મુંબઈ: બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું | mumbai after having biryani and watermelon in dinner family all four of them died

![]()
| આ તસવીર પ્રતીકાત્મક છે, AI દ્વારા બનાવવામાં આવી છે. |
Mumbai News: મુંબઈથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પાયધુની વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે, સંબંધીઓ સહિત આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ આ દુર્ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
બિરયાની બાદ તરબૂચ ખાધું
મહત્વનું છે કે ડોકાડિયા પરિવારે રાત્રે ભોજનમાં બિરયાની ખાધી હતી. તેના થોડા સમય બાદ પરિવારના સભ્યોએ તરબૂચ પણ ખાધું હતું. પરંતુ મોડી રાત્રે અચાનક તમામની તબિયત બગડવા લાગી હતી. હાલત ગંભીર જણાતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ચારેયના કમકમાટીભર્યા મોત થયા હતા.
માતા પિતા સહિત બે બાળકોના મોત
મૃતકોની ઓળખ 40 વર્ષીય અબ્દુલ્લા ડોકાડિયા, તેમની પત્ની 35 વર્ષીય નસરીન ડોકાડિયા, આયેશા ડોકાડિયા (16) અને ઝૈનબ ડોકાડિયા (13) તરીકે થઈ છે. એક જ પરિવારના ચાર લોકોના આ રીતે મોત થવાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
રિએક્શન કે ઝેર?
પોલીસના જણાવ્યા મુજબ મૃત્યુ પહેલા પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે તેઓએ રાત્રે બિરયાની અને ત્યારબાદ તરબૂચ ખાધું હતું. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ઝેર બિરયાનીમાં હતું, તરબૂચમાં કે બંનેના એકસાથે સેવનથી કોઈ રિએક્શન થયું હતું.
હિસ્ટોપેથોલોજી રિપોર્ટની રાહ
મુંબઈ પોલીસના તર્ક અનુસાર પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હજુ એ સ્પષ્ટ થયું નથી કે ઝેર બિરયાનીમાં હતું, તરબૂચમાં કે બંને સાથે ખાવાથી કોઈ રિએક્શન થયું હતું. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ખોરાકના નમૂના અને તરબૂચને જપ્ત કરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, પરંતુ મૃત્યુનું સાચું કારણ હિસ્ટોપેથોલોજી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી
આ ઘટનાએ સમગ્ર વિસ્તારને સ્તબ્ધ કરી દીધો છે. એક હસતા-રમતા પરિવારનું આ રીતે અચાનક દુનિયામાંથી ચાલ્યા જવુંએ અંદરથી હચમચાવી નાખનારું છે, તો બીજી તરફ પ્રશાસન પણ હવે એ વાતના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આખરે આ ઘટનાનું સાચું કારણ છે શું?


