ભાજપ ઇવીએમમાં ચેડાં કરી વિજય મેળવશે એવી ધારણાથી બંગાળમાં સ્ટ્રોંગ રૂમ બહાર તૃણમૂલની ધમાલ | Trinamool stirs outside strong room in Bengal amid speculation that BJP will win tampering with EVM

![]()
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયાના બીજા દિવસે પણ કેટલાક નવા એક્ઝિટ પોલમાં ભાજપના ભવ્ય વિજયની આગાહી કરવામાં આવી છે. જોકે, એક્ઝિટ પોલની આ આગાહીઓ વચ્ચે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ ઈવીએમ સાથે ચેડાં થવાની આશંકાથી સ્ટ્રોન્ગ રૂમ ઘેરી લીધા છે અને તેની બહાર ધરણાં પર બેસી ગયા છે. બીજીબાજુ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે તેમના માટે પશ્ચિમ બંગાળમાં વિક્રમી મતદાન કરતાં હિંસામુક્ત ચૂંટણી થઈ તે વધુ મહત્વની બાબત છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બુધવારે બીજા તબક્કાનું મતદાન પૂરું થવાની સાથે એક્ઝિટ પોલના આંકડા સામે આવવાના શરૂ થઈ ગયા હતા, જે બીજા દિવસે પણ ચાલુ રહ્યા છે. કેટલીક પોલ એજન્સીઓએ ગુરુવારે તેમના આંકડા જાહેર કર્યા છે, જેમાં ભાજપની ભવ્ય જીતના દાવા કરવામાં આવ્યા છે. જોકે, એક્ઝિટ પોલના આ આંકડાઓની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. આ આંકડા માત્ર અંદાજ છે. વાસ્તવિક પરિણામ તો ૪ મેએ જાહેર થશે.
બીજીબાજુ એક્સિસ માય ઈન્ડિયાએ બંગાળમાં તેના એક્ઝિટ પોલના આંકડા જાહેર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. એક્સિસ માય ઈન્ડિયાના એમડી પ્રદીપ ગુપ્તાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ૭૦થી ૮૦ ટકા લોકો રાજકીય મુદ્દા પર વાત કરવા તૈયાર નહોતા. તેમની પાસે પર્યાપ્ત ડેટા ન હોવાથી તેમણે એક્ઝિટ પોલના આંકડા જાહેર કરવાનું હાલ મુલતવી રાખ્યું છે.
એક્ઝિટ પોલમાં ભાજપના ભવ્ય વિજયના અહેવાલો વચ્ચે તૃણમૂલ કોંગ્રેસે ઈવીએમમાં ચેડાંનો આક્ષેપ કર્યા છે અને પક્ષના નેતા અને કાર્યકરો કોલકાતા, દુર્ગાપુર સહિત રાજ્યમાં અનેક જગ્યાઓ પર સ્ટ્રોંગરૂમની બહાર ધરણાં પર બેસી ગયા છે. મમતા બેનરજી પોતે સ્ટ્રોંગરૂમ બહાર ધરણાં કરી રહેલા કાર્યકરોને મળવા પહોંચી ગયા હતા.
કોલકાતામાં તૃણમૂલના નેતા કુણાલ ઘોષ અને શશિ પાંજા સહિત તૃણમૂલ કાર્યકરો નેતાજી સ્ટેડિયમ બહાર દેખાવો શરૂ કરી દીધા છે. તૃણમૂલ કોંગ્રેસના ધરણાંના પગલે સુરક્ષાના પગલે સ્ટ્રોંગરૂમ બહાર મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળોની તૈનાતી કરી દેવાઈ છે. તૃણમૂલ કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને લોકતંત્રની હત્યા કરી રહ્યો છે. તેમણે સ્ટ્રોંગરૂમની અંદર ઈવીએમ સાથે કેટલાક લોકો ચેડાં કરી રહ્યા હોય તેવો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.
એક્ઝિટ પોલના આ વરતારા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા મમતા બેનરજીએ ગુરુવારે વિક્રમી મતદાન માટે જનતાનો આભાર માન્યો.
તેમણે ચૂંટણી સમયે કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ પર સાથે મળીને કામ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે, એક્ઝિટ પોલ ગમે તે કહે તૃણમૂલ કોંગ્રેસ ૨૨૬થી વધુ બેઠકો જીતશે.
દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગુરુવારે જણાવ્યું કે, તેમના માટે પશ્ચિમ બંગાળમાં વિક્રમી મતદાન કરતાં હિંસામુક્ત ચૂંટણી થવી વધુ મહત્વનું છે.
બંગાળમાં રાજકીય હિંસાની સ્થિતિ એટલી ખતરનાક છે કે એક સમયે સુપ્રીમ કોર્ટે પણ કહેવું પડયું હતું કે, પશ્ચિમ બંગાળમાં સત્તા કોઈની પણ હોય ચૂંટણી સમયે હિંસા સામાન્ય બાબત બની ગઈ છે. જોકે, આ વર્ષે ચૂંટણી હિંસામાં કોઈનું મોત થયું હોવાના અહેવાલો નથી. જ્ઞાનેશ કુમારે ૧૫ માર્ચે વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરતી વખતે બંગાળને ચૂંટણી હિંસાથી મુક્ત કરવાનું આશ્વાસન આપ્યું હતું અને તેમણે આ કામ કરી બતાવ્યું છે.



