राष्ट्रीय

તમિલનાડુમાં વિજય ક્યારે લેશે શપથ? કટ્ટર વિરોધી પક્ષોના પણ સૂર બદલાયા, હવે શું કરશે રાજ્યપાલ? | thalapathy vijay tvk kamal haasan stalin support governor deadlock updates



Tamil Nadu Government Formation Deadlock 2026: તમિલનાડુના રાજકારણમાં અત્યારે અભૂતપૂર્વ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે પક્ષો ગઈકાલ સુધી ચૂંટણી મેદાનમાં એકબીજાના કટ્ટર હરીફ હતા. તેઓ હવે એકસૂરે થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્ટરી કઝગમ (TVK) ના સમર્થનમાં ઉતરી આવ્યા છે. આ અણધાર્યા જોડાણ પાછળનું કારણ વિજય પ્રત્યેનો પ્રેમ નહીં, પરંતુ તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરનું વલણ છે. કમલ હાસનની MNM, સત્તાધારી DMK, VCK અને CPI જેવા પક્ષોએ વિજયને સરકાર બનાવવા માટે આમંત્રિત ન કરવા બદલ રાજ્યપાલ પર નિશાન સાધ્યું છે અને તેને જનતાના જનાદેશનું અપમાન ગણાવ્યું છે.

આંકડાકીય માયા જાળ

સૌ પ્રથમ તમિલનાડુ વિધાનસભાના સમીકરણો સમજીએ. 234 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે. 

TVK (વિજય): 108 બેઠકો (સૌથી મોટો પક્ષ)

કોંગ્રેસ: 05 બેઠકો (TVK ને સમર્થન)

કુલ વિજય જૂથ: 113 બેઠકો (બહુમતીથી ૫ દૂર)

DMK (સ્ટાલિન): 59 બેઠકો

ચૂંટણી પરિણામો આવ્યાને 72 કલાકથી વધુ સમય વીતી ગયો છે. વિજય બે વાર રાજ્યપાલને મળી ચૂક્યા છે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. જોકે, બંને વખત તેમને રાજભવન (લોક ભવન) માંથી ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોના ટેકા સાથે વિજય પાસે 113નું આંકડાકીય બળ છે, જે હજુ પણ જાદુઈ આંકડાથી 5 ઓછું છે.

આ પણ વાંચો : નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

રાજ્યપાલનો કડક આદેશ

અહેવાલો મુજબ, રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજય સાથેની મુલાકાતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા તેમણે 118 ધારાસભ્યોનું સમર્થન સાબિત કરવું પડશે. રાજ્યપાલ ઈચ્છે છે કે વિજય રાજભવનમાં જ બહુમતી ધારાસભ્યોની યાદી રજૂ કરે. બીજી તરફ, વિજય અને તેમને સમર્થન આપી રહેલા પક્ષોની દલીલ બંધારણીય પરંપરાઓ પર આધારિત છે. તેમનું કહેવું છે કે, સૌથી મોટા પક્ષના નેતા તરીકે વિજયને મુખ્યમંત્રી બનવાની તક મળવી જોઈએ અને બહુમતીનું પરીક્ષણ રાજભવનમાં નહીં, પરંતુ વિધાનસભાના પટલ પર થવું જોઈએ.

રાજ્યપાલ જનાદેશનું અપમાન કરી રહ્યા છે: કમલ હાસન

વિજયના પક્ષમાં સૌથી આક્રમક રીતે મોરચો સંભાળનાર નેતા તેમના સાથી અભિનેતા અને મક્કલ નિધિ મય્યમ (MNM) ના પ્રમુખ કમલ હાસન છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક વિસ્તૃત પોસ્ટ લખીને રાજ્યપાલની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કમલ હાસને તમિલમાં કરેલી પોસ્ટમાં લખ્યું, “વિજયના નેતૃત્વમાં TVK એ 108 બેઠકો જીતી છે. તેમને સરકાર બનાવવા માટે આમંત્રિત ન કરવા, તે તમિલનાડુની જનતાના જનાદેશનું અપમાન કરવા સમાન હશે. 233 ચૂંટાયેલા સભ્યો (સ્પીકર સિવાય) હજુ સુધી શપથ લઈ શક્યા નથી. આ રાજ્યનું અપમાન છે, આ લોકશાહીને પહોંચાડવામાં આવેલું નુકસાન છે.”

હાસને મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના વલણની પ્રશંસા કરતા રાજ્યપાલને તેમનું બંધારણીય દાયિત્વ યાદ કરાવ્યું. તેમણે લખ્યું, “મારા ભાઈ, MK સ્ટાલિને જાહેરાત કરી છે કે, ‘અમે જનતાના નિર્ણયનું સન્માન કરીએ છીએ; અમે એક જવાબદાર વિપક્ષ તરીકે કામ કરીશું.’ હું તેમની રાજકીય સમજનું સન્માન કરું છું. જે લોકો અત્યારે બંધારણીય હોદ્દા પર છે, તેમણે પણ હવે એ જ ફરજ નિભાવવી જોઈએ. આ કોઈ માંગ નથી, પરંતુ તેમના બંધારણીય દાયિત્વની યાદ અપાવવાની કોશિશ છે.”

DMK, VCK અને ડાબેરીઓનું સમર્થન

માત્ર કમલ હાસન જ નહીં, અન્ય કટ્ટર વિરોધી પક્ષો પણ વિજયની પડખે ઉભા રહ્યા છે. VCK ચીફ થોલ થિરુમાવલવને રાજ્યપાલની માંગને અસ્વીકાર્ય ગણાવીને કહ્યું કે વિજયને શપથ લેવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે બહુમતી વિધાનસભામાં સાબિત થવી જોઈએ. 

DMK નેતા એ. સરવનને પણ વિજયના દાવાને ટેકો આપ્યો. તેમણે દલીલ કરી કે જો ચૂંટણી પૂર્વેના ગઠબંધનને બહુમતી ન મળી હોય, તો સૌથી મોટા પક્ષને તક મળવી જોઈએ. તેમણે ઉમેર્યું કે 113 ધારાસભ્યો સાથે વિજય પાસે સૌથી વધુ સંખ્યા છે.

CPI (ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી): તમિલનાડુ રાજ્ય સચિવ એમ. વીરાપાંડિયને પણ રાજ્યપાલને વિનંતી કરી છે કે તેઓ TVK ને સદનના પટલ પર પોતાની બહુમતી સાબિત કરવાની મંજૂરી આપે.

આગામી શક્યતાઓ

તમિલનાડુનું રાજકારણ હવે અત્યંત નાજુક મોડ પર છે. વિજય પાસે અત્યારે બહુમતી નથી, તે એક વાસ્તવિકતા છે. પરંતુ સૌથી મોટો પક્ષ હોવાના નાતે સરકાર બનાવવાનો પ્રથમ દાવો તેમનો છે, તે પણ સ્વીકારવું રહ્યું. વિરોધ પક્ષો એક થઈને રાજ્યપાલ પર દબાણ વધારી રહ્યા છે, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચેના વધતા તણાવનું નવું પ્રતીક છે.

આગામી શક્યતાઓ

જો વિજય 5 ધારાસભ્યોનું સમર્થન મેળવી લે છે, તો રાજ્યપાલ તેમને આમંત્રણ આપી શકે છે.

જો ગતિરોધ ચાલુ રહેશે, તો વિજય કાનૂની વિકલ્પો (સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ) તપાસી શકે છે.

ચરમસીમા પર, રાજ્યમાં ફરીથી ચૂંટણી યોજવાની નોબત પણ આવી શકે છે.

તમિલનાડુની જનતા અત્યારે આ રાજકીય નાટકને શ્વાસ અધ્ધર કરીને જોઈ રહી છે, જ્યાં સત્તાનો અંતિમ ફેંસલો હવે કાયદા અને બંધારણીય પરંપરાઓના અર્થઘટન પર નિર્ભર છે.



Source link

Related Articles

Back to top button