બેંગલુરુમાં PM મોદીના કાર્યક્રમ સ્થળથી માત્ર 3 કિમી દૂર વિસ્ફોટકો મળતા હડકંપ! એક શંકાસ્પદની અટકાયત | Explosives found near PM Modi Bengaluru event Suspect arrested

![]()
PM Modi security scare : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેંગલુરુ પ્રવાસ દરમિયાન વિસ્ફોટકો મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. શહેરના સીમ વિસ્તારમાં આવેલા પીએમ મોદીના કાર્યક્રમના સ્થળથી માત્ર 3 કિમી દૂર કાગલીપુરા પાસેના એક આશ્રમ નજીકથી બે જિલેટીન સ્ટિક્સ (વિસ્ફોટક) મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક વિસ્તારને સીલ કરી દીધો હતો અને એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
રૂટિન ચેકિંગમાં ફૂટપાથ પરથી મળ્યા વિસ્ફોટકો
પીએમ મોદીના આગમન પહેલા કરવામાં આવતા રૂટિન સિક્યુરિટી ચેક દરમિયાન રવિવારે સવારે ફૂટપાથની બાજુમાંથી આ શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જિલેટીન સ્ટિક્સ કોઈ મોટી કાવતરાનો ભાગ હતી કે પછી નજીકના વિસ્તારમાં ચાલતી ખનન પ્રવૃત્તિ સાથે જોડાયેલી હતી.
આ સુરક્ષા ભય છતાં, વડાપ્રધાને નિર્ધારિત કાર્યક્રમ મુજબ ‘આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર’ ખાતે હાજરી આપી હતી. ફાઉન્ડેશનના 45 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ શ્રી શ્રી રવિશંકર સાથે મંચ શેર કર્યો હતો. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, “બેંગલુરુ માત્ર ટેકનોલોજી હબ નથી, પણ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર પણ છે.” તેમણે સંસ્થાના આદિવાસી સશક્તિકરણ અને માનસિક સ્વાસ્થ્યના કાર્યોની પ્રશંસા કરી હતી.
શંકાસ્પદની સઘન પૂછપરછ
પોલીસે આ મામલે એક શંકાસ્પદને કસ્ટડીમાં લીધો છે. પોલીસ તપાસ કરી રહી છે કે વિસ્ફોટકો ત્યાં કેવી રીતે પહોંચ્યા અને પીએમ મોદીના રૂટ પર તેને રાખવા પાછળનો ઈરાદો શું હતો. સુરક્ષા વધારી દેવામાં આવી છે અને આજુબાજુના વિસ્તારોમાં સઘન સર્વેલન્સ ગોઠવી દેવાયું છે.



