गुजरात

નર્મદા: AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકો જમીન વિવાદમાં દોષિત જાહેર | Rajpipla Court Sentences Chaitar Vasava and Wife in Forest Staff Assault Case



Narmada News: નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં આજે (23મી જૂન) રાજપીપળા સેસન્સ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા બાદ હવે તેમને કેટલી સજા થશે તે અંગે કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શું હતો સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, વર્ષ 2023 માં દેડિયાપાડા વિસ્તારમાં જંગલ ખાતાની જમીનના વિવાદને લઈને ફરજ પરના ફોરેસ્ટ ઓફિસર (વન વિભાગના અધિકારીઓ) પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. આ મામલામાં ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ લાંબો સમય ચાલ્યા બાદ મંગળવારે કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. આ મામલે માહિતી આપતા ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, ‘આ કેસ વર્ષ 2023 માં ફોરેસ્ટ ઓફિસર પર થયેલા હુમલા અંગેની છે. જેમાં ચૈતર વસાવા અને તેમની પત્નીફ સહિત કુલ 9 આરોપીઓ સામેલ છે. આજે કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કરી સજા ફટકારવાનો આદેશ કર્યો છે.’

કાનૂની જોગવાઈઓ અંગે તેમણે ઉમેર્યું કે, ‘આ કેસમાં જે કલમો હેઠળ ગુનો નોંધાયો છે, તેમાં મહત્તમ 10 વર્ષ સુધીની સખત કેદની સજાની જોગવાઈ છે. હાલમાં નામદાર કોર્ટ સમક્ષ સજાના પ્રમાણ અંગે બંને પક્ષોની દલીલો અને સુનાવણી ચાલી રહી છે.’

સજાના એલાન પર સૌની નજર

કોર્ટે તમામ આરોપીઓ પક્ષેથી ગુનાની ગંભીરતા અને સજા ઘટાડવા અથવા વધારવા અંગેની ટેકનિકલ સુનાવણી પૂર્ણ કરી લીધી છે. સરકારી વકીલના જણાવ્યાનુસાર, ઇનિશિયલ સ્ટેજ પર જ્યારે આ ટ્રાયલ ચાલી રહી હતી, ત્યારે મુખ્ય સરકારી વકીલ તરીકે ડીજીપી શ્રી જે. જે. ગોહિલ કાર્યરત હતા અને હાલમાં સ્પેશિયલ પીપી તરીકે મિસ્ટર અય્યર આ કેસ સંભાળી રહ્યા છે. બપોર પછી કોર્ટ પોતાનો વિગતવાર આદેશ જાહેર કરશે, જેમાં ચૈતર વસાવા સહિતના દોષિતોને કેટલા વર્ષની જેલની સજા અને કેટલો દંડ ફટકારવામાં આવે છે તે સ્પષ્ટ થશે.



Source link

Related Articles

Back to top button