પુત્રની ઘેલછા, અપહરણનો ડ્રામા અને મર્ડર : દિલ્લીનો હચમચાવી નાંખતો કિસ્સો | Delhi Mukundpur Horror: Father Kills 10 Month Old Daughter Due To Son Desire Fakes Kidnapping

![]()
Delhi Mukundpur Daughter Murder: દેશની રાજધાની દિલ્લીના મુકુંદપુર વિસ્તારમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જ્યાં એક કળિયુગી પિતાએ પોતાની 10 મહિનાની માસૂમ બાળકીની હત્યા કરી નાંખી છે. પિતા પર આરોપ છે કે તેને બે દિકરીઓ થતા પરેશાન થઈને તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ બાળકીના મૃતદેહને ઘરના ખાળકુવાની અંદર ફેંકી દીધો.
હત્યારા પિતા સામે સામાજિક હૈયાવરાળ !
એક પિતા માટે એક દિકરી માત્ર સંતાનની નહીં પરંતુ તેનું ગર્વ, અભિમાન હોવાની સાથે સાથે તેની કમજોરી પણ હોય છે. દિકરી હંમેશા પિતાની બિલકુલ નજીક માનવામાં આવે છે, પરંતુ દિલ્લીના મુકુંદપુર વિસ્તારમાં જે ઘટના સર્જાઈ છે, તેનાથી ના માત્ર એક પિતા-પુત્રીના સબંધોને લાંછન લાગ્યુ છે, પરંતુ સમાજ માટે પણ કલંકિત ઘટના સર્જાઈ છે. કળિયુગી પિતાએ પોતાની 10 મહિનાની માસૂમ દિકરીની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સેપ્ટિક ટેંક એટલેકે ખાળકૂવામાં ફેંકી દીધો હતો. આ પિતાને પુત્રમોહ હતો અને બીજીવાર પણ દિકરીનો જન્મ થતા તેને ગુસ્સો આવ્યો, અને પોતાનીજ 10 મહિનાની માસૂમ બાળકીની હત્યા કરી નાંખી. પોતાની દિકરીની હત્યા કર્યા બાદ આ બેશરમ પિતાએ પોલીસ સામે દિકરી ચોરાઈ ગઈ હોવાની ખોટી થિયરી ઉભી કરી, અને મગરમચ્છના આંસૂ પણ વહાવ્યા. પરંતુ કહેવાય છે કે ચોરી અને જૂઠ ક્યારેય છુપુ રહેતુ નથી, તેમ પોલીસ સામે ઉભી કરેલી ખોટી થિયેરી પકડાઈ ગઈ અને પિતા જ હત્યારો હોવાનું ખુલી ગયું.
શું છે સમગ્ર ઘટના?
પોતાની જ દિકરીના હત્યાની ઘટના રવિવારની છે. જ્યાં દિલ્લીના બુરાડી ક્ષેત્રમાં આવતા મુકુંદપુરમાં 10 મહિનાની બાળકી ચોરાઈ ગઈ હોવાની ઘટનાના કારણે સૌ કોઈ હેરાન પરેશાન હતા. આ હત્યારા પિતાએ એવી કહાની ઘડી હતી કે, સવારે 5 વાગે તે પોતાના વિસ્તારમાં બાજુમાં આવેલી દુકાન પર કોઈ વસ્તુ ખરીદવા ગયા હતા અને મા અને તેની પહેલી દિકરી સુઈ રહ્યા હતા, ત્યારે તેમની દિકરી ચોરાઈ ગઈ. જોકે આ પિતા પર શક ત્યારે વધુ મજબુત બન્યો જ્યારે બાળકી જે બોટલથી દૂધ પી રહી હતી તે બોટલની નિપ્પલ ઘરની બહાર મળી હતી. તો બીજી એવી પણ જાણકારી સામે આવી રહી છે કે, આ કળિયુગી પિતાને પહેલાથીજ એક દિકરી હતી અને તે નહોતો ઈચ્છતો કે તેને બીજી પણ દિકરી જ આવે. તેને પુત્રની ઘેલછા હતી. જોકે તેવું ના થતા તેણે બીજી દિકરીના અપહરણ અને હત્યાનો પ્લાન બનાવ્યો અને તેને મોતને ઘાટ ઉતારીને ખાળકૂવામાં ફેંકી દીધી.
બાળકીની માતાને પણ પીવડાવ્યો નશીલો પદાર્થ !
બાળકીની માતા શિલાને જ્યારે ઉંઘમાંથી જગાડી તો તે પણ અચાનક ચોંકી ગઈ, કારણ કે તે પોતાની બન્ને બાળકીઓ સાથે સુતી હતી. જેમાંથી 5 વર્ષની બાળકી તેની સાથે સુતી હતી હતી જ્યારે 10 મહિનાની બાળકી ગાયબ હતી. ઘટનાને પગલે પોલીસે મકાનની આસપાસની ટાંકી, છત અને તમામ સ્થળોએ તપાસ કરી હતી, જોકે બાળકી ક્યાંય મળી આવી નહોતી. આખરે બાળકી ક્યાં ગાયબ થઈ ગઈ?, તે પોલીસ માટે પણ પડકાર સમાન બની ગયું હતુ. એવી કોઈ મહત્વની કડી પણ નહોંતી મળતી કે કોણે અપહરણ કર્યુ?.
સચ્ચાઈ સામે આવતા ઉડી ગયા હોંશ
પોલીસે જીણવટપૂર્વક તપાસ કરતા સામે આવ્યુ કે બાળકીના પિતાએ જ તેની હત્યા કરી છે. પોલીસને શરૂઆતી તબક્કાથી પિતા પર શક હતો અને ત્યારબાદ સઘન પૂછપરછ કરતા મામલો પલટાઈ ગયો, અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી પિતાએ ખાવા પીવાની ચીજવસ્તુઓમાં તેની પત્ની અને 5 વર્ષની બાળકીને પણ ઝેરી પર્દાર્થ આપી દીધો હતો, જેના કારણે બન્ને બેહોશીની હાલતમાં હતા. અને આ દરમિયાન જ તેણે હત્યાનો પ્લાન બનાવી દીધો અને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી. હાલ તો આ હત્યારા પિતાની પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે અને અન્ય પરિવારજનોની આ હત્યાકાંડમાં કોઈ ભૂમિકા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.



