પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Ghazwa e Hind conspiracy by turning educated youth of India into terrorists: NIA

![]()
– દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઇએની 7500 પાનાની ચાર્જશીટ દાખલ
– ગઝવા-એ-હિન્દ મિશન માટે શહેરોમાં જ આતંકીઓ તૈયાર કરાઇ રહ્યા છે : દિલ્હી બ્લાસ્ટનો સંપૂર્ણ કન્ટ્રોલ પાક.ના આતંકીઓના હાથમાં હતો, ચાર્જશીટમાં 10ને આરોપી બનાવાયા
નવી દિલ્હી: દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા ભીષણ હુમલાને લઇને તપાસ કરી રહેલી એનઆઇએ દ્વારા 10 આરોપીઓની સામે 7500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં અનેક મોટા ખુલાસા થયા છે, એનઆઇએએ કોર્ટને જણાવ્યું છે કે પાકિસ્તાનમાં સક્રિય આતંકીઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભારતમાં ગઝવા-એ-હિન્દનું મોટું કાવતરું ઘડી રહ્યા છે.
ગઝવા-એ-હિન્દ એટલે કે હુમલા કરીને ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનું કાવતરું.
એજન્સીએ કોર્ટમાં રજુ કરેલી ૭૫૦૦ પાનાની ચાર્જશીટમાં જણાવ્યું છે કે પાકિસ્તાનના આતંકી સંગઠનોએ પોતાની સ્ટ્રેટેજી બદલી છે, હવે આ સંગઠનો જંગલમાં છૂપાઇને ભારત વિરુદ્ધ કાવતરા ઘડવાને બદલે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શહેરોમાં શિક્ષિત લોકોને ભડકાવી રહ્યા છે, જેનું ઉદાહરણ દિલ્હી બ્લાસ્ટમાં સામેલ આતંકીઓ છે.
આ બ્લાસ્ટમાં સામેલ તમામ આતંકીઓ શિક્ષિત છે. અંસાર ગઝવત ઉલ હિન્દ નામના આતંકી સંગઠન દ્વારા ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે.
આ આતંકી સંગઠન પાકિસ્તાનના અલ કાયદાના ઇશારે જમ્મુ કાશ્મીરમાં સક્રિય છે અને ભારતના જુદા જુદા શહેરોમાં યુવાનોને સોશિયલ મીડિયા, મેસેજિંગ એપ્સ વગેરેના માધ્યમથી બ્રેઇન વોશ કરીને આતંકી પ્રવૃત્તિમાં જોડવા પ્રયાસ કરી રહ્યું છે. દિલ્હી બ્લાસ્ટને અંજામ આપવા માટે પાકિસ્તાનના આતંકીઓએ સંપૂર્ણ કમાન્ડ પોતાના હાથમાં લઇ લીધી હતી, આ આતંકી નેટવર્કના ઇરાદા કાશ્મીરમાં આતંકવાદને વૈશ્વિક જેહાદ સાથે જોડવાનો છે. લાલ કિલ્લા પર બ્લાસ્ટને અંજામ આપનાર આતંકી ઉમર નબીની વિચારધારા આતંકી ઝાકિર મુસાની વિચારધારા જેવી જ હતી.
ઝાકિર જંગલોમાં કટ્ટરવાદ ફેલાવતો જ્યારે નબી આ જ કામ શહેરોમાં કરી રહ્યો હતો. ઉમર નબી સહિતના ૧૦ આરોપીઓ અંસાર ગઝવત ઉલ હિન્દ સાથે સંકળાયેલા છે જે અલકાયદાનો જ એક હિસ્સો છે.



