118 સહીઓ લઈને આવજો: રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા, તમિલનાડુમાં સસ્પેન્સ વધ્યું | tamil nadu politics governor rejects tvk vijay government formation claim majority proof

![]()
TVK Vijay Tamil Nadu Government: તમિલનાડુમાં સરકાર રચવાને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે મોટું પગલું ભર્યું છે. TVK ચીફ અને અભિનેતા વિજય આજે ફરી એકવાર રાજભવન પહોંચ્યા હતા, પરંતુ રાજ્યપાલે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી 118 ધારાસભ્યોની સહી વાળો ટેકો ન મળે, ત્યાં સુધી શપથ ગ્રહણ થઈ શકશે નહીં.
શું છે સમગ્ર મામલો?
તમિલનાડુમાં સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે.વિજયની પાર્ટી TVK પાસે હાલ 107 ધારાસભ્યો છે (એક બેઠક ખાલી પડતા). કોંગ્રેસના 5 ધારાસભ્યોના ટેકા સાથે આ આંકડો 112 સુધી પહોંચે છે, જે બહુમતીથી હજુ 6 બેઠક દૂર છે. રાજ્યપાલે મૌખિક આશ્વાસનને બદલે લેખિત સમર્થનનો આગ્રહ રાખ્યો છે જેથી સરકાર સ્થિર રહે.
વિરોધ પક્ષોના આક્ષેપ
VCK ચીફ થોલ થિરૂમાવલવન અને સીપીઆઇ(CPI)એ રાજ્યપાલના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, સૌથી મોટા પક્ષ તરીકે વિજયને સરકાર રચવા આમંત્રણ આપવું જોઈએ. બહુમતી સાબિત કરવાની તક વિધાનસભાના ફ્લોર પર મળવી જોઈએ, નહીં કે રાજભવનમાં. આ પ્રક્રિયામાં કેન્દ્ર સરકાર અને ભાજપ દખલગીરી કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
બંધારણીય જોગવાઈ શું કહે છે?
ભારતીય બંધારણની કલમ 164(1) મુજબ રાજ્યપાલને મુખ્યમંત્રીની નિમણૂક કરવાની સત્તા છે. જ્યારે કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોય ત્યારે રાજ્યપાલ પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને સૌથી મોટા પક્ષના નેતાને સરકાર બનાવવા આમંત્રણ આપી શકે છે, પરંતુ અહીં રાજ્યપાલ આર્લેકરે સુરક્ષિત અભિગમ અપનાવ્યો છે. તેવામાં શું વિજય 118 ધારાસભ્યોના હસ્તાક્ષર મેળવી શકશે? હવે આખા દેશની નજર તમિલનાડુના આગામી રાજકીય ઘટનાક્રમ પર છે.



