Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | Fuel Price Hike India: Fuel And Gold Tax Hike To Push Retail Inflation To 5 Percent

![]()
Retail Inflation India 2026 : દેશમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં સતત થઈ રહેલો વધારો માત્ર વાહનચાલકો પૂરતો સીમિત નથી, પરંતુ તે દેશના અર્થતંત્ર અને જનતાના ઘરેલુ બજેટને પણ વેરવિખેર કરી રહ્યો છે. સોના-ચાંદી પર વધેલી આયાત ડ્યુટી અને ફ્યૂઅલમાં ભાવવધારાના કારણે જૂન 2026 સુધીમાં દેશનો છૂટક ફુગાવો 5% સુધી પહોંચી શકે છે. ફ્યૂઅલના ભાવમાં ₹7.5 જેટલો મોટો વધારો માત્ર વાહનચાલકોની જ નહીં, પરંતુ દરેક સામાન્ય માણસની કસોટી કરશે. જો આ સ્થિતિ લાંબી ચાલશે, તો આગામી દિવસોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે.
આવો સમજીએ કે આ વધતી મોંઘવારી તમારા ખિસ્સા અને રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાની નીતિઓ પર કેવી અસર કરશે.
ફ્યૂઅલ અને સોના પર ટેક્સનો બોજ
મે મહિનાના મધ્યથી માત્ર 11 દિવસમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹7.38 અને ડીઝલમાં ₹7.48નો મોટો વધારો ઝીંકાયો. આ ઉપરાંત, સરકારે બિન-આવશ્યક આયાત ઘટાડવા માટે સોના અને ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને 15% કરી દીધી. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ પણ $85થી વધીને $95 પ્રતિ બેરલ થઈ ગયું છે. આ તમામ પરિબળો ભેગા મળીને દેશમાં ફુગાવાનું દબાણ ઊભું કરી રહ્યા છે.
અર્થશાસ્ત્રીઓનો શું અંદાજ છે?
દેશની અગ્રણી સંસ્થાઓ અને અર્થશાસ્ત્રીઓના મતે આગામી દિવસો પડકારજનક હોઈ શકે છે.
- EY ઇન્ડિયા: મુખ્ય નીતિ સલાહકાર ડી.કે. શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ ઇંધણમાં સરેરાશ ₹7.5નો વધારો છૂટક ફુગાવાને 0.75% (75 બેસિસ પોઇન્ટ) સુધી વધારી શકે છે. મે મહિનામાં ફુગાવો 4%થી 4.5% અને જૂનમાં 4.5%થી 5% રહેવાની ધારણા છે.
- બાર્કલેઝ ઇન્ડિયા: મુખ્ય અર્થશાસ્ત્રી આસ્થા ગુડવાણીના મતે મોંઘા ક્રૂડ ઓઇલને કારણે RBI નાણાકીય વર્ષ 2027 માટે ફુગાવાનો અંદાજ 4.6%થી વધારીને 5% કરી શકે છે, જ્યારે દેશનો વિકાસ દર 6.9%થી ઘટીને 6.7% થઈ શકે છે.
- ICRA અને CRISIL: ICRA (ઇન્ફોર્મેશન ઍન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી)ના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયર અને CRISIL(ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસીસ ઑફ ઇન્ડિયા લિમિટેડ)ના મુખ્ય અર્થશાસ્ત્રી દીપ્તિ દેશપાંડેએ પણ ચાલુ નાણાકીય વર્ષ માટે રિટેલ ફુગાવો 5%થી 5.1%ની વચ્ચે રહેવાની આશંકા વ્યક્ત કરી છે.
શું રિઝર્વ બૅંક વ્યાજ દરો વધારશે?
સામાન્ય રીતે ફુગાવો વધે ત્યારે લોન મોંઘી થતી હોય છે, પરંતુ અર્થશાસ્ત્રીઓ માને છે કે 5 જૂને મળનારી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં આરબીઆઇ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરે અને ‘તટસ્થ વિરામ’ (Neutral Pause) જાળવી રાખશે.
આ મોંઘવારી પુરવઠાની સમસ્યા અને વૈશ્વિક કારણોસર છે, તેથી વ્યાજ દર (રેપો રેટ) વધારવાથી તે તરત કાબૂમાં નહીં આવે. આરબીઆઇને ફુગાવો 4% (2% પ્લસ કે માઇનસ) રાખવાનો આદેશ છે. જૂનમાં ફુગાવો 5% થાય તો પણ તે આરબીઆઇની સર્વોચ્ચ મર્યાદા 6%ની અંદર જ રહેશે. જો કે, તહેવારોની સિઝન (નાણાકીય વર્ષ 2027ના બીજા ભાગમાં) સુધીમાં નૂર ખર્ચ વધવાને કારણે અન્ય વસ્તુઓ પણ અનિયંત્રિત થશે, તો ડિસેમ્બરની આસપાસ આરબીઆઇ વ્યાજ દર વધારવા મજબૂર બની શકે છે.
ઘરના બજેટ પર કેવી રીતે ત્રાટકશે મોંઘવારી?
જો કંપનીઓ વધતા પરિવહન ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખશે, તો સવારથી સાંજ સુધી વપરાતી દરેક વસ્તુ મોંઘી થશે.
1. શાકભાજી અને રોજિંદી વસ્તુઓ: ડીઝલ મોંઘું થતાં ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ખર્ચ વધે છે. આના કારણે બટાકા, ટામેટાં, ડુંગળી અને લીલા શાકભાજી તેમજ ચોખા, લોટ, તેલ, ખાંડ અને ચા જેવી કરિયાણાની વસ્તુઓ મોંઘી થઈ જશે.
2. દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ: ડેરી ઉદ્યોગમાં દૂધના કલેક્શન વાહનો અને કોલ્ડ સ્ટોરેજ સંપૂર્ણપણે ઇંધણ પર નિર્ભર છે. ડીઝલના ભાવ વધતા દૂધ, દહીં, પનીર, માખણ અને ચીઝના ભાવ સમય જતાં વધી શકે છે.
3. FMCG પ્રોડક્ટ્સ અને પેકેટ નાના: સાબુ, શેમ્પૂ, બિસ્કિટ અને પેકેજ્ડ ફૂડ બનાવતી હિન્દુસ્તાન યુનિલિવર અને ડાબર જેવી કંપનીઓએ ભાવ વધારવાનું શરૂ કર્યું છે. ખર્ચ બચાવવા માટે કંપનીઓ કિંમત એ જ રાખીને પેકેટની સાઇઝ(વજન) પણ ઘટાડી શકે છે.
4. મુસાફરી અને ઓનલાઇન ફૂડ ડિલિવરી મોંઘી : પેટ્રોલ-ડીઝલ બાદ CNGમાં પણ ₹2નો વધારો થયો છે. ઓલા-ઉબેરના ડ્રાઇવરો અને ગીગ વર્કર્સ (ડિલિવરી બોયઝ) લઘુતમ ભાડું ₹20 પ્રતિ કિલોમીટર કરવાની માંગ કરી રહ્યા છે. આ કારણસર કેબ મુસાફરી, ઓનલાઇન ફૂડ ડિલિવરી ચાર્જ અને હોટેલ-ઢાબામાં જમવું મોંઘું થશે. હવાઈ મુસાફરી કરતાં લોકો માટે પણ એરલાઇન ટિકિટના ભાવ વધી શકે છે.
5. ખેતીને પણ પ્રતિકૂળ અસર થશે : ખેતીમાં ટ્રેક્ટર, થ્રેશર અને સિંચાઈ પંપમાં ડીઝલ વપરાય છે, તેથી ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ વધશે.
6. ઓટો સેક્ટરને બેવડો ફટકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાથી વાહન ચલાવવાનો ખર્ચ વધશે, તેથી લોકો નવી બાઇક કે કાર ખરીદવાનું ટાળી શકે છે, જે ઓટો સેક્ટરને નુકસાન પહોંચાડશે. કાચા માલના ભાવમાં વધારો થવાથી વાહન ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થઈ શકે છે.
આ પણ વાંચો : ‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ



