આજે કેરલમ-તમિલનાડુમાં ચોમાસાની એન્ટ્રી નક્કી! 17 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું ઍલર્ટ | Southwest Monsoon Set to Enter Kerala and Tamil Nadu 17 States Under Weather Alert

![]()
IMD Weather Forecast: દેશમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ચોમાસાની ઋતુ હવે શરૂ થવા જઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આજે (ચોથી જૂન) ગમે ત્યારે કેરલમ અને તમિલનાડુમાં દસ્તક આપી શકે છે. ચોમાસાના આગમનની સાનુકૂળ પરિસ્થિતિઓ વચ્ચે દેશના 17 રાજ્યોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભારે આંધી-વંટોળ અને વરસાદનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કેરલમમાં ‘ઑરેન્જ ઍલર્ટ’
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 5થી 7 દિવસમાં કેરલમના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં 7થી 20 સેમી જેટલો વરસાદ ખાબકવાની સંભાવના છે. વરસાદની તીવ્રતાને જોતા હવામાન વિભાગે કેરલમના અનેક જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ગરમીથી મળશે રાહત
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમીથી આજે આંશિક રાહત મળવાના સંકેત છે. ચોથી જૂનના રોજ મહત્તમ તાપમાન 38°C થી 40°C વચ્ચે રહેવાની ધારણા છે. આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે. સાંજના અથવા રાત્રિના સમયે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળની આંધી ફૂંકાવાની અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે.
જાણો ક્યાં કેવું રહેશે હવામાન
આગામી 24 કલાકમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.
રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ધૂળના તોફાન અને કરા પડવાની શક્યતા છે. કેરલમ અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદ પડશે. તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળશે.
ચોમાસાની પ્રિ-મોન્સૂન વરસાદને કારણે આગામી દિવસોમાં દેશભરમાં તાપમાનનો પારો ગગડશે, જેનાથી સામાન્ય જનતાને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે. હવામાન વિભાગે માછીમારો અને પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને દરિયા કિનારે કે જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે.



