રણવીર સિંહે કેમ છોડી ફિલ્મ ‘ડૉન 3’? : ફરહાન અખ્તર સાથે ક્યાં ફસાયો છે પેચ? | Ranveer Singh Quits Don 3 Farhan Akhtar Dispute FWICE Ban Claims Explained

![]()
DON 3 FILM CONTROVERSY : ફિલ્મ ‘ડૉન 3’ ને લઈને રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચેનો વિવાદ હવે બોલિવૂડની સૌથી મોટી કન્ટ્રોવર્સી બની ચૂક્યો છે. સુપરસ્ટાર રણવીર સિંહને ફરહાનના પ્રોડક્શન હાઉસ ‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’ના બેનર હેઠળ બનનારી ફિલ્મ ‘ડૉન 3’ છોડવી ભારે પડતી દેખાઈ રહી છે. પ્રોડ્યુસર્સે રણવીર પર આરોપ લગાવ્યો છે કે, અચાનક ફિલ્મ છોડવાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. આથી એક્સેલ એન્ટરટેઇનમેન્ટે સુપરસ્ટાર પાસે ભારે દંડની માંગ કરી છે.
પ્રોજેક્ટની જાહેરાત અને અચાનક એક્ઝિટ!
અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનના વારસાને આગળ ધપાવતા રણવીર સિંહ નવા ‘ડૉન’ બનવાના હતા. આશરે બે વર્ષ પહેલાં ફરહાન અખ્તરે ‘ડૉન 3’ ની સત્તાવાર જાહેરાત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ ફરહાન અખ્તર જાતે જ કરવાના હતા. તેમણે ટાઇટલ સાથે જાહેરાત કરી હતી કે રણવીર સિંહ ‘ડૉન 3’ માં લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ પર લાંબા સમય સુધી કોઈ અપડેટ ન આવતા એવી અટકળો શરૂ થઈ હતી કે, કદાચ ફરહાન અખ્તરની આ ફિલ્મ હોલ્ડ થઈ ગઈ છે. પરંતુ ગયા વર્ષના અંતમાં મેકર્સે ખાતરી આપી હતી કે ‘ડૉન 3’ ચોક્કસ બનશે અને તેના પર કામ ચાલુ છે. જો કે, ત્યારબાદ અચાનક જ સમાચાર આવ્યા કે રણવીર સિંહ હવે ‘ડૉન 3’ નો ભાગ નથી અને તેણે ફિલ્મ છોડી દીધી છે.
મેકર્સે કરી ₹ 45 કરોડના વળતરની માગ
ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટનો આરોપ છે કે રણવીર સિંહના અચાનક પ્રોજેક્ટ છોડવાના કારણે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. મેકર્સે એક્ટર પાસે 45 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. પરંતુ જ્યારે રણવીરે આ રકમ ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, ત્યારે મામલો ઘણો વણસી ગયો. આ વિવાદમાં આખરે ‘ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ’ (FWICE) એ મધ્યસ્થતા કરવા આગળ આવવું પડ્યું. ફેડરેશનના ચીફ એડવાઈઝર અશોક પંડિતે આ મામલાને ગંભીર ગણાવતા રણવીર સિંહ સામે કડક પગલાં લીધા છે, અને એક્ટર પર એક પ્રકારે પ્રતિબંધ (બૅન) લગાવી દીધો છે.
શું કહ્યુ અશોક પંડિતે?
અશોક પંડિતે કહ્યુ કે કે, “કોઈપણ સુપરસ્ટાર ગમે એટલો મોટો કેમ ન હોય, તેણે ઇન્ડસ્ટ્રીના કામકાજની પદ્ધતિઓ અને નિયમોનું પાલન કરવું જ પડશે.” સાથે જ તેમણે કલાકારોના બદલાતા ટ્રેન્ડ પર ચિંતા વ્યક્ત કરી હતી, કે જેઓ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાના થોડા સમય પહેલાં જ પ્રોજેક્ટ છોડી દે છે.
રણવીર સિંહ પર FWICEની તવાઈ !
FWICE એ રણવીર સિંહ વિરુદ્ધ ‘નોન-કોઓપરેશન’ (અસહકાર) નિર્દેશ જાહેર કર્યો છે. આ નિર્દેશ મુજબ, જ્યાં સુધી આ બાબતે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીના તમામ કર્મચારીઓએ રણવીર સિંહ સાથે કામ રોકવું પડશે. સ્પોટબોયથી લઈને મેકઅપ આર્ટિસ્ટ સુધી કોઈ પણ વ્યક્તિ એક્ટર સાથે કામ કરી શકશે નહીં. અશોક પંડિતના જણાવ્યા અનુસાર, ફેડરેશન તેની ઇન્ટરનલ મીટિંગ બાદ આખરી નિર્ણય સંભળાવશે.
રૂપિયા 45 કરોડનું નુકસાન કેવી રીતે થયું?
અશોક પંડિતે ખુલાસો કર્યો કે 11 એપ્રિલના રોજ ફરહાન અખ્તરે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, રણવીર સિંહે શૂટિંગ શરૂ થવાના માંડ 3 અઠવાડિયા પહેલાં જ ફિલ્મ છોડી દીધી હતી. એક્સેલ એન્ટરટેઇનમેન્ટે શૂટિંગ માટે હોટેલ્સ, લોકેશન્સ અને 200 લોકોની ફ્લાઇટ ટિકિટ્સ બુક કરી લીધી હતી, જેના તમામ પુરાવા અને રેકોર્ડ ફેડરેશન સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રી-પ્રોડક્શન પ્રોસેસમાં આશરે 45 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ફરિયાદ બાદ ફેડરેશને રણવીર સિંહને પોતાનો પક્ષ રાખવા માટે દર 10 દિવસે એક એમ સતત 3 વખત આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ એક્ટર ફેડરેશન સમક્ષ હાજર થયા ન હતા.
પ્રતિબંધની શું અસર થશે?
FWICE ના નોન-કોઓપરેશન નિર્દેશ બાદ સવાલ એ ઊભો થાય છે કે, શું રણવીર સિંહ નવી ફિલ્મો સાઇન કરી શકે? તો જવાબ છે- હા, તેઓ નવી ફિલ્મ સાઇન કરી શકે છે, કારણ કે આ કોઈ કાનૂની પ્રતિબંધ નથી. પરંતુ, ઇન્ડસ્ટ્રીના વર્કર્સનો સહકાર ન મળવાને કારણે તેમના માટે ભારતમાં શૂટિંગ કરવું અત્યંત મુશ્કેલ બની જશે. રિપોર્ટ્સ અનુસાર, જ્યાં સુધી રણવીર સિંહ અને ફરહાન અખ્તરનો આ વિવાદ ઉકેલાશે નહીં, ત્યાં સુધી તેઓ કોઈ નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકશે નહીં.
ટીમ રણવીરની પ્રતિક્રિયા
આ આખા વિવાદ પર રણવીર સિંહે પોતે મૌન સેવ્યુ છે. જોકે, FWICEના એક્શન બાદ રણવીર સિંહના પ્રવક્તા (સેક્રેટરી) એ તેમનો પક્ષ રજૂ કરતા કહ્યુ કે, “એક્ટર પોતાની પર્સનલ કે પ્રોફેશનલ લાઇફ અંગે આ રીતે જાહેરમાં કોઈ ટિપ્પણી કરવાનું પસંદ કરતા નથી. તે પોતાના સંબંધોની ગરિમા જાળવી રાખવા માંગે છે.”



