राष्ट्रीय

રાતનો સમય, કારનો પીછો, ટાર્ગેટ કિલિંગ…ચંદ્રનાથ રથ હત્યા કેસમાં એક બાદ એક કડી જોડાઈ | suvendu adhikari pa chandranath rath shot dead How the incident was carried out



Suvendu Adhikari PA Murder: પશ્ચિમ બંગાળમાં મધ્યગ્રામનો દોહરિયા વિસ્તાર. મોડી રાતનો સમય હતો. શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથ પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો અને તેઓ બાજુની સીટ પર બેઠા હતા. એક કાર ઘણા સમયથી ચંદ્રનાથની સ્કોર્પિયોનો પીછો કરી રહી હતી. એટલામાં પાછળ વાળી કાર આગળ આવે છે ચંદ્રનાથની કારની સ્પીડ ધીમી થઈ જાય છે અને સાઈડમાંથી બાઇક સવાર બદમાશો આવે છે, ચંદ્રનાથના છાતીમાં ઉપરાઉપરી ગોળીઓ ઉતારી દેવામાં આવે છે. કુલ દસ રાઉન્ડ ગોળીબાર આવ્યો જેમાંથી ચંદ્રનાથ રથની છાતીમાંથી 5 ગોળી કાઢવામાં આવી છે.

બંગાળમાં ચૂંટણી બાદ હિસાત્મક ઘટનાઓ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો આવ્યા બાદ અને ભાજપની જીત પછી સતત હિંસા, આગચંપી અને તોડફોડના સમાચાર આવી રહ્યા છે. પરંતુ બુધવારે રાત્રે હિંસાની આ આગ ત્યારે વધુ ભભૂકી ઉઠી, જ્યારે ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના નજીકના સહયોગી અને અંગત મદદનીશ ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

કેવી રીતે થયો હુમલો?

અત્યાર સુધી મળેલી માહિતી પરથી જાણવા મળે છે કે આ એક પૂર્વ આયોજિત હત્યા એટલે ટાર્ગેટ કિલિંગ હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચંદ્રનાથની કારનો એક ફોર-વ્હીલર અને એક મોટરસાઇકલ પીછો કરી રહી હતી. કથિત રીતે પીછો કરતી કારે ચંદ્રનાથની ગાડીને ઓવરટેક કરી, જેના કારણે કાર ધીમી કરવી પડી. થોડી જ ક્ષણો પછી, બાઇક પર સવાર હુમલાખોરોએ ખૂબ જ નજીકથી ગોળીબાર શરૂ કરી દીધો. આ દરમિયાન આશરે 10 રાઉન્ડ ગોળીબાર થયો, જેમાંથી અનેક ગોળીઓ ચંદ્રનાથની છાતી, પેટ અને માથામાં વાગી. ભાજપ નેતા સુકાંત મજુમદારે કહ્યું કે ચંદ્રનાથની છાતીમાંથી પાંચ ગોળીઓ કાઢવામાં આવી.

શંકા પેદા થાય છે કે..

પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલ પર કોઈ રજીસ્ટ્રેશન પ્લેટ ન હતી, જેનાથી એ શંકા પેદા થાય છે કે આ હુમલો પહેલાથી જ સમજી-વિચારીને પ્લાનિંગ સાથે કરવામાં આવ્યો હતો. એક સૂત્રએ ઘટનાક્રમ જણાવતા કહ્યું, ‘કોઈએ તેમની કારનો પીછો કર્યો અને જ્યારે કાર ધીમી થઈ, ત્યારે તેમણે ગોળી ચલાવી દીધી.’

ઓસ્ટ્રિયામાં બનેલી ગ્લોક પિસ્તોલનો ઉપયોગ કરાયો હોવાની શંકા

ગોળીબારમાં કાર ચલાવતો ચંદ્રનાથ રથનો ડ્રાઈવર પણ ઘાયલ થયો છે, જેની કોલકાતાની SSKM હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી મળી આવેલા ગોળીઓના ખોખા એ વાતનો સંકેત આપે છે કે હુમલામાં કોઈ નાના હથિયાર, સંભવતઃ ઓસ્ટ્રિયામાં બનેલી ગ્લોક પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. જો કે તપાસકર્તાઓએ સ્પષ્ટ કર્યું છે કે ચોક્કસ હથિયારની પુષ્ટિ ફોરેન્સિક તપાસ બાદ જ થઈ શકશે. 

એક ગાડીને જપ્ત લેવામાં આવી: DGP

ઘટનાસ્થળે પડેલી કારની બારી પર ગોળીઓના નિશાન દેખાયા હતા, જે હુમલાની ભયાનકતા દર્શાવે છે. પોલીસ તેમજ ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી ખાલી કારતૂસ અને જીવતી ગોળીઓ જપ્ત કરી છે. પશ્ચિમ બંગાળના DGP સિદ્ધાર્થ નાથ ગુપ્તાએ કહ્યું છે કે આ મામલા સાથે જોડાયેલી એક ગાડીને જપ્ત લેવામાં આવી છે. તેમણે કહ્યું, ‘કારની નંબર પ્લેટ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. અમે ગાડીને જપ્ત કરી લીધી છે, તેમાંથી વપરાયેલા કારતૂસ અને જીવતી ગોળીઓ મળી આવી છે. અનેક CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે’ શંકાસ્પદોની અવરજવરની તપાસ કરવા માટે પોલીસની ટીમો જેસોર રોડ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસી રહી છે. ચાલી રહેલી તપાસ હેઠળ સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ?

પોલીસ સૂત્રોનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે હુમલાખોરો ખૂબ જ સ્પષ્ટ ટાર્ગેટ લઈને આવ્યા હતા. કારમાં ડ્રાઈવર સહિત અન્ય લોકો પણ હાજર હતા, પરંતુ હુમલાખોરોના નિશાને માત્ર ચંદ્રનાથ રથ જ હતા. ભાજપ નેતાઓનો દાવો છે કે આ સીધી રીતે રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ છે.

આ પણ વાંચો: ‘ગુંડાઓનો સફાયો કરી દઈશું..’, PAની હત્યા બાદ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીની પ્રથમ પ્રતિક્રિયા

કોણ હતા ચંદ્રનાથ રથ?

ચંદ્રનાથ રથને અધિકારીના વિશ્વાસુ સહયોગી માનવામાં આવતા હતા અને તેઓ ઘણા વર્ષોથી તેમની સાથે નજીકથી જોડાયેલા હતા. તેઓ રાજકીય કાર્યોમાં સક્રિયપણે સામેલ હતા, જેમાં હાઈ-પ્રોફાઈલ ભવાનીપુર ચૂંટણી પણ સામેલ છે. ભાજપના વરિષ્ઠ નેતા કિયા ઘોષે દાવો કર્યો કે ચંદ્રનાથને તેમની રાજકીય ભૂમિકાને કારણે નિશાન બનાવવામાં આવ્યા. તેમણે કહ્યું, ‘ચંદ્રનાથે શુભેન્દુ અધિકારી માટે ખૂબ જ મહેનતથી કામ કર્યું. આ કોઈ અચાનક બનેલી ઘટના નથી. આ હત્યા પાછળ રાજકીય અદાવત હોઈ શકે છે.’



Source link

Related Articles

Back to top button