હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી | Enough is Enough: SC Gives 4 Weeks to Act Against Minister Over Qureshi Remark

![]()
Col Sofiya Qureshi remarks : કર્નલ સોફિયા કુરેશી પર અપમાનજનક ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના મંત્રી કુંવર વિજય શાહ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે મંત્રી સામે કેસ ચલાવવા માટેની મંજૂરી અંગે 4 અઠવાડિયાની અંદર નિર્ણય લેવામાં આવે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘Enough is enough (હવે બહુ થયું), આ બાબતે નિર્ણય લો અને પાલનનો રિપોર્ટ રજૂ કરો.’
શું હતો સમગ્ર વિવાદ?
12 મે, 2025ના રોજ મધ્ય પ્રદેશના મઉમાં એક કાર્યક્રમ દરમિયાન મંત્રી વિજય શાહે નિવેદન આપ્યું હતું કે ભારતે પહલગામ આતંકી હુમલા માટે જવાબદારોને “તેમની જ બહેન” દ્વારા પાઠ ભણાવ્યો છે. જોકે તેમણે કોઈનું નામ લીધું નહોતું, પરંતુ કોંગ્રેસ અને અન્ય પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે તેમનો ઈશારો ‘ઓપરેશન સિંદૂર’થી ચર્ચામાં આવેલા કર્નલ સોફિયા કુરેશી તરફ હતો. આ નિવેદન બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો.
SITએ કેસ ચલાવવાની મંજૂરી માંગી છે
સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ જણાવ્યું કે, મંત્રીને આવી નિવેદનબાજી કરવાની આદત છે. SITએ તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196 (કોમી દ્વેષ ફેલાવવો) હેઠળ કેસ ચલાવવાની મંજૂરી માંગી છે.
મંત્રી વખાણ કરવા માંગતા હતા પણ ભૂલ થઈ ગઈ: સોલિસિટર જનરલ
મંત્રી તરફથી વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે દલીલ કરી હતી કે મંત્રીએ બીજા જ દિવસે માફી માંગી લીધી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કહ્યું કે કદાચ મંત્રી કર્નલના વખાણ કરવા માંગતા હતા પરંતુ શબ્દોની પસંદગીમાં ભૂલ થઈ ગઈ.
મંત્રી કાયદાથી ઉપર નથી: સુપ્રીમ કોર્ટ
ચીફ જસ્ટિસે આ દલીલો નકારી કાઢતા કહ્યું કે, “રાજકીય નેતાઓ ખૂબ જ સ્પષ્ટવક્તા હોય છે. જો જીભ લપસી હોત તો તેમણે તરત જ માફી માંગી હોત. માત્ર પત્ર લખવો એ માફી નથી, પણ બચાવ કરવાનો પ્રયાસ છે. તમે કાયદાથી ઉપર નથી.”
મધ્ય પ્રદેશ હાઈકોર્ટે આ મામલે સૂઓમોટો લઈ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો, જેને વિજય શાહે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે રાજ્ય સરકારને આ મામલે અંતિમ નિર્ણય લેવા માટે છેલ્લી તક આપી છે.



