રણવીર સિંહ વિરુદ્ધ FWICEની નોટિસનો મામલો કોર્ટમાં: દિગ્ગજ ફિલ્મમેકર ટીપી અગ્રવાલે એસોસિએશનના આદેશને આપી કાનૂની ચેલેન્જ | Ranveer Singh Fwice Issue reach to Court

![]()
Ranveer Singh Matter Reach To Court: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને ડાયરેક્ટર-પ્રોડ્યુસર ફરહાન અખ્તર વચ્ચે શરૂ થયેલો ‘ડોન 3’ વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અગાઉ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ આ મુદ્દે મૌન સેવ્યું હતું, પરંતુ હવે આ મામલો કાનૂની અખાડામાં ફેરવાઈ ગયો છે. ફિલ્મમેકર અને ‘ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન’ (IMPPA)ના પૂર્વ અધ્યક્ષ ટીપી અગ્રવાલ હવે રણવીર સિંહના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમણે ‘ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ’ના આદેશ વિરુદ્ધ બોમ્બે સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
શું છે સમગ્ર વિવાદ?
શાહરૂખ ખાન બાદ રણવીર સિંહ ‘ડોન 3’માં મુખ્ય ભૂમિકા ભજવવાનો હતો. જોકે, ડિસેમ્બર 2025માં રણવીર સિંહે અચાનક આ ફિલ્મમાંથી પીછેહઠ કરી લીધી હતી. ‘ધુરંધર’ ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ રણવીરે આ પ્રોજેક્ટ છોડવાનો નિર્ણય કર્યો હતો. રણવીરના આ અચાનક લીધેલા નિર્ણયથી નારાજ થઈને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની પ્રોડક્શન કંપની ‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’ ફરિયાદ લઈને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) પાસે પહોંચી હતી. ફરહાનનો આરોપ છે કે રણવીર સિંહના અચાનક ફિલ્મ છોડવાને કારણે તેમની કંપનીને આશરે રૂ. 45 કરોડનું મોટું નુકસાન થયું છે. આ ફરિયાદના આધારે FWICEએ રણવીર સિંહ વિરુદ્ધ ‘નોન-કો-ઓપરેશનલ’ નોટિસ જાહેર કરી દીધી હતી.
ટીપી અગ્રવાલે કોર્ટના દરવાજા ખખડાવ્યા
FWICE દ્વારા રણવીર સિંહ વિરુદ્ધ જારી કરાયેલા આ આદેશને ફિલ્મમેકર ટીપી અગ્રવાલે મુંબઈના દિંડોશી સ્થિત બોમ્બે સિવિલ કોર્ટમાં પડકાર્યો છે. ટીપી અગ્રવાલે FWICE અને IMPPA વિરુદ્ધ દાખલ કરેલી અરજીમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, “કોઈપણ વ્યક્તિ, એસોસિએશન કે ટ્રેડ બોડી પાસે કોઈ કલાકાર અથવા પ્રોફેશનલ પર પ્રતિબંધ મૂકવાનો કે અન્ય લોકોને તેની સાથે કામ ન કરવાનો નિર્દેશ આપવાનો કોઈ કાનૂની અધિકાર નથી.”
“કોઈની સર્જનાત્મક સ્વતંત્રતા છીનવી ન શકાય” – ટીપી અગ્રવાલ
આ કાનૂની લડાઈ વિશે વાત કરતા ટીપી અગ્રવાલે જણાવ્યું હતું કે, “આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકબીજાના સહકાર પર ટકેલી છે. તેથી, આવા વિવાદોને હંમેશા લીગલ અને પ્રોફેશનલ ચેનલો દ્વારા જ ઉકેલવા જોઈએ. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કોઈ કલાકારને કામ કરતા અટકાવવાના પ્રયાસને બિલકુલ હળવાશથી ન લેવો જોઈએ. આ પ્રકારના આદેશોથી વ્યક્તિની આર્થિક સ્થિતિ અને તેની ક્રિએટિવ ફ્રીડમ પર સીધી અસર પડે છે. તેથી, આ મામલાનો નિકાલ ન્યાયિક અને કાનૂની રીતે થવો જરૂરી છે.”
‘ધુરંધર 2’ની જાહેરાત બાદ વકર્યો વિવાદ
ઉલ્લેખનીય છે કે, બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’ની સફળતા બાદ સિક્વલ ‘ધુરંધર 2’ની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ હતી. આ દરમિયાન જ રણવીર સિંહે ‘ડોન 3’ છોડવાનો નિર્ણય કર્યો, જેના કારણે આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. હાલમાં આ મામલો કોર્ટમાં પહોંચી જતાં બોલિવૂડના ગલિયારાઓમાં ભારે ગરમાવો આવી ગયો છે અને હવે કોર્ટ આ મામલે શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર ટકેલી છે.



