NEET UG પરીક્ષા રદ: ‘ગેસ પેપર’માંથી બેઠા પૂછાયા હતા 120થી વધુ પ્રશ્નો, CBI તપાસનો આદેશ | neet ug 2026 cancelled paper leak cbi probe re exam

![]()
NEET UG 2026 Cancelled Due to Paper Leak, CBI Probe Ordered | ભારતની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 3 મેના રોજ લેવાયેલી આ પરીક્ષાને પેપર લીકની આશંકા બાદ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં ‘ગેસ પેપર’ લીક થયાના પુરાવા મળતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને શિક્ષણ મંત્રાલયે આ કઠોર નિર્ણય લીધો છે. હવે આ કેસની તપાસ CBI ને સોંપવામાં આવી છે.
CBI તપાસનો પણ આદેશ
NTAના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સમાં જાણવા મળ્યું હતું કે પરીક્ષાની પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવી હતી. પરીક્ષાની પારદર્શિતા અને ગરિમા જાળવી રાખવા માટે આ પરિણામોને માન્ય રાખવા શક્ય નહોતા. એજન્સીનો દાવો છે કે જો આ તબક્કે નિર્ણય ન લેવાયો હોત, તો ભવિષ્યમાં સિસ્ટમ પરથી વિદ્યાર્થીઓનો ભરોસો ઉઠી જાત. સરકારે સમગ્ર મામલે તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન- CBIને કેસ સોંપ્યો છે. આ તપાસમાં મુખ્યત્વે એ જાણવાનો પ્રયાસ કરાશે કે પરીક્ષા પહેલા ‘ગેસ પેપર’ કેવી રીતે વાઈરલ થયું અને તેની પાછળ કયું સંગઠિત માફિયા જૂથ કામ કરી રહ્યું છે.
રાજસ્થાનમાં વાઈરલ થયેલા પેપરમાંથી બેઠા પ્રશ્નો પૂછાયા હતા
આ નિર્ણય પાછળ સૌથી મોટું કારણ રાજસ્થાનમાં થયેલી તપાસ છે, જેમાં બહાર આવ્યું છે કે વાયરલ થયેલા ‘ગેસ પેપર’ માંથી પ્રશ્નપત્રના મુખ્ય પ્રશ્નો બેઠે બેઠા પૂછાયા હતા. તપાસ એજન્સીઓના રિપોર્ટ અનુસાર, રાજસ્થાનમાં જે ગેસ પેપર લીક થયું હતું તેના પર તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલ મુજબ, NEETના કુલ 120 પ્રશ્નો તે ગેસ પેપરમાંથી જ બેઠા પૂછવામાં આવ્યા હતા.
પેપર કેવી રીતે લીક થયું?
રાજસ્થાનમાં આ મામલે અત્યાર સુધીમાં 45 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે લીક થયેલું ‘ગેસ પેપર’ કોઈ પ્રિન્ટિંગ પ્રેસ માંથી બહાર આવ્યું હોઈ શકે છે.
ફરી પરીક્ષા ક્યારે? વિદ્યાર્થીઓએ શું કરવું?
NTA એ પુષ્ટિ કરી છે કે ટૂંક સમયમાં જ નવી તારીખ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે મહત્વની રાહત એ છે કે:
– કોઈ નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં.
– વિદ્યાર્થીઓએ કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં.
– નવી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ આપવામાં આવશે.
ઘટનાક્રમ: મે 2026
3 મે: દેશભરના 5,432 કેન્દ્રો પર 22.79 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
7 મે: ગેરરીતિ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે NTAને પ્રથમ સત્તાવાર ઇનપુટ્સ મળ્યા.
8 મે: સમગ્ર મામલો સ્વતંત્ર તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો.
11 મે: WhatsApp અને Telegram પર એક “ગેસ પેપર” વાયરલ થયો હોવાના અહેવાલો મળ્યા, જેમાં અસલી પેપરના 120 થી 135 જેટલા પ્રશ્નો બેઠા હોવાનું જણાયું હતું.
12 મે (સવારે): NTAએ પરીક્ષાની પવિત્રતા જોખમાઈ હોવાનું સ્વીકારી પરીક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી.
12 મે (બપોરે): કેન્દ્ર સરકાર દ્વારા આ સમગ્ર કૌભાંડની તપાસ CBIને સોંપવાનો આદેશ અપાયો.
AMAની અપીલ: નિરાશ ન થશો, અફવાથી દૂર રહો
આ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશને અપીલ કરી છે કે થોડા બેદરકાર લોકોના કારણે મહેનતુ અને પ્રામાણિક વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓને શાંતિ જાળવે અને અફવાઓથી દૂર રહે.



