राष्ट्रीय

6 દિવસ, 5 દેશો અને અબજો ડોલરના રોકાણ પર નજર: PM મોદીનો મેગા વિદેશ પ્રવાસ | pm modi 5 nation tour uae netherlands sweden norway italy visit



PM Modi’s 5-Nation Tour: વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૂ-રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારત પોતાની રાજદ્વારી પકડ વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી શુક્રવારથી પાંચ દેશોના છ દિવસીય મહત્ત્વપૂર્ણ પ્રવાસ પર રવાના થશે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ, ઊર્જા અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે વ્યૂહાત્મક મંત્રણા કરવામાં આવશે.

PM મોદીનો 5 દેશોનો 6 દિવસીય પ્રવાસ: UAEથી થશે શરૂઆત

વડાપ્રધાન મોદીના પ્રવાસનું પ્રથમ મુકામ UAE (યુનાઇટેડ આરબ એમિરેટ્સ) હશે. અહીં તેઓ પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનો અને પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, UAE એ ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને ત્યાં 45 લાખથી વધુ ભારતીયો વસવાટ કરે છે, જેમના કલ્યાણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

નેધરલેન્ડ અને સ્વીડનની મુલાકાત: ટેકનોલોજી અને સંરક્ષણ પર ભાર

પ્રવાસના બીજા તબક્કામાં PM મોદી 15થી 17 મે દરમિયાન નેધરલેન્ડની મુલાકાત લેશે. અહીં તેઓ રાજા વિલેમ-એલેક્ઝાન્ડર અને વડાપ્રધાન રોબ જેટન સાથે મુલાકાત કરશે. આ દરમિયાન સંરક્ષણ, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર્સ અને ઈનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થશે. ત્યારબાદ, તેઓ સ્વીડન જશે, જ્યાં વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે ગ્રીન ટ્રાન્ઝિશન, AI અને સ્પેસ ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર વધારવા અંગે વાટાઘાટો કરશે.

43 વર્ષ બાદ ભારતીય પીએમની નોર્વે મુલાકાત

પ્રવાસના ચોથા તબક્કામાં PM મોદી નોર્વે પહોંચશે. 43 વર્ષમાં કોઈ ભારતીય પીએમની આ પ્રથમ નોર્વે મુલાકાત હશે. તેઓ અહીં ત્રીજી ‘ઈન્ડિયા-નોર્ડિક સમિટ’માં ભાગ લેશે. નોર્વેમાં તેઓ બ્લુ ઈકોનોમી અને ગ્રીન ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સમિટમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, સ્વીડન અને નોર્વેના વડાપ્રધાનો પણ જોડાશે, જે ભારત અને નોર્ડિક દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે.

આ પણ વાંચો: NEET-UG 2026 રદ: પેપર લીક કાંડમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, CBI તપાસના આદેશ અને ફરી લેવાશે પરીક્ષા

ઈટાલીની મુલાકાત સાથે પ્રવાસનું સમાપન

પ્રવાસના અંતિમ તબક્કામાં વડાપ્રધાન 19થી 20 મે દરમિયાન ઈટાલીની સત્તાવાર મુલાકાતે જશે. પીએમ મોદી જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર ઈટાલી જઈ રહ્યા છે. અહીં બંને નેતાઓ ‘જોઈન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન 2025-2029’ના અમલીકરણ અને રોકાણ, સ્વચ્છ ઊર્જા તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકશે. આ મુલાકાતથી યુરોપ સાથે ભારતના વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધો વધુ ગાઢ બનશે.



Source link

Related Articles

Back to top button