આની સામે મહાભારત પણ નાનું લાગશે: 30,000 કરોડના કપૂર ફેમિલી વિવાદ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | sunjay kapur family feud supreme court mahabharat remark

![]()
Sunjay Kapur 30,000 Crore Family Feud: કપૂર પરિવારમાં ચાલી રહેલો મિલકત વિવાદ હવે સુપ્રીમ કોર્ટની ઉંબરે પહોંચ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલાએ કરેલી એક ટિપ્પણીએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે કહ્યું કે, આ પરિવારમાં મિલકત માટે જે સ્તરનો વિવાદ ચાલી રહ્યો છે, તેની સામે મહાભારતનું યુદ્ધ પણ નાનું લાગશે.
શું છે સમગ્ર વિવાદ?
સોના કોમસ્ટારના પૂર્વ ચેરમેન સંજય કપૂરનું જૂન 2025 માં હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમના મૃત્યુ બાદ તેમની અંદાજે 30,000 કરોડ રૂપિયાની મિલકત માટે લડાઈ શરૂ થઈ છે. આ લડાઈમાં મુખ્યત્વે ત્રણ પક્ષો છે:
રાણી કપૂર: સંજય કપૂરના 80 વર્ષના માતા.
પ્રિયા સચદેવ કપૂર: સંજય કપૂરની ત્રીજી પત્ની.
કરિશ્મા કપૂરના બાળકો: સંજયની પૂર્વ પત્ની કરિશ્મા કપૂરના બાળકો (સમાયરા અને કિયાન) એ પણ મિલકતમાં હક માંગ્યો છે.
તાજો વળાંક: ટ્રસ્ટ અને બોર્ડ મીટિંગ પર વિવાદ
સંજય કપૂરના માતા રાણી કપૂરે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરી છે. તેમનો આક્ષેપ છે કે પ્રિયા કપૂર અને અન્યોએ મળીને ‘RK ફેમિલી ટ્રસ્ટ’ના નામે નકલી દસ્તાવેજો બનાવ્યા છે અને તેમની જાણ બહાર મિલકતો ટ્રાન્સફર કરી દીધી છે. રાણી કપૂરે 18 મેના રોજ યોજાનારી કંપનીની બોર્ડ મીટિંગ પર સ્ટે માંગ્યો છે, કારણ કે તેમને ડર છે કે મધ્યસ્થીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જ તેમની સત્તા છીનવી લેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે આ કેસને અત્યંત ગંભીર ગણાવ્યો છે. કોર્ટે અગાઉ 7 મેના રોજ પૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડને મધ્યસ્થી તરીકે નિમ્યા હતા જેથી આ પારિવારિક મામલો શાંતિથી ઉકેલી શકાય. કોર્ટે ટિપ્પણી કરી કે, આ એક પારિવારિક વિવાદ છે, તેને મનોરંજનનું સાધન ન બનાવવો જોઈએ. અમે એક એવા મેદાનમાં ઉતર્યા છીએ જ્યાં મહાભારત પણ નાનું લાગશે. અમે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરીશું.
કરિશ્મા કપૂરના બાળકોનો હક
વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે પ્રિયા સચદેવ કપૂરે સંજય કપૂરની એક વસિયત રજૂ કરી. કરિશ્મા કપૂરના બાળકોએ આ વસિયતની સત્યતા પર સવાલ ઉઠાવ્યા છે અને દિલ્હી હાઈકોર્ટમાં તેને પડકારી છે. તેમનું કહેવું છે કે આ વસિયત સંજયના મૃત્યુ પછી જ કેમ સામે આવી?



