राष्ट्रीय

‘લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું!’, રાહુલ ગાંધીની શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ | Rahul Gandhi Slams Dharmendra Pradhan Over Controversial CBSE Contract Decision




Rahul Gandhi Slams Dharmendra Pradhan: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની પેપર ચકાસણીની નવી ‘ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ’ને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મામલે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે કે, આ નવી સિસ્ટમનો કોન્ટ્રાક્ટ એક વિવાદાસ્પદ કંપનીને આપવામાં આવ્યો છે અને આ ખોટા નિર્ણયમાં શિક્ષણ મંત્રી પોતે જ સામેલ છે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, નવી પદ્ધતિમાં મોટાપાયે ગેરરીતિઓ સામે આવી રહી છે, જે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે. આ બેદરકારી બદલ પીએમ મોદીએ શિક્ષણ મંત્રીને તાત્કાલિક તેમના પદ પરથી હટાવી દેવા જોઈતા હતા.

‘તમે મારા પર હુમલો કરી શકો છો, પણ ગુનાઓમાંથી મુક્ત નહીં થાઓ’

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘ચૂંટણીમાં સતત મળી રહેલી હારના કારણે તેઓ આવા પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે.’ આ નિવેદન બાદ રાહુલ ગાંધીનો આકરો પ્રહાર સામે આવ્યો છે. શિક્ષણ મંત્રીને જવાબ આપતા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘ધર્મેન્દ્ર પ્રધાનજી, તમે મારા પર ગમે તેટલા રાજકીય હુમલા કરો, પરંતુ તેનાથી તમારા ગુનાઓ છુપાઈ નહીં જાય. તમારી આ નિવેદનબાજી મને દેશના 18.5 લાખ બાળકોના ભવિષ્ય માટે સવાલો પૂછતા અને જવાબો માંગતા રોકી શકશે નહીં.’

વિવાદાસ્પદ કંપનીને કોન્ટ્રાક્ટ આપવા પર ઉઠ્યા સવાલો

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે શિક્ષણ મંત્રી CBSEનો આ મહત્ત્વનો કોન્ટ્રાક્ટ ‘COEMPT’ નામની કંપનીને આપવા અંગેના સવાલોના જવાબો આપી શક્યા નથી. આ કંપની પહેલા ‘ગ્લોબારેના’ (Globarena) નામે કામ કરતી હતી અને તે પહેલાથી જ ભારે વિવાદોમાં ઘેરાયેલી છે. રાહુલ ગાંધીએ સરકારને સવાલ કર્યા છે કે, આ કંપનીને કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? શું તેની કોઈ બેકગ્રાઉન્ડ તપાસ કરવામાં આવી હતી? અને આ કંપનીના મેનેજમેન્ટ તથા કેન્દ્ર સરકાર વચ્ચે શું સંબંધો છે? તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ‘કાં તો તમે બેકગ્રાઉન્ડ ચેક કર્યું હોવા છતાં કોન્ટ્રાક્ટ આપ્યો અથવા તમે તપાસ કરી જ નથી, આ બંને સ્થિતિમાં તમે ગુનામાં બરાબરના ભાગીદાર છો.’

આ પણ વાંચો: હમીરપુર બ્રિજ હોનારત: બેતવા નદી પર નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડતાં 6 શ્રમિકોના કરૂણ મોત

PM મોદીની જવાબદારી પર પણ સવાલો: કૉંગ્રેસે ગણાવ્યું ‘ભ્રષ્ટાચારનો અડ્ડો’

રાહુલ ગાંધીએ આ સમગ્ર મામલાની જવાબદારી પીએમ પર ઢોળતા કહ્યું કે, જો પીએમને દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા હોત, તો તેમણે શિક્ષણ મંત્રીને ક્યારનાય બરખાસ્ત કરી દીધા હોત.

બીજી તરફ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ શિક્ષણ મંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ધર્મેન્દ્ર પ્રધાન વિદ્યાર્થીઓના કલ્યાણની ચિંતા કરવાને બદલે ‘અહંકાર અને રાજકીય ડ્રામેબાજી’ કરી રહ્યા છે. જયરામ રમેશે વધુમાં જણાવ્યું કે, શિક્ષણ મંત્રી એક આખા ‘ભ્રષ્ટાચાર અને ગેરમેનેજમેન્ટના અડ્ડા’ પર રાજ કરી રહ્યા છે. વર્ષ 2024માં NEET પરીક્ષાના પેપર લીક અને ગેરરીતિઓ બાદ હવે CBSEના આ વિવાદની જવાબદારી માત્ર શિક્ષણ મંત્રીની જ નહીં, પરંતુ પીએમની પણ છે, જેઓ આવા વિવાદો છતાં હજુ પણ ધર્મેન્દ્ર પ્રધાનનો બચાવ કરી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button