₹370ની બિરયાની પર શારીરિક સંબંધોની માગ! કૉમેડી શોમાં મહિલાઓ પરની ગંદી ટિપ્પણી મુદ્દે FIR દાખલ! | maharashtra police fir against comedian pranit more others over 370 biryani remark controversy

![]()
FIR on Pranit More: સોશિયલ મીડિયા પર સ્ટેન્ડ-અપ કોમેડી શોના નામે પીરસવામાં આવતી વાંધાજનક સામગ્રી સામે મહારાષ્ટ્ર પોલીસે લાલ આંખ કરી છે. મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ પોલીસે 11 જૂન 2026ના રોજ જાણીતા કોમેડિયન પ્રણિત મોરે અને અન્ય કેટલાક લોકો સામે સોશિયલ મીડિયા પર પ્રસારિત થયેલા કથિત અશ્લીલ અને વાંધાજનક વીડિયો મામલે FIR નોંધી છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર સાયબરના નોડલ સાયબર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો જેવી કે 75(1)(iv), 75(3), 294, 353(2) તેમજ માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT Act), 2000ની કલમ 67 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ FIRમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરે ઉપરાંત હિમાંશુ જાંગ્રા, ડૉ. સેજલ પવાર અને આ ક્લિપ સાથે સંડોવાયેલા અન્ય લોકોના નામ સામેલ છે.
જાણો, આખરે કેવી રીતે શરૂ થયો આ વિવાદ?
સમગ્ર વિવાદની શરૂઆત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા બે અલગ-અલગ વીડિયો ક્લિપ્સને કારણે થઈ હતી. આ બંને વીડિયો પ્રણિત મોરે દ્વારા હોસ્ટ અને સંચાલિત કરવામાં આવતા અલગ-અલગ સ્ટેન્ડ-અપ કોમેડી શોના હોવાનું સામે આવ્યું છે, જેમાં નીચે મુજબની વિગતો હતી:
1. ડૉ. સેજલ પવારનો વીડિયો: આ વીડિયોમાં મૃત વ્યક્તિઓ અંગે અત્યંત વાંધાજનક અને અસંવેદનશીલ ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનો આરોપ છે.
2. હિમાંશુ જાંગ્રાનો વીડિયો: આ IT પ્રોફેશનલ યુવકનો “₹370 બિરયાની” સંબંધિત એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એવો કથિત સંદેશ આપવામાં આવ્યો હતો કે કોઈ છોકરી પાછળ ડેટ પર ખર્ચ કરવામાં આવે, તો તેના બદલામાં શારીરિક સંબંધોની અપેક્ષા રાખવી યોગ્ય છે. આ બાબતને ભારે અશ્લીલ ગણાવવામાં આવી છે.
આ બંને વ્યક્તિઓ શો દરમિયાન કલાકાર તરીકે નહીં, પરંતુ દર્શક તરીકે હાજર હતા અને શોના ‘ક્રાઉડ વર્ક’ દરમિયાન તેઓએ આ નિવેદનો આપ્યા હતા.
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ લીધી કડક નોંધ
આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ મહિલાઓની સુરક્ષા અને સન્માનને લઈને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ આ મામલે પોતે પગલાં લાધા છે. મહિલા આયોગના જણાવ્યા અનુસાર, આ વીડિયોમાં જાહેરમાં મહિલાઓ વિરુદ્ધ જાતીય બળજબરી અને અસંમતિપૂર્ણ વર્તનને પ્રોત્સાહન આપતી ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને અત્યંત શરમજનક બાબત એ છે કે ત્યાં હાજર ભીડ દ્વારા તેને તાળીઓ પાડીને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું.
NCWના અધ્યક્ષ વિજયા રહાટકરએ આ મામલે હરિયાણાના પોલીસ DGPને તાત્કાલિક પત્ર લખીને કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ આયોગે સાત દિવસની અંદર આ મામલે ‘એક્શન ટેકન રિપોર્ટ’ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.
મહિલા આયોગે નીચેના મુદ્દાઓ પર તપાસ માંગી છે:
• શું આ કેસમાં કાયદેસરની FIR નોંધવામાં આવી છે?
• વાયરલ વીડિયોમાં દેખાતા ગુનેગારો સામે શું પગલાં લેવાયા?
• વાયરલ થયેલા વીડિયોની સત્યતા અને પ્રમાણિકતાની યોગ્ય તપાસ.
• આ કાર્યક્રમના આયોજકો, પર્ફોર્મર્સ અને જે સ્થળે શો યોજાયો હતો તે મેનેજમેન્ટની આમાં શું ભૂમિકા છે?
22 જૂનના રોજ યોજાશે સુનાવણી
આ વિવાદને પગલે રાષ્ટ્રીય મહિલા આયોગે કોમેડિયન પ્રણિત મોરે અને હિમાંશુ જાંગ્રાને સત્તાવાર નોટિસ પાઠવી દીધી છે. આ ગંભીર મામલાની આગામી સુનાવણી 22 જૂન 2026ના રોજ સાંજે 4:00 વાગ્યે રાખવામાં આવી છે, જ્યાં તેમણે પોતાનો પક્ષ રજૂ કરવો પડશે.
ડૉ. સેજલ પવારના નિવેદન અંગે KEM MARDની સ્પષ્ટતા
વિવાદમાં સપડાયેલી ડૉ. સેજલ પવાર મુંબઈની જાણીતી કેઇએમ હોસ્પિટલમાં MBBSનો અભ્યાસ કરી રહી છે. આ ઘટના બાદ કેઇએમ મર્દ (KEM MARD – રેસિડન્ટ ડૉક્ટર્સ એસોસિએશન) એ તાત્કાલિક એક નિવેદન જાહેર કરીને ડૉ. સેજલની ટિપ્પણીઓને સખત શબ્દોમાં “અયોગ્ય અને બિનવ્યાવસાયિક” ગણાવી છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું કે આવી વાતો તબીબી વ્યવસાયના નૈતિક મૂલ્યોને ક્યાંય પણ પ્રતિબિંબિત કરતી નથી.
જોકે, તેની સાથે જ એસોસિએશને સોશિયલ મીડિયા પર થઈ રહેલા અનિયંત્રિત ટ્રોલિંગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે:
• સંબંધિત વિદ્યાર્થીનીએ પોતાની ભૂલ સ્વીકારીને જાહેરમાં માફી માંગી લીધી છે.
• માફી પછી પણ સોશિયલ મીડિયા પર તેનું વ્યક્તિગત અપમાન કરવું, ઓનલાઈન ટ્રોલિંગ અને નિશાન બનાવીને માનસિક ત્રાસ આપવો તે બિલકુલ યોગ્ય નથી.
• એસોસિએશનનું માનવું છે કે કોઈપણ ચર્ચા ઘટનાની મર્યાદામાં જ થવી જોઈએ. આ મુદ્દાને વિદ્યાર્થીના અનામત કોટા દ્વારા થયેલા એડમિશન જેવા અસંબંધિત વિષયો સાથે જોડવો જોઈએ નહીં.
KEM MARDના પ્રમુખ ડૉ. શુભમ સોલંકેએ જણાવ્યું હતું કે, કાનૂની રીતે જવાબદારી નક્કી થવી જ જોઈએ, પરંતુ સમાજમાં થતી ચર્ચા હંમેશાં સન્માનજનક, સંતુલિત અને માનવતાપૂર્ણ રહેવી ખૂબ જ જરૂરી છે.



