તમિલનાડુમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ | A gorge in Tamil Nadu that breaks thirteen times at one point

![]()
– અભિનેતા વિજયના ટીવીકેની સીટી વાગી તો પણ ગાડી નથી ઊપડતી !
– વિજયે સરકાર રચવા ફરી દાવો કર્યો પરંતુ રાજ્યપાલ ના માનતા ટીવીકેના કાર્યકર્તાઓ વિફર્યા: રાજભવન બહાર વિરોધ પ્રદર્શનો શરૂ
– મુખ્યમંત્રીને અપાતી સુરક્ષા વિજયને કેમ આપી દીધી: ડીજીપીને રાજ્યપાલના આકરા સવાલો, સુરક્ષા કાફલો હટાવાયો
– ડીએમકે અથવા એઆઈડીએમકે સરકાર બનાવવાનો પ્રયત્ન કરશે તો અમારા તમામ 108 ધારાસભ્યો રાજીનામું આપશે: ટીવીકે
નવી દિલ્હી : તમિલનાડુમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયે ફરી એક વખત રાજ્યપાલની મુલાકાત કરી હતી અને સરકાર રચવાનો દાવો કર્યો હતો. જોકે રાજ્યપાલ બીજી વખત પણ સંમત નહોતા થયા. જેને પગલે હવે તમિલનાડુના રાજભવન બહાર વિજયના પક્ષ ટીવીકેના કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ કરી દેવાયા છે અને રાજ્યપાલ પર ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ દાવો કર્યો છે કે બહુમત સાબિત કરવાનું સ્થળ રાજભવન નહીં પણ વિધાનસભા હોય છે.
બહુમતથી થોડા દૂર રહી ગયેલા વિજય દ્વારા ૨૪ કલાકમાં બીજી વખત રાજભવન જઇને સરકાર રચવાનો દાવો કરવામાં આવ્યો જોકે હજુસુધી તેમને બહુમત સાહિત કરવાનું આમંત્રણ નથી મળ્યું. વિજયે દાવો કર્યો કે તેની પાસે ૧૧૨ ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ સામેલ છે. જોકે તેમ છતા તેને સરકાર બનાવવા આમંત્રણ નથી અપાયું.
આ વાતથી નારાજ કાર્યકર્તાઓએ રાજભવન બહાર સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જ્યારે બીજી તરફ એવા અહેવાલો છે કે જ્યાંસુધી બહુમત માટે જરૂરી ૧૧૮ ધારાસભ્યોની સહી સાથેનો પત્ર ના મળે ત્યાંસુધી રાજ્યપાલ પણ વિજયને સરકાર રચવા આમંત્રણ આપવાના મૂડમાં નથી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિજયે ડાબેરીઓને સમર્થન આપવા મનાવવા પ્રયાસ શરૂ કરી દીધા છે. એવા પણ અહેવાલો છે કે સરકાર રચવા આમંત્રણ ન આપવા બદલ વિજય રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં જઇ શકે છે.
જ્યારે કમલ હાસન, ખુશ્બુ સુંદર સહિતના દિગ્ગજ અભિનેતાઓએ પણ વિજયને ટેકો જાહેર કર્યો છે અને રાજ્યપાલને સરકાર રચવા આમંત્રણ આપવા વિનંતી કરી છે.
કાયદાના નિષ્ણાતોનો દાવો છે કે રાજ્યપાલે સૌથી મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપવું જોઇએ. અને બહુમત વિધાનસભામાં સાબિત કરવાની હોવાથી રાજભવનને કઇ લેવાદેવા નથી.
દરમિયાન વિજય હજુસુધી તમિલનાડુના મુખ્યમંત્રી નથી બન્યા એવામાં તેમને મુખ્યમંત્રીને અપાતી સુરક્ષા પુરી પાડવામાં આવી છે જેને પગલે તમિલનાડુના રાજ્યપાલે રાજ્યના ડીજીપીને સવાલ કર્યો હતો કે વિજયને મુખ્યમંત્રીવાળી સુરક્ષા કેમ આપી દેવાઇ? ગુરુવારે રાજભવનમાં રાજ્યપાલે ડીજીપી અને મુખ્ય સચિવ સાથે બેઠક યોજી હતી અને કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. એવા અહેવાલો છે કે હાલમાં વિજયને અપાયેલી સુરક્ષાને હટાવી લેવામાં આવી છે અને હાલ તેઓ સુરક્ષા કાફલા વગર જ ઘરે પહોંચ્યા હતા. તેથી હાલ બહુમતના અભાવે તમિલનાડુમાં વિજયના મુખ્યમંત્રી બનવાના ઇરાદાઓ પર બ્રેક લાગી ગઇ છે. એટલુ જ નહીં વિજયની મુશ્કેલી પણ વધી શકે છે કેમ કે જોસેફ વિજય સામે ૨૦૧૫ની તેની ફિલ્મ પુલીને લઇને કથિત આઇટી ગેરરિતી મુદ્દે એફઆઇઆર દાખલ કરવાની માગ હાઇકોર્ટમાં કરાઇ છે. જેની ટૂંક સમયમાં સુનાવણી કરવામાં આવી શકે છે.



