બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: Five dead

![]()
– ભાજપ-ટીએમસીના કાર્યકરો યુદ્ધે ચઢ્યા: નવા ચૂંટાયેલા ૬૫ ટકા ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસો
– મમતાની મમતે સોનેરી બાંગ્લાને યુદ્ધભૂમિમાં પરિવર્તીત કર્યું: શુભેન્દુના પીએની ગોળી મારી હત્યા: પક્ષ-નેતાઓના કાર્યાલયોમાં તોડફોડ, લૂંટ
– ગોળીબારની ઘટનામાં પોલીસના ત્રણ અને કેન્દ્રીય દળોના બે જવાનો ગંભીર રીતે ઘાયલ, હુમલાખોરો ફરાર
– 200થી વધુ એફઆઇઆર દાખલ, 400 આરોપીઓની ધરપકડ કરાઈ
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થતા જ ઠેર ઠેર હિંસાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અનેક દુકાનો, વાહનોને આગ લગાવી દેવાઇ છે, અનેક સ્થળે લૂંટ થતી હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. હિંસાની ઘટનાઓમાં પાંચ લોકો માર્યા ગયા છે, મૃતકોમાં તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ બન્નેના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. ઠેર ઠેર અરાજક્તાનો માહોલ છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
કોલકાતામાં ૨૪ કલાકમાં જ બે લોકો માર્યા ગયા છે, જ્યારે બેલેઘાટામાં તૃણમુલ કોંગ્રેસનો પોલ એજન્ટ બિસ્વજીત પટનાયક ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. પરિવારનો દાવો છે કે બિસ્વજીતને ઘરમાંથી બહાર કાઢીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. હત્યા થઇ હોવાની શંકાના આધારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. બીરભૂમ જિલ્લાના નાનૂરમાં ટીએમસી કાર્યકર્તા અબીર શેખની કથિત હત્યા કરી દેવાઇ છે. જેમાં ભાજપના કાર્યકર્તાઓ પર આરોપ લગાવાયો છે, આ આરોપોને ભાજપે નકાર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ સંતોષપુર ગામમાં ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે સ્થળ પર જ ટીએમસી કાર્યકર્તાનું મોત નિપજ્યું હતું. જ્યારે હાવડાના ઉદય નારાયણપુરમાં પણ યાદવબર નામના એક ભાજપના કાર્યકર્તાનું મોત નિપજ્યું હતું. તેની પત્નીનો દાવો છે કે જય શ્રી રામના નારા લગાવવાને કારણે તેના પતિ પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં તોડફોડ અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. ટાલીગંજમાં પૂર્વ મંત્રી અરુણ વિશ્વાસના ચૂંટણી કાર્યાલયમાં ભીડ દ્વારા ભારે તોડફોડ કરવામાં આવી હતી. કસ્બા વિસ્તારમાં ટીએમસી કાઉન્સિલરની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાવડા, ઉત્તર ૨૪ પરગના, મુર્શિદાબાદ સહિત અનેક જિલ્લાઓમાં પાર્ટી કાર્યાલયોમાં આગજની અને હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળમાંથી સત્તા ગુમાવનારા મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસે દાવો કર્યો છે કે ચૂંટણી પછીની આ હિંસા ભાજપનું ઇરાદાપૂર્વકનું કાવતરું છે. જોકે ભાજપે આ તમામ આરોપોને નકાર્યા છે અને હિંસા પાછળ ટીએમસી કાર્યકર્તાઓ જવાબદાર હોવાનો દાવો કર્યો છે. પક્ષો દ્વારા સામસામે આક્ષેપો વચ્ચે હિંસા, હત્યા, લૂંટ, હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે અને કેટલાક વિસ્તારોમાં સ્થિતિ બેકાબુ બની રહી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મોટી હિંસા કે હત્યાની કોઇ ઘટનાઓ સામે નહોતી આવી પરંતુ ચૂંટણી પૂર્ણ થતા જ બંગાળમાં ઠેરઠેર હિંસાની ઘટનાઓએ અનેક સવાલો ઉભા કર્યા છે. હિંસાની ઠેરઠેર ઘટનાઓને પગલે હવે પોલીસ સક્રિય થઇ ગઇ છે, ચૂંટણી પૂર્ણ થયા બાદ થયેલી હિંસાની ઘટનાઓમાં પોલીસે અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ એફઆઇઆર દાખલ કરી છે જ્યારે ૪૦૦થી વધુ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ચૂંટણી પંચે હિંસાની ઘટનાઓને રોકવા માટે આક્રામક રીતે કાર્યવાહી કરવા માટે પોલીસને અને જવાબદાર અધિકારીઓને કહ્યું હતું.



