માનવતા મરી પરવારી: ગુરુગ્રામમાં પિતાએ પોતાના જ 4 માસૂમ બાળકો અને પત્નીનું કાસળ કાઢ્યું | Gurugram Horror: Father Kills Wife and 4 Children Before Attempting Suicide

![]()
Gurugram Horror: કહેવાય છે કે પિતા એ બાળકોની ઢાલ હોય છે, પરંતુ ગુરુગ્રામના વઝીરપુરની એક દીવાલે શનિવારે રાત્રે જે કરુણતા જોઈ, તે સાંભળીને માનવતા પણ શરમાઈ ગઈ છે. જે ઘર કાલ સુધી બાળકોના હાસ્ય અને ખિલખિલાટથી ગુંજતું હતું, આજે ત્યાંથી એકસાથે પાંચ અર્થીઓ ઉઠી છે.
પ્રેમનો કરુણ અંજામ
આરોપી નાઝિમે 7 વર્ષ પહેલા દિલ્હીની નજમા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દુનિયાની પરવા કર્યા વગર એકબીજાનો હાથ પકડનારા આ યુગલનો અંત આટલો ભયાનક હશે તેની કલ્પના કોઈએ કરી નહોતી. નાઝિમે તેની પત્ની નજમા (35) અને તેના ચાર ફૂલ જેવા માસૂમ બાળકો – ઈકરા (14), સિફા (12), ખતિના (10) અને અયાન (8) ને ઝેર આપીને કાયમ માટે મોતની ઊંઘમાં સુવડાવી દીધા છે.
એક રૂમ, પાંચ લાશ અને પથરાયેલો સન્નાટો
શનિવારે મોડી રાત્રે જ્યારે પોલીસ એ કમનસીબ ઘરના રૂમમાં દાખલ થઈ, ત્યારે ત્યાં હૃદય ચીરી નાખે તેવો સન્નાટો હતો. ચાર માસૂમો જેમણે હજુ દુનિયાને બરાબર જોઈ પણ નહોતી, તેઓ પોતાના જ પિતાની નફરત કે પાગલપનનો ભોગ બની બેજાન પડ્યા હતા. ઘટનાસ્થળેથી એક તૂટેલો મોબાઈલ પણ મળી આવ્યો છે, જે કદાચ એ નિર્દોષોની આખરી ચીખ કે સંઘર્ષનો મૂંગો સાક્ષી રહ્યો હશે.
સવાલ જે સમાજને હચમચાવી દેશે
પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ નાઝિમે પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એસીપી નવીન શર્માના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં પિતૃત્વ અને પતિના પવિત્ર સંબંધને કલંકિત કરનારી આ ઘટના નાઝિમે જ અંજામ આપી હોવાનું જણાય છે.
પરંતુ સવાલ એ થાય છે કે, કોઈ માણસ એટલો પથ્થર દિલ કેવી રીતે હોઈ શકે કે તેને પોતાના જ લોહી પર તરસી ન આવે? એ કઈ મજબૂરી કે કઈ નફરત હશે જેણે એક પિતાને કસાઈ બનાવી દીધો?. આજે એ ઘરની દીવાલો રડી રહી છે અને આખો વિસ્તાર સ્તબ્ધ છે.


