બોલિવૂડના પીઢ અભિનેતા ભરત કપૂરનું 80 વર્ષની વયે નિધન, ફિલ્મોમાં વિલન તરીકે પડતી હતી ધાક! | Veteran Actor Bharat Kapoor Dies at 80 Khuda Gawah Fame Actor Passed Away in Mumbai

Actor Bharat Kapoor Passed Away: હિન્દી સિનેમા જગત માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જાણીતા પીઢ અભિનેતા ભરત કપૂરનું સોમવારે 80 વર્ષની વયે નિધન થયું છે. અહેવાલો અનુસાર, તેઓ છેલ્લા ચાર દિવસથી બીમાર હતા અને મુંબઈની સાયન હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે, તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે સોશિયલ મીડિયા પર આ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરતા શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે ભરત કપૂર સાથેના જૂના સંસ્મરણો તાજા કરતા તેમને એક શ્રેષ્ઠ માણસ ગણાવ્યા હતા.
સાયન સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર
ભરત કપૂરના અંતિમ સંસ્કાર સોમવારે સાયન હોસ્પિટલ પાસેના સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાકેશ બેદી, ડાયરેક્ટર રમેશ કુમાર અને કુલદીપ સિંહ સહિત મર્યાદિત સંખ્યામાં નજીકના સંબંધીઓ અને થિયેટર ગ્રુપ IPTAના સભ્યો હાજર રહ્યા હતા. તેમની પ્રાર્થના સભા આગામી 30 એપ્રિલના રોજ સાંજે 5થી 7 વાગ્યા દરમિયાન સાયન વિસ્તારમાં આવેલી નોર્થ બોમ્બે એસોસિએશન(પંજાબ એસોસિએશન) ખાતે યોજાશે.
ચાર દાયકા લાંબી યાદગાર કારકિર્દી
ભરત કપૂર હિન્દી મનોરંજન જગતનું એક ખૂબ જ જાણીતું નામ હતું. અંદાજે ચાર દાયકા લાંબી પોતાની કારકિર્દીમાં તેમણે ફિલ્મો અને ટેલિવિઝન બંને ક્ષેત્રે પોતાની અમીટ છાપ છોડી છે. 1970, 80 અને 90ના દાયકામાં તેઓ સતત મોટા પડદા અને ટીવી સિરિયલોમાં સક્રિય રહ્યા હતા. તેમણે ‘નૂરી’, ‘રામ બલરામ’, ‘લવ સ્ટોરી’, ‘બજાર’, ‘ગુલામી’, ‘આખરી રાસ્તા’, ‘સત્યમેવ જયતે’, ‘સ્વર્ગ’, ‘ખુદા ગવાહ’ અને ‘રંગ’ જેવી અનેક નોંધપાત્ર ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. છેલ્લે તેઓ 2004માં ‘મીનાક્ષી: એ ટેલ ઓફ થ્રી સીટીઝ’માં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: અમૃતા શેરગિલની બાયોપિકમાં પ્રિયંકા ચોપરાનો કેમિયો હશે
વૈવિધ્યસભર ભૂમિકાઓના માસ્ટર
ફિલ્મોની સાથે સાથે ટેલિવિઝન દુનિયામાં પણ તેમનો દબદબો રહ્યો હતો. તેમણે ‘કેમ્પસ’, ‘પરંપરા’, ‘રાહત’, ‘સાંસ’, ‘અમાનત’, ‘ભાગ્યવિધાતા’, ‘તારા’, ‘ચુનૌતી’ અને ‘કહાની ચંદ્રકાંતા કી’ જેવા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું. ભરત કપૂર તેમની વૈવિધ્યસભર ભૂમિકાઓ માટે જાણીતા હતા, જેમાં તેમણે ખલનાયકથી લઈને સહાયક અભિનેતા સુધીના યાદગાર પાત્રો ભજવ્યા હતા. તેમના નિધનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સોશિયલ મીડિયા પર ચાહકો તેમજ કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.




