ભારતમાં ‘સૌથી વધુ પગાર વધારો’ કરતા શહેરોની યાદી જાહેર, જાણો અમદાવાદ કયા નંબરે | FY 2027 Salary Hike: Chennai Leads with 9 7% Increment Ahmedabad Ranks 3rd with 9 5% Growth

![]()
TeamLease Salary Increment Report 2027 : જો તમે ક્યાંક નોકરી કરો છો, અને આ વર્ષે સારા પગાર વધારાની (Salary Increment) આશા રાખીને બેઠા છો, તો આ અહેવાલ તમારા માટે જ છે. અત્યાર સુધી સેલરી ઇન્ક્રીમેન્ટની બાબતમાં બેંગલુરુ, મુંબઈ અને દિલ્હી-NCR જેવા મેટ્રો શહેરોનો દબદબો રહેતો હતો, પરંતુ આગામી નાણાકીય વર્ષ 2027માં આ ચિત્ર સંપૂર્ણપણે બદલાતું જોવા મળી રહ્યું છે. ‘ટીમલીઝ’ના તાજેતરના અહેવાલ મુજબ, ચેન્નાઈ શહેર પગાર વધારાની બાબતમાં દેશના મોટા-મોટા આઈટી (IT) હબને પાછળ છોડી દેશે.
અહેવાલ અનુસાર, ચેન્નાઈમાં આ વર્ષે સરેરાશ 9.7% જેટલો સૌથી વધુ પગાર વધારો થવાની આશા છે. આ રિપોર્ટ દર્શાવે છે કે, હવે ભારતમાં સેલરી હાઇક (પગાર વધારો) માત્ર આઈટી સેક્ટર પર નિર્ભર નથી. મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), હેલ્થકેર અને અન્ય પરંપરાગત ઉદ્યોગોમાં વધી રહેલા વૈશ્વિક રોકાણને કારણે હવે દેશના અન્ય અગ્રણી શહેરોમાં પણ નોકરીઓ અને પગાર ઝડપથી વધી રહ્યા છે.
શું કહે છે ટીમલીઝનો સત્તાવાર રિપોર્ટ?
આ અહેવાલ દેશના 20 જુદા-જુદા શહેરોની 23 અલગ-અલગ ઉદ્યોગો સાથે સંકળાયેલી 1,268 કંપનીઓ પાસેથી મેળવેલી સચોટ માહિતી પર આધારિત છે. આ રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2027માં ભારતીય કર્મચારીઓનો સરેરાશ પગાર 8.6% થી લઈને 10.2%ની વચ્ચે વધી શકે છે. જો કે, તમામ શહેરોમાં આ વધારો એકસરખો નહીં હોય. નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ અને સ્કીલ્ડ (કુશળ) કર્મચારીઓની ભારે માંગને કારણે મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા શહેરો હવે રેસમાં આગળ નીકળી રહ્યા છે.
ઇન્ક્રીમેન્ટની રેસમાં દેશના ટોપ-4 શહેરોની યાદી
ભારતમાં કયા શહેરમાં સૌથી વધુ પગાર વધારાનો અંદાજ છે, તેનો સત્તાવાર ગ્રાફ નીચે મુજબ છે:
ચેન્નાઈ: 9.7%
પુણે અને હૈદરાબાદ: 9.6%
અમદાવાદ અને વિશાખાપટ્ટનમ: 9.5%
નાગપુર: 9.4%
આ ટ્રેન્ડ સ્પષ્ટ કરે છે કે, ભારતની આર્થિક પ્રગતિ હવે માત્ર ગણ્યા-ગાંઠ્યા મેટ્રો શહેરો પૂરતી સીમિત નથી રહી, પરંતુ દેશના અલગ-અલગ ભાગોમાં વિસ્તરી રહી છે. ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદ 9.5%ના અંદાજિત પગાર વધારા સાથે દેશમાં ત્રીજા સ્થાને છે, જે રાજ્યના મજબૂત ઔદ્યોગિક વિકાસને દર્શાવે છે. ચેન્નાઈ હવે ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)નું મોટું કેન્દ્ર બની રહ્યું છે, જ્યારે પુણે અને હૈદરાબાદમાં ટેકનોલોજી અને એન્જિનિયરિંગ સેક્ટર ધમધમી રહ્યું છે.
કઈ પ્રોફાઈલવાળા કર્મચારીઓને મળશે બમ્પર પગાર વધારો?
રિપોર્ટ અનુસાર, કંપનીઓ અત્યારે એવા કર્મચારીઓને વધુ પેકેજ આપી રહી છે, જેમનામાં ભવિષ્યની ટેકનોલોજી અને ઉદ્યોગોને અનુરૂપ ખાસ સ્કીલ્સ (Skills) છે. સૌથી વધુ પગાર વધારો મેળવનારી ટોપ પ્રોફાઈલ્સ નીચે મુજબ છે:
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ (EV સેક્ટર): 11.2% (સૌથી વધુ)
ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર: 10.9%
પ્રોજેક્ટ એન્જિનિયર: 10.7%
આઈટી સપોર્ટ એક્ઝિક્યુટિવ: 10.3%



