राष्ट्रीय

સુપ્રીમ કોર્ટનો ફેક ઓર્ડર બતાવી જેલથી મુક્ત થયો આરોપી, હવે 8 વર્ષ બાદ FIR નોંધાઈ | karnataka jail fake supreme court order prisoner released




Karnataka Jail Fake Documents Prisoner Release: કર્ણાટકથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેણે જેલ પ્રશાસન અને કાનૂની વ્યવસ્થાની ઊંઘ ઉડાવી દીધી છે. કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી લાગતી આ ઘટનામાં, આજીવન કેદની સજા કાપી રહેલો એક ખૂંખાર કેદી દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે, સુપ્રીમ કોર્ટના નકલી દસ્તાવેજો બતાવીને જેલમાંથી ફરાર થઈ ગયો! આ સનસનાટીપૂર્ણ ખુલાસો થતાં જ જેલ વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને અંદરના જ અધિકારીઓની મિલીભગત તેમજ ગંભીર બેદરકારી અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

હાઇ સિક્યોરિટી જેલ સાથે જ થયું કૌભાંડ

કર્ણાટકની હાઈ-સિક્યોરિટી ગણાતી જેલમાંથી છેતરપિંડીનો એક એવો મોટો મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને કાનૂની નિષ્ણાતો પણ દંગ રહી ગયા છે. આજીવન કેદની સજા કાપી રહેલો એક પાકો ગુનેગાર આશરે 8 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટના નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બેંગલુરુની પરપ્પના અગ્રહારા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થઈ ગયો હતો. હવે આટલા વર્ષો પછી જ્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે, ત્યારે જેલ પ્રશાસનમાં ફફડાટ વ્યાપી ગયો છે.

10,000 રૂપિયાનો દંડ ભરીને જેલની બહાર નીકળી ગયો!

આ સનસનાટીપૂર્ણ ઘટના પાછળની વિગત એવી છે કે વર્ષ 2001ના એક અપહરણ અને ખંડણીના કેસમાં શંકર અરમુગમ નામના આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. બેંગલુરુની ફાસ્ટ ટ્રેક કોર્ટે શંકરને આઈપીસીની કલમ 364A (ખંડણી માટે અપહરણ) અને કલમ 120B (ગુનાહિત કાવતરું) હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ, 13 નવેમ્બર 2018ના રોજ શંકરે જેલ સત્તાવાળાઓ સમક્ષ સુપ્રીમ કોર્ટના રાહત આપતા નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ કથિત કોર્ટ ઓર્ડર સાથે જોડાયેલો 10,000 રૂપિયાનો દંડ ભરીને તે ખૂબ જ આસાનીથી જેલની બહાર નીકળી ગયો અને જેલ પ્રશાસનને ગંધ સુદ્ધાં ન આવી.

કઇ રીતે ફૂટ્યો છેતરપિંડીનો ભાંડો

આ આખો મામલો તાજેતરમાં ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે જેલ ડાયરેક્ટર જનરલને (DG) એક ગુપ્ત ફરિયાદ મળી. આ ફરિયાદમાં સીધો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, શંકરે સુપ્રીમ કોર્ટના નકલી ઓર્ડરનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે મુક્તિ મેળવી છે.

તપાસમાં મોટો ઘટસ્ફોટ

ફરિયાદના આધારે તાત્કાલિક આંતરિક તપાસ શરૂ કરવામાં આવી. નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર પાસે જ્યારે આ દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સત્તાવાર તપાસમાં સાબિત થયું કે, ગુનેગાર શંકર દ્વારા રજૂ કરવામાં આવેલો કોર્ટ ઓર્ડર તદ્દન નકલી અને બોગસ હતો.

શું જેલના અધિકારીઓ પણ મળેલા હતા?

આ ચોંકાવનારા ખુલાસાએ હવે કર્ણાટકના જેલ વિભાગની આખી પ્રક્રિયા અને સુરક્ષા સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સર્વોચ્ચ અદાલતના નકલી ન્યાયિક દસ્તાવેજોને જેલની પ્રક્રિયામાં વગર તપાસે કેવી રીતે મંજૂરી મળી ગઈ? શું જેલની અંદર બેઠેલા અધિકારીઓએ જ આ ગેરકાયદેસર રિહાઈમાં આરોપીને મદદ કરી હતી?

ફરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન, FIR દાખલ

હાલમાં, આ છેતરપિંડી આચરનાર ગુનેગાર શંકરને શોધી કાઢવા અને તેની ફરીથી ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ, નકલી દસ્તાવેજો બનાવવામાં અને તેને જેલમાંથી ભગાડવામાં મદદ કરનારા તમામ શંકાસ્પદોની ભૂમિકાની પણ ઝીણવટભરી તપાસ થઈ રહી છે. ડીજીપી આલોક કુમારે જણાવ્યું છે કે આ મામલે હવે પરપ્પના અગ્રહારા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે FIR નોંધવામાં આવી છે.





Source link

Related Articles

Back to top button