દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, યુપીમાં 48 ડિગ્રી, બંગાળમાં વરસાદની આગાહી | Orange alert in Delhi 48 degrees in UP rain forecast in Bengal

![]()
– ગરમી વધતા વીજળીની માગે તમામ રેકોર્ડ તોડયા
– ઉત્તર પ્રદેશના 75માંથી 22 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી વધુ, મહારાષ્ટ્રના વિદર્ભમાં એક સપ્તાહથી હીટવેવ
– પંજાબના ફરિદકોટમાં 47.3 ડિગ્રી, મહારાષ્ટ્રના વિદર્ભમાં એક સપ્તાહથી હીટવેવની સ્થિતિ
નવી દિલ્હી : અનેક રાજ્યોમાં તાપમાને રેકોર્ડ તોડયા છે, ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૮ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું, જ્યારે પંજાબના ફરિદકોટમાં પણ ગરમીનો પારો ૪૭.૩ ડિગ્રી નોંધાયો છે. મહારાષ્ટ્રના વિદર્ભના મોટાભાગના વિસ્તારોમાં પણ ભારે હીટવેવનો લોકોએ સામનો કરવો પડયો હતો, જ્યારે અમરાવતીમાં તાપમાન ૪૬.૮ ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીમાં પણ હીટવેવની સ્થિતિ જોવા મળી હતી જેથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું.
મધ્ય પ્રદેશમાં એક ચાર વર્ષની બાળકી કારમાં ફસાયેલી રહી જેને કારણે ભારે ગરમી વચ્ચે ગુંગળામણ થતા તેનું મોત નિપજ્યું હતું, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં સામે આવશે. ઉત્તર પ્રદેશના બાંદામાં રેકોર્ડ ૪૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યના ૭૫માંથી ૨૨ જિલ્લાઓમાં સરેરાશ તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ રહ્યું હતું. સૌથી ગરમ સ્થળોમાં ઝાંસી, આગરાનો પણ સમાવેશ થાય છે જ્યાં તાપમાન ૪૬ ડિગ્રી કરતા પણ વધુ રહ્યું હતું. આગામી કેટલાક દિવસો સુધી હજુ પણ ભારે હીટવેવની શક્યતાઓ છે જેને પગલે સ્વાસ્થ્ય વિભાગ પણ એલર્ટ થઇ ગયું છે.
પંજાબ અને હરિયાણામાં પણ ઉત્તર પ્રદેશ જેવી જ સ્થિતિ જોવા મળી રહી છે, અહીંના ફરિદકોટમાં સૌથી વધુ ૪૭.૩ ડિગ્રી, રોહતકમાં ૪૬.૯ ડિગ્રી તાપમાન રહ્યું હતું. બન્ને રાજ્યોના મોટાભાગના સ્થળોએ તાપમાન ૪૫ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. આ રાજ્યોની રાજધાની ચંડીગઢનું તાપમાન પણ ૪૩ ડિગ્રીને પાર જતું રહ્યું છે. રાજધાની દિલ્હીમાં હીટવેવને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો, જેને પગલે તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર જતો રહ્યો હતો, જેથી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવુ પડયું હતું. સફદરજંગનું તાપમાન ૪૫.૧ ડિગ્રી નોંધાયું જે અગાઉ કરતા ૧.૭ ડિગ્રી વધુ છે. હિમાચલ પ્રદેશમાં પણ હીટવેવના કારણે યલો એલર્ટ જાહેર કરાયું હતું.
બીજી તરફ પશ્ચિમ બંગાળમાં દાર્જીલિંગ, કૂચ બિહાર વગેરે વિસ્તારોમાં ૨૨મી તારીખથી સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે ગરમીને કારણે વીજળીની માગ પણ વધી છે. મંગળવારે વીજળીની ખપતે તમામ રેકોર્ડ તોડયા હતા, અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૬૦.૪૫ ગીગાવોટ વીજળીની માગ નોંધાઇ હતી, ઉર્જા મંત્રાલયના જણાવ્યા મુજબ લોકોમાં એસી અને કૂલરનો ઉપયોગ વધવાથી વીજળીની ખપત વધી છે. આ પહેલા ૨૫ એપ્રીલ ૨૦૨૬ના પણ ૨૫૬ ગીગાવોટ વીજળીની માગ નોંધાઇ હતી. કેટલાક રાજ્યોમાં આ વખતે એક સપ્તાહથી સતત ૪૦, ૪૫ ડિગ્રી વચ્ચે તાપમાન રહ્યું છે જેને કારણે નિષ્ણાતોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.



