નીતીશના પુત્ર નિશાંતની મંત્રીમંડળમાં એન્ટ્રી, PM મોદીની હાજરીમાં કાલે 28 નેતા લેશે શપથ | Nitish Son Nishant To Join Cabinet PM Modi To Attend NDA Oath Ceremony In Bihar

![]()
Bihar Cabinet Oath : બિહારના પટનાના ગાંધી મેદાનમાં ગુરુવારે સમ્રાટ ચૌધરીના નેતૃત્વવાળી NDA સરકારનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જેમાં અંદાજે 27થી 28 મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. આ કાર્યક્રમની સૌથી વધુ ચર્ચા નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારના મંત્રી તરીકેના શપથને લઈને થઈ રહી છે.
ભાજપના ટોચના નેતાઓ રહેશે હાજર
સૂત્રોના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ બપોરે શરૂ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના ટોચના નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે. અગાઉ સમ્રાટ ચૌધરીએ જ્યારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે કાર્યક્રમ સાદગીપૂર્ણ યોજાયો હતો, પરંતુ આ વખતે મોટા શક્તિ પ્રદર્શન સાથે યોજવાની ચર્ચાઓ ચાલી રહી છે.
કેબિનેટમાં કયાં પક્ષના કેટલા નેતાઓ
NDA ના ઘટક દળો વચ્ચે સંતુલન જાળવવા માટે ભાજપને 12, જેડીયુને 12, LJP (રામવિલાસ)ને 2 જ્યારે HAM અને RLJDને 1-1 મંત્રી પદ મળે તેવું માળખું તૈયાર કરાયું હોવાનું મનાય છે.
મંત્રીમંડળમાં કોના નામોની ચર્ચા?
મંત્રીમંડળમાં ભાજપ તરફથી વિજય કુમાર સિંહા, મંગલ પાંડે, દિલીપ જાયસ્વાલ, શ્રેયસી સિંહ, રામ કૃપાલ યાદવ અને સંજય સિંહના નામ ચર્ચામાં છે. જ્યારે જેડીયુ કોટામાંથી શ્રવણ કુમાર, અશોક ચૌધરી, લેસી સિંહ, મદન સહની, જમા ખાં, સુનિલ કુમાર, શીલા મંડલ, રત્નેશ સદા અને નિશાંત કુમાર શપથ લઈ શકે છે. આ ઉપરાંત LJP (R) તરફથી સંજય સિંહ અને સંજય પાસવાન મંત્રી બની શકે છે. ગાંધી મેદાનમાં સુરક્ષા અને સ્ટેજની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.



