મારા બેન્ક ખાતામાં માત્ર 84 રૂપિયા હતા…, સંઘર્ષના દિવસો યાદ કરીને ભાવુક થયો ધુરંધર-2નો એક્ટર | after success of Dhurandhar Gaurav Gera says once he had only 84 rs in bank

![]()
Gaurav Gera On His Journey: ટેલિવિઝન અને ડિજિટલ દુનિયાનો જાણીતો અભિનેતા અને હાસ્ય કલાકાર ગૌરવ ગેરા હાલમાં પોતાની તાજેતરની ફિલ્મ સીરીઝ ‘ધુરંધર’ અને ‘ધુરંધર: ધ રિવેન્જ’ની ભવ્ય સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મમાં તેના પાત્ર ‘ઓમ્બી’ (મોહમ્મદ આલમ)ને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. જોકે, સફળતાના આ શિખર સુધી પહોંચવા માટે ગૌરવે પોતાના જીવનમાં ભારે આર્થિક તંગી અને સંઘર્ષના દિવસો જોયા છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસો, આર્થિક મુશ્કેલીઓ અને અહંકારને કાબૂમાં રાખવાના લાઈફ લેસન્સ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી.
બેંક સામેથી પસાર થતી વખતે માથું ટેકવતો હતો ગૌરવ
મુંબઈ આવ્યા પછીના આર્થિક સંઘર્ષને યાદ કરતાં ગૌરવ ગેરાએ એક અત્યંત ભાવુક કરી દે તેવી યાદ શેર કરી હતી. તેણે આ વિશે કહ્યું કે, “એક સમય એવો હતો જ્યારે મારા બેંક ખાતામાં માત્ર 84 રૂપિયા બચ્યા હતા. હું જ્યારે પણ HDFC બેંકની સામેથી પસાર થતો ત્યારે બેંક તરફ જોઈને કહેતો કે ‘મારું ધ્યાન રાખજે’. હું આવતા-જતા બેંકને માથું ટેકવીને પગે લાગતો હતો.”
તેમણે ઉમેર્યું કે તેના પિતા મધ્યમવર્ગીય પગારદાર વ્યક્તિ હતા, તેથી તે સમયે પૈસા ખૂબ મર્યાદિત હતા. પિતા પત્ર લખીને કહેતા કે, “હું અત્યારે 2,000 રૂપિયા મોકલી રહ્યો છું, મારી પાસે આનાથી વધારે સગવડ નથી.” જોકે, આટલા પડકારો છતાં ગૌરવે ક્યારેય હિંમત નહોતી હારી. ઓટોના પૈસા ન હોય તો તે ચાલીને જતો, પણ કોઈની પાસે હાથ ફેલાવવાનું પસંદ નહોતું કર્યું.
પરિવારમાં કોઈ ફિલ્મ લાઈનમાંથી નહોતું, ફેશન ડિઝાઇનિંગ પણ છોડ્યું
ગૌરવ ગેરાએ જણાવ્યું કે તેનો પરિવાર અત્યંત ભણેલો-ગણેલો છે. તેમના પિતા IIT-BHUમાંથી એન્જિનિયર છે અને ભાઈ સોફ્ટવેર એન્જિનિયર છે. પરિવારમાં દૂર-દૂર સુધી કોઈનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ નહોતો. શાળાના વાર્ષિક ઉત્સવો અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાઓથી તેનો કળા પ્રત્યેનો રસ જાગ્યો હતો.
શરૂઆતમાં સ્કેચિંગ સારું હોવાને કારણે તેણે ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્ર પસંદ કર્યું અને પર્લ એકેડેમી ઓફ ફેશનમાં એડમિશન લીધું. પરંતુ ટૂંક સમયમાં જ તેને સમજાયું કે આ તેનું ક્ષેત્ર નથી. તેણે પિતાને મોંઘી ફીના પૈસા બચાવવા માટે કોર્સ અધવચ્ચે જ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે પિતાએ સલાહ આપી કે કોર્સ પૂરો કરીને અડધું વર્ષ નોકરી કરી લે, ત્યારબાદ જે ગમે તે કરજે. ગૌરવે બરાબર એમ જ કર્યું અને 6 મહિના નોકરી કર્યા બાદ તે થિયેટર તરફ વળ્યો. તે આ વાત માટે હંમેશાં પોતાના માતા-પિતાનો આભારી રહે છે કે તેમણે ક્યારેય પોતાની ઈચ્છાઓ ગૌરવ પર લાદી નહોતી.
પિતાને લખેલો એ ઐતિહાસિક પત્ર
મુંબઈ આવ્યાના શરૂઆતના દિવસોમાં ગૌરવે પોતાના ઘરે એક પત્ર લખ્યો હતો, જે આજે પણ તેની પાસે સચવાયેલો છે. તે પત્રમાં તેણે લખ્યું હતું કે, “હાલમાં પૈસાની દૃષ્ટિએ કંઈ મોટું સાકાર થયું નથી, પરંતુ કૃપા કરીને મારા પર વિશ્વાસ રાખજો. ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે, મારે હજી ઘણું શીખવાનું બાકી છે.” ગૌરવ કહે છે કે આજે જ્યારે તેઓ પાછળ વળીને એ પત્ર વાંચે છે, ત્યારે તેને તે સમયે પોતાનામાં રહેલી પરિપક્વતા પર ગર્વ થાય છે.
સફળતાથી અહંકાર ન આવવા દીધો: “ઇન્ડસ્ટ્રી નમ્રતા શીખવે છે”
ગૌરવ ગેરાને જ્યારે પૂછવામાં આવ્યું કે ‘ધુરંધર’ની આટલી મોટી સફળતા અને પ્રશંસા બાદ શું તેમનામાં ઘમંડ આવ્યો છે? ત્યારે તેણે અત્યંત નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે, “હવે એવું થતું નથી. કદાચ 10 વર્ષ પહેલાં આવું થયું હોત. હવે તો એમ જ લાગે છે કે આ એક કામ હતું જે મેં કર્યું અને લોકોને ગમ્યું. થોડાં વર્ષો પહેલાં જ્યારે લોકો મને ‘લેજેન્ડ’ કહેવા લાગ્યા હતા, ત્યારે મેં તેને થોડું ગંભીરતાથી લઈ લીધું હતું. પરંતુ તરત જ મને સમજાયું કે મારે આ ભ્રમને તોડવો પડશે. મહાનતાની લાગણી હંમેશાં અહંકાર લાવે છે, તેથી હું મારા અહંકારને સચેત પ્રયત્નો કરીને નિયંત્રણમાં રાખું છું.”



