કેરલમમાં કોંગ્રેસની જીત છતાં જંગ! CM પદ માટે ત્રણ નેતા ‘અડગ’, જાણો રાહુલ ગાંધી કેમ ભડક્યા? | kerala cm face congress embroiled in internal strife enraged rahul gandhi

![]()
Kerala Congress CM Face: પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામ જાહેર થયાને એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે. કેરલમ સિવાય તમામ રાજ્યોમાં મુખ્યમંત્રી જાહેર થઈ ચૂક્યા છે. પરંતુ કેરલમમાં મુખ્યમંત્રી કોણ બનશે? ભારે બહુમતી હોવા છતાં કોંગ્રેસ પાસે આ પ્રશ્નનો જવાબ નથી. આ સવાલનો જવાબ શોધવા માટે બેઠકો પણ થઈ રહી છે, તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ મળી શક્યો નથી.
કેરલમમાં કોંગ્રેસનું કોકડું ક્યાં ગુંચવાયું?
આ દરમિયાન મુખ્યમંત્રીના ચહેરાની પસંદગીને લઈને પાર્ટીમાં આંતરિક ડખાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને શનિવારે યોજાયેલી ત્રણ કલાકની મેરેથોન બેઠક છતાં ત્રણ મુખ્ય દાવેદારો (વી.ડી. સતીશન, કેસી વેણુગોપાલ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રમેશ ચેન્નીથલા) વચ્ચે સહમતિ સધાઈ શકી નથી. જો કે હાઈકમાન્ડને એ વાતની રાહત ચોક્કસ મળી છે કે ત્રણેય નેતાઓ તેમના સમર્થકોને રસ્તા પર પ્રદર્શન ન કરવાની અપીલ કરવા માટે સંમત થયા છે. વીડી સતીશને પાર્ટી કાર્યકર્તાઓને આગ્રહ કર્યો છે કે રાજ્યભરમાં લગાવવામાં આવેલા તમામ ફ્લેક્સ બોર્ડ અને બેનરો હટાવી દેવામાં આવે.
કોંગ્રેસની ખુલ્લી જૂથબંધી પર હાઈકમાન્ડમાં ભારે નારાજગી
એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેરલમના રસ્તાઓ પર કોંગ્રેસની ખુલ્લી જૂથબંધી પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં યુડીએફ (UDF)ની શાનદાર જીતની ચમક આ આંતરિક વિખવાદે ઝાંખી પાડી દીધી છે. રાહુલ ગાંધીએ ત્રણેય દાવેદારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારે જનાદેશ મળવા છતાં આ રીતે જાહેર દબાણ ઉભું કરવાની રીત યોગ્ય નથી.
ત્રણેય દાવેદારોએ મજબૂતીથી તાલ ઠોક્યો
અહેવાલ છે કે બેઠકમાં ત્રણેય નેતાઓ પોતપોતાના દાવા પર અડગ રહ્યા હતા. કેસી વેણુગોપાલે દાવો કર્યો હતો કે તેમને કોંગ્રેસ વિધાયક દળ (CLP)માં બહુમતીનું સમર્થન પ્રાપ્ત છે અને 63 ધારાસભ્યોમાંથી 40થી વધુ તેમના પક્ષમાં છે. રમેશ ચેન્નીથલાએ વરિષ્ઠતાનો મુદ્દો ઉઠાવ્યો, જ્યારે વીડી સતીશને યુડીએફના સાથી પક્ષોનું સમર્થન અને જનતાનો અભિપ્રાય પોતાના પક્ષમાં હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટ અનુસાર, સતીશને હાઈકમાન્ડને ચેતવણી આપી છે કે જો તેમને મુખ્યમંત્રી બનાવવામાં નહીં આવે તો તેઓ કોઈ પદ સ્વીકારશે નહીં.
અંતિમ નિર્ણય ટૂંક સમયમાં: દીપા દાસમુન્શી
બેઠક બાદ કેરલમના પ્રભારી AICC મહાસચિવ દીપા દાસમુન્શીએ જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય ખૂબ જ જલદી અને યોગ્ય સમયે લેવામાં આવશે. છેલ્લા બે-ત્રણ દિવસમાં કેટલાક અતિ ઉત્સાહી કાર્યકરો દ્વારા કરવામાં આવેલી અસહજ ઘટનાઓ કોંગ્રેસની સંસ્કૃતિને અનુરૂપ નથી. જનતાએ આપણને ભારે બહુમતી આપી છે, તેથી તમામ કાર્યકરોને અપીલ છે કે આવી પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં AICCના નિરીક્ષકો અજય માકન અને મુકુલ વાસનિક પણ સામેલ હતા.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, કોંગ્રેસના મોટાભાગના નવનિર્વાચિત ધારાસભ્યો અને સાંસદોએ નિરીક્ષકોને જણાવ્યું છે કે તેઓ કેસી વેણુગોપાલને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. જો કે ચેન્નીથલા અને સતીશન જૂથ પણ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહ્યા છે. જણાવાઈ રહ્યું છે કે ત્રણેય દાવેદારો હવે કેરલમ રવાના થઈ ગયા છે, જે સંકેત આપે છે કે હાઈકમાન્ડ સાથે પરામર્શની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જોકે પાર્ટી સામે હવે સૌથી મોટો પડકાર એ છે કે ભારે જનાદેશ હોવા છતાં આ ફૂટને કેવી રીતે રોકવી અને કયા ચહેરાને મુખ્યમંત્રી તરીકે સ્થાન આપવું.


