ફોટોગ્રાફર્સ પર જોરદાર ભડક્યો સલમાન ખાન: કહ્યું,”હું લડવાનું ભૂલ્યો નથી, આ યાદ રાખજો…!” | Salman Khan Angry on Media over their behaviour outside hospital

![]()
Salman Khan Angry on Media: મુંબઈની હિન્દુજા હોસ્પિટલ બહાર મીડિયાના વર્તનથી નારાજ થઈને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. બુધવારે વહેલી સવારે કરેલી શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં સલમાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે કોઈના દુઃખ કે મુશ્કેલીનો ઉપયોગ પૈસા કમાવવા માટે ન કરવો જોઈએ. તેણે મીડિયાને પોતાના વર્તન પર કન્ટ્રોલ કરવા માટે ચેતવણી આપી હતી.
‘મારા નુકસાનમાંથી તેઓ પૈસા કમાવવા માંગે છે’
સલમાન ખાને હંમેશાં મીડિયા અને ફોટોગ્રાફર્સને સપોર્ટ કર્યો છે, પરંતુ હોસ્પિટલ બહારના દ્રશ્યોથી તે ખૂબ દુઃખી થયો હતો. તેણે લખ્યું કે “જો હું કોઈ પણ મીડિયાકર્મીને હોસ્પિટલની બહાર મારા દુઃખનો આનંદ લેતા જોઈશ… એ જ મીડિયા જેની પડખે હું હંમેશાં ઊભો રહ્યો છું, જેમની સાથે વાતચીત કરી છે અને એ વાતનું ધ્યાન રાખ્યું છે કે તેઓ પણ પોતાની રોજીરોટી કમાઈ શકે. પરંતુ જો તેઓ મારી લાચારી કે નુકસાનમાંથી પૈસા કમાવવા માંગતા હોય.. તો શાંત રહો, આનો આનંદ ન લો. ભાઈ-ભાઈ-ભાઈ… ‘માતૃભૂમિ’ પિક્ચરની ઐસીતૈસી, પિક્ચર મહત્ત્વનું છે કે જિંદગી?”
‘લડવાનું ભૂલ્યો નથી, આ યાદ રાખજો…’
પેપરાઝીને સીધી ચેતવણી આપતા સલમાને લખ્યું કે, “આવા તો હું સો સળગાવી દઈશ. કોઈ ભાઈના દુઃખ પર આગામી વખતે મારી સાથે આવો પ્રયાસ કરી જોજો. બસ એક વાર ટ્રાય કરી જોજો.. જ્યારે તમારું કોઈ હોસ્પિટલમાં હશે, ત્યારે શું હું આવું વર્તન કરીશ?” પોતાની અંતિમ પોસ્ટમાં સલમાને આકરા તેવર બતાવતા લખ્યું, “હું ૬૦ વર્ષનો થઈ ગયો છું, પણ લડવાનું ભૂલ્યો નથી, આ યાદ રાખજો. જેલમાં નાખશો? હાહાહા.”
હોસ્પિટલ બહાર શું બન્યું હતું?
મંગળવારે એટલે કે 19 મેના રોજ મુંબઈની હિન્દુજા હોસ્પિટલ બહારના કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેમાં સલમાન ખાન ત્યાં હાજર ફોટોગ્રાફર્સ પર ભારે ગુસ્સામાં જોવા મળ્યો હતો. કેમેરામેન તરફ આંગળી ચીંધીને અને પોતાના કપાળ પર હાથ મૂકીને સલમાન અત્યંત ગુસ્સામાં કહેતા સંભળાયા હતા કે, “પાગલ થઈ ગયા છો?” ફોટોગ્રાફર્સ તેના એક ફોટો માટે પડાપડી કરી રહ્યાં હતાં અને હોસ્પિટલ બહાર આ દૃશ્ય જોઈને સલમાન ભડકી ગયો હતો.
સલમાન ખાનની આગામી ફિલ્મ
છેલ્લે ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળેલો સલમાન ખાન હવે ટૂંક સમયમાં જ ચિત્રાંગદા સિંહ સાથે ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’માં જોવા મળશે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં થયેલી ભારત-ચીન સૈનિકોની હિંસક ઝડપની સાચી ઘટનાઓ પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે. આ ફિલ્મમાં ઝેન શો, અંકુર ભાટિયા અને વિપિન ભારદ્વાજ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
આ સિવાય, સલમાન ખાન સાઉથની લેડી સુપરસ્ટાર નયનથારા સાથે પણ એક ફિલ્મ કરી રહ્યા છે, જેનું નિર્દેશન વંશી પેઇડિપલ્લી કરી રહ્યા છે અને પ્રોડ્યુસર દિલ રાજુ છે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ 2026માં સત્તાવાર રીતે શરૂ થઈ ચૂક્યું છે. જોકે એનું નામ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું.



