ઇરાનમાં 134 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર! અમિતાભ બચ્ચને શેર કર્યો દુર્લભ વીડિયો | Amitabh Bachchan post on Iran vishnu temple goes viral

![]()
Amitabh Bachchan on Iran Temple: અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાની અનોખી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે ઈરાનમાં આવેલા 134 વર્ષ જૂના પ્રાચીન હિંદુ વિષ્ણુ મંદિરનો વીડિયો શેર કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. તેમની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક તથા સાંસ્કૃતિક સંબંધોની ચર્ચા તેજ બની ગઈ છે.
અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં આવેલા પ્રાચીન વિષ્ણુ મંદિરનો વીડિયો શેર કર્યો હતો. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે આ મંદિર 1892માં કાજાર યુગ દરમિયાન બનાવવામાં આવ્યું હતું અને તે સમયના ભારતીય હિંદુ વેપારીઓ માટે નિર્માણ કરવામાં આવ્યું હતું, જે શહેરમાં વેપાર કરતા હતા. વીડિયોમાં પર્શિયન ભાષાનું ભજન પણ સાંભળવા મળે છે.
શું છે આ મંદિરનો ઇતિહાસ?
બંદર અબ્બાસનું આ વિષ્ણુ મંદિર ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલું છે અને તેને ‘હિંદુ મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઐતિહાસિક માહિતી મુજબ, આ મંદિર ભારતીય સમુદાયે બનાવ્યું હતું, જે તે સમય દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે જોડાયેલા વેપાર માટે ત્યાં રહેતા હતા. ભારતમાંથી ખાસ કરીને ગુજરાત અને સિંધના વેપારીઓ અહીં વેપાર કરતા હતા અને તેમણે પોતાની ધાર્મિક આસ્થા જાળવવા માટે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
આ મંદિરની રચના સામાન્ય ભારતીય મંદિરો કરતાં અલગ માનવામાં આવે છે. તેના ગુંબજ અને સ્થાપત્યમાં ભારતીય અને પર્શિયન આર્કિટેક્ચરનો મિશ્રણ જોવા મળે છે. મંદિરના કેટલાક ભાગોમાં ભગવાન કૃષ્ણના ચિત્રો પણ જોવા મળે છે. આજે આ સ્થળને ઐતિહાસિક સ્મારક અને પર્યટન સ્થળ તરીકે જાળવી રાખવામાં આવ્યું છે.
પર્શિયન ભજન બન્યું ચર્ચાનો વિષય
અમિતાભ બચ્ચનની પોસ્ટમાં ઉપયોગમાં લેવાયેલું પર્શિયન ભજન પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ ગીતમાં “હે વિષ્ણુ જાન, હે રામા જાન, હે કૃષ્ણા જાન…” જેવા શબ્દો સાંભળવા મળે છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે ગીતની પ્રશંસા કરી અને કહ્યું કે ભાષા સમજાતી ન હોવા છતાં ગીતમાં અદભૂત શાંતિ અને ભક્તિનો ભાવ છે. કેટલાક લોકોએ તો ગાયકની અવાજને “સ્વર્ગ જેવી” ગણાવી હતી.
આ ગીત યુ-ટ્યુબ પર પણ વાઇરલ થઈ રહ્યું છે અને હજારો લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા યુઝર્સે અમિતાભ બચ્ચનનો આભાર માન્યો કે તેમણે દુનિયાને ઈરાનમાં આવેલા આ દુર્લભ હિંદુ મંદિર વિશે જાણકારી આપી.
સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા
અમિતાભ બચ્ચનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. ઘણાં લોકોએ તેમની પ્રશંસા કરી કે તેમણે ભારત અને ઈરાનના ઐતિહાસિક સંબંધોને દુનિયા સામે લાવ્યા. કેટલાક લોકોએ લખ્યું કે આ તેમની સૌથી માહિતીપ્રદ પોસ્ટમાંથી એક છે.
જોકે, કેટલાક યુઝર્સે તેમની જૂની ફિલ્મોમાં હિંદુ ધર્મના દર્શન અંગે ટીકા પણ કરી હતી. કેટલાક લોકોએ ‘દીવાર’ અને ‘કુલી’ જેવી ફિલ્મોમાં સનાતન ધર્મના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા.
ભારત-ઈરાનના સંબંધોની અનોખી ઝલક
ઈતિહાસકારો મુજબ ભારત અને ઈરાન વચ્ચે હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક અને વેપારી સંબંધો રહ્યા છે. મુગલ કાળ દરમિયાન પર્શિયન ભાષાનો ભારતીય સાહિત્ય, સંસ્કૃતિ અને વહીવટ પર ઊંડો પ્રભાવ રહ્યો હતો. આજેય હિન્દી અને ઉર્દૂ ભાષામાં ઘણા પર્શિયન શબ્દોનો ઉપયોગ થાય છે.
અમિતાભ બચ્ચનની આ પોસ્ટ માત્ર એક મંદિરનો વીડિયો નહોતી, પરંતુ ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક જોડાણની એક અનોખી ઝલક હતી, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.



