NEET UG નું પેપર ફૂટ્યું? 140 પ્રશ્નો વાઈરલ પેપરમાંથી બેઠા પૂછાયા, રાજસ્થાન SOG એક્શનમાં | NEET 2026 Paper Leak Probe: 140 Questions Matched in Rajasthan SOG Investigation

![]()
NEET 2026 Paper Leak Probe: 3 મે, 2026ના રોજ લેવાયેલી NEET (UG) પરીક્ષાના પેપર લીક થવાની આશંકાએ જોર પકડ્યું છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) ની તપાસમાં જાણવા મળ્યું છે કે પરીક્ષાના બે દિવસ પહેલા એટલે કે 1 મેના રોજ સીકરમાં એક ‘ગેસ પેપર’ (Guess Paper) ફરતું થયું હતું. આ હાથથી લખેલા પેપરમાં કુલ 300 પ્રશ્નો હોવાનો દાવો કરાયો છે, જેમાંથી 140 પ્રશ્નો 3 મેની અસલી પરીક્ષામાં બેઠા પૂછાયા હતા.
600 માર્કસનું જોખમ
NEET માં દરેક સાચા પ્રશ્નના 4 ગુણ હોય છે. 140 પ્રશ્નો મેચ થવાનો અર્થ એ છે કે અંદાજે 600 ગુણનું પેપર પરીક્ષા પહેલા જ બહાર આવી ગયું હતું. નીટની પરીક્ષા 720 માર્ક્સની હોય છે. તપાસકર્તાઓનું કહેવું છે કે માત્ર પ્રશ્નો જ નહીં, પણ તેના વિકલ્પોનો ક્રમ (Sequence of Options) પણ અસલી પેપર જેવો જ હતો.
ક્યાંથી અને કેવી રીતે ફેલાયું પેપર?
SOG ની તપાસમાં આ છેડો કેરળની મેડિકલ કોલેજમાં ભણતા અને ચુરુ (રાજસ્થાન) ના મૂળ નિવાસી એવા એક MBBS વિદ્યાર્થી સુધી પહોંચ્યો છે. આ વિદ્યાર્થીએ 1 મેના રોજ સીકરમાં તેના એક મિત્રને આ સામગ્રી મોકલી હતી. ત્યારબાદ તે કોચિંગ નેટવર્ક, પીજી સંચાલકો અને કરિયર કાઉન્સેલરો દ્વારા હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ હતી. શરૂઆતમાં આ પેપર 20 હજારથી 2 લાખ રૂપિયામાં વેચાયું હતું, પરંતુ પરીક્ષાની આગલી રાતે તેની કિંમત 30 હજાર સુધી પહોંચી હતી.
NTA ની પ્રતિક્રિયા
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સ્વીકાર્યું છે કે તેઓ રાજસ્થાન SOG ની તપાસથી માહિતગાર છે. એજન્સીએ જણાવ્યું કે પરીક્ષાના ચાર દિવસ પછી તેમને આ ગેરરીતિની જાણ થઈ હતી અને તેમણે તાત્કાલિક સંબંધિત તપાસ એજન્સીઓને વિગતો સોંપી દીધી છે. SOG ના અંતિમ રિપોર્ટ બાદ NTA આગળનો નિર્ણય લેશે.
જૂની યાદો તાજી થઈ
આ ઘટનાએ 2024ના NEET વિવાદની યાદો તાજી કરી દીધી છે, જ્યારે માર્કસમાં થયેલો વધારો અને પેપર લીકના આક્ષેપોને કારણે દેશભરમાં દેખાવો થયા હતા અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.



