मनोरंजन

1976માં થઈ હતી જાહેરાત… શું 50 વર્ષ બાદ પરદા પર આવશે જે.પી. દત્તાની ‘સરહદ’? | jp Dutta daughter Nidhi Dutta to revive 50 years old father movie Sarhad



J. P. Dutta Shelved Sarhad Film: દેશભક્તિ પર આધારિત શાનદાર ફિલ્મો બનાવવા માટે જાણીતા દિગ્ગજ ફિલ્મમેકર જે.પી. દત્તાએ બોલિવૂડને ‘બોર્ડર’, ‘એલઓસી કાર્ગિલ’ અને ‘પલટન’ જેવી યાદગાર ફિલ્મો આપી છે. જોકે ખૂબ ઓછા લોકો જાણે છે કે તેમનો એક ડ્રીમ પ્રોજેક્ટ એવો પણ હતો જે ક્યારેય સિનેમાઘરો સુધી પહોંચી જ ન શક્યો. વર્ષ 1976ની આસપાસ જે.પી. દત્તાએ ‘સરહદ’ નામની એક ફિલ્મની જાહેરાત કરી હતી, પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મ અધવચ્ચે જ અટકી ગઈ અને હંમેશા માટે અભરાઈ પર ચઢાવી દેવામાં આવી હતી. જોકે, હવે આશરે 50 વર્ષ બાદ આ પ્રોજેક્ટને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, જે.પી. દત્તાની પુત્રી નિધિ દત્તા આ અટકેલી ફિલ્મને ફરી શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

યુદ્ધમાં બંદીઓ પર આધારિત હતી ફિલ્મની વાર્તા

જે.પી. દત્તા પોતાના કરિયરની શરૂઆત જ દેશભક્તિની ફિલ્મ ‘સરહદ’થી કરવા માગતા હતા. 1970ના દાયકાના અંતમાં આકાર લઈ રહેલી આ ફિલ્મની વાર્તા યુદ્ધમાં કેદ કરાયેલા ભારતીય સૈનિકો પર આધારિત હતી. આ ફિલ્મ માટે વિનોદ ખન્ના, મિથુન ચક્રવર્તી અને બિંદિયા ગોસ્વામી જેવા તે સમયના દિગ્ગજ કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટને લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા હતી, પરંતુ શૂટિંગ પૂરું ન થઈ શકવાને કારણે ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ શકી નહીં.

આખરે કેમ અટકી ગયું હતું ‘સરહદ’નું શૂટિંગ?

ફિલ્મ ‘સરહદ’ ન બની શકવા પાછળનું મુખ્ય કારણ પ્રોડ્યુસર સાથેનો વિવાદ હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, ફિલ્મનું શૂટિંગ શરૂ થયા બાદ પ્રોડ્યુસરે આ પ્રોજેક્ટમાં વધુ પૈસા રોકવાનો ઇનકાર કરી દીધો અને હાથ પાછા ખેંચી લીધા. આ આર્થિક સંકટને કારણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ રોકી દેવું પડ્યું હતું. આ ડ્રીમ પ્રોજેક્ટ બંધ થતાં જે.પી. દત્તાને મોટો ફટકો પડ્યો હતો અને તેમણે ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા માટે બીજા 9 વર્ષ સુધી લાંબી રાહ જોવી પડી હતી. આખરે વર્ષ 1985માં તેમણે ફિલ્મ ‘ગુલામી’થી નિર્દેશનની દુનિયામાં સફળ કદમ રાખ્યો હતો.

આ પણ વાંચો: માત્ર અજય દેવગન જ નહીં, અક્ષય કુમારે પણ મોહનલાલની ફિલ્મોની રીમેક બનાવીને છાપ્યા કરોડો રૂપિયા, જાણો કઈ ફિલ્મો છે…

દીકરી નિધિ દત્તા આપશે પિતાના સપનાને નવી જિંદગી

કેટલાક રિપોર્ટ્સ અનુસાર જે.પી. દત્તાની પુત્રી નિધિ એક પ્રોડ્યુસર અને રાઈટર છે. તે પોતાના પિતાના આ અધૂરા સપનાને પૂરું કરવા માટે કમર કસી રહી છે. નિધિ દત્તા આ દાયકાઓ જૂની સ્ક્રિપ્ટ પર ફરીથી કામ કરીને ફિલ્મને આજના સમય અને નવી સ્ટારકાસ્ટ સાથે મોટા પરદા પર લાવવાનું પ્લાનિંગ કરી રહી છે.

જો આ અહેવાલો સાચા સાબિત થશે, તો ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ એક અનોખી ઘટના બનશે, જ્યાં અડધી સદી પહેલાં અટકેલી કોઈ ફિલ્મ ફરીથી જીવંત થશે. આ સમાચાર સામે આવ્યા બાદ ઘણાં લોકો ફિલ્મને લઈને ઉત્સુક જોવા મળી રહ્યાં છે.



Source link

Related Articles

Back to top button