કોમેડીના નામે અશ્લીલતા: પ્રણિત મોરે બાદ વધુ એક કોમેડિયન વિવાદોમાં, વીડિયો વાઈરલ થતાં માંગી માફી | comedian madhur virli apologises after resurfaced rape joke clip sparks backlash

![]()
Another Comedian Apologize for Obscene Comment: સ્ટાન્ડર્ડ કોમેડીના નામે સંવેદનશીલ મુદ્દાઓ પર વાહિયાત ટિપ્પણી કરવાનો વિવાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર ગરમાયો છે. જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન મધુર વિરલીના 2024ના શો ‘લવ એન્ડ લેટેક્સ’નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરીથી વાઇરલ થતાં ભારે વિરોધ શરૂ થયો છે. ચારેય તરફથી થઈ રહેલી આકરી ટીકાઓ અને ટ્રોલિંગ બાદ આખરે કોમેડિયન મધુર વિરલીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને માફી માગવી પડી છે.
વાસ્તવમાં, આ સમગ્ર વિવાદની શરૂઆત કોમેડિયન પ્રણિત મોરેના શો દરમિયાન એક દર્શક દ્વારા કરવામાં આવેલી ‘370 રૂપિયાની બિરયાની’ વાળી વિવાદાસ્પદ ટિપ્પણીથી થઈ હતી. આ ઘટનાના આક્રોશ વચ્ચે, સોશિયલ મીડિયા યુઝર્સે મધુર વિરલીનો એક જૂનો વીડિયો શોધી કાઢ્યો અને તેને વાઇરલ કરીને કોમેડિયન સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ શરૂ કરી. જોકે મધુરે તેના વીડિયોમાંથી હવે આ કમેન્ટ કાઢી નાખી છે, પરંતુ ઓનલાઇન કેટલાક વીડિયોમાં એ જોવા મળી રહી છે.
શું હતો સમગ્ર વિવાદ?
વાઇરલ ક્લિપમાં કોમેડિયન મધુર વિરલી અત્યંત ગંભીર અને સંવેદનશીલ વિષય એવા ‘રેપ કેસ’ પર જોક્સ બનાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે બળાત્કાર બાદ થતી હત્યાની કાલ્પનિક ઘટનાઓ પર ચર્ચા કરી રહ્યો છે અને ગુનેગાર પીડિતાની હત્યા કરતા પહેલા શું વિચારતો હશે, તેની મજાક ઉડાવતો નજરે પડે છે.
આ જોકમાં મધુર વિરલી કહે છે, ‘બળાત્કારનો ભોગ બનેલી મહિલા કહેતી હશે કે એના કરતાં તો અમારું મર્ડર કરી દીધું હોત તો સારું થાત. જો કે ક્યારેય મૃતદેહે એવું નથી કહ્યું કે એના કરતાં તો બળાત્કાર થયો હોત તો સારું હોત. ન્યૂઝમાં ઘણી વાર તમે સાંભળ્યું હશે, 10 પૈકી 9 કેસમાં બળાત્કાર થાય છે અને એક જ કેસમાં બળાત્કાર બાદ મર્ડર થાય છે. આવું એ સંજોગોમાં થતું હશે જ્યાં બળાત્કાર બાદ મહિલા તે વ્યક્તિને સામેથી ભેટવા માટે કહેતી હશે. અને ત્યાર બાદ તે વ્યક્તિ ચપ્પુ મારતો હશે.’
આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે આ ક્લિપ શેર કરતા આક્રોશ વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, “કૃપા કરીને કોમેડીના નામે આ બકવાસ અને ઘૃણાસ્પદ વસ્તુઓ બંધ કરો.”
ભૂલ સ્વીકારીને મધુર વિરલીએ શું કહ્યું?
ચોતરફથી ઘેરાયેલા કોમેડિયન મધુર વિરલીએ પોતાની ભૂલ સ્વીકારતા યૂટ્યુબ ચેનલ પર એક સત્તાવાર માફીનામું પોસ્ટ કર્યું છે. તેણે જણાવ્યું કે, “હું સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા મારા વીડિયો માટે દિલથી માફી માંગુ છું. આ ક્લિપ લગભગ બે વર્ષ જૂના પરફોર્મન્સની છે. તે સમયે જ આ જોક કહ્યા પછી મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો હતો કે આ કેટલું ખોટું હતું, અને આ વિવાદ અત્યારે શરૂ થાય તે પહેલા જ મેં તે વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી દીધો હતો.”
આ પણ વાંચો: ‘મસ્જિદે જઈને નમાઝ પઢતા શીખી….’, ગદર ફિલ્મની ‘સકીના’ અમીષા પટેલના રસપ્રદ ખુલાસા
તેણે વધુમાં ઉમેર્યું કે, “હું માનું છું કે કોમેડી દ્વારા અઘરા વિષયો પર સવાલો ઉઠાવી શકાય છે, પરંતુ કેટલાક વિષયો માટે સંવેદનશીલતા અને મર્યાદા ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણો કોઈ પ્રયાસ ખોટો સાબિત થાય, ત્યારે પ્રામાણિકતાપૂર્વક ભૂલ સ્વીકારવી, માફી માંગવી અને ભવિષ્યમાં સુધારો કરવો એ જ એકમાત્ર રસ્તો છે. મારા માટે પણ આ એવો જ એક સમય છે. રહી વાત ઇન્સ્ટાગ્રામની, તો મેં મારું એકાઉન્ટ 6 મહિના પહેલા જ ડિએક્ટિવેટ કરી દીધું હતું. હું ખરેખર દિલગીર છું.”



