબ ન આપતા અંતે લગ્ન વાચ્છુક યુવાન આ યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને ત્યાં હંગામો મચાવ્યો હતો. આ મામલે યુવતીએ પોલીસ (Police)માં ફરિયાદ નોંધાવી છે.
વાડજની યુવતીની ફરિયાદ પ્રમાણે લગ્ન બાદ પતિ સાથે મનમેળ ન રહેતા તેણીએ છૂટાછેડા લીધા છે. તેણી છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં તેની પુત્રી સાથે રહે છે. અઠવાડિયા પહેલા તેના મોબાઈલ પર જગદીશ વીઠા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ફરિયાદીનો નંબર તેણે એક મેરેજ બ્યૂરોમાંથી મેળવ્યો હોવાનું કહીને તેમના પુત્ર માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.
જે બાદમાં ફરિયાદી યુવતીએ જગદીશના પુત્રનો બાયોડેટા મંગાવ્યો હતો. આ દરમિયાન ફરિયાદીની પુત્રી બીમાર થતાં તેમને કોઈ રિસ્પોન્સ આપ્યો ન હતો. જોકે, આ સમયગાળામાં જગદીશના પુત્ર તેજસનો પણ ફરિયાદી પર ફોન આવ્યો હતો. ફરિયાદીએ તેમની પુત્રીની તબિયત વિશે જણાવતા તેજસે તેને લઈને પોતાની હૉસ્પિટલ પર બોલાવ્યા હતા. અહીં ફરીયાદી અને તેજસ વચ્ચે વાતચીત થઈ હતી.