AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી | rs secretariat takes cognisance of request by raghav chadha other aap mps to merge with bjp

Rajya Sabha Recognizes Raghav Chadha: અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દીધી છે. આ સાંસદોના જોડાણ બાદ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, આ મોટા ભંગાણને કારણે આમ આદમી પાર્ટીનું કદ ઘટીને માત્ર 3 સાંસદો સુધી મર્યાદિત થઈ ગયું છે.
સંજય સિંહની અરજી ફગાવી દેવાઈ
આ અગાઉ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026) રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી. સંજય સિંહે આક્ષેપ કર્યો હતો કે, જે સાંસદો ‘આપ’ની ટિકિટ પર ચૂંટાયા હતા, તેમનું ભાજપમાં જોડાવું એ પંજાબની જનતા અને બંધારણ સાથે વિશ્વાસઘાત છે. તેમણે આને પક્ષાંતર ગણાવીને કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી, પરંતુ રાજ્યસભા સચિવાલયે સાંસદોના પક્ષ પરિવર્તનને માન્ય રાખ્યું છે.
રાઘવ ચઢ્ઢાનો આકરો પ્રહાર: ‘ખોટી પાર્ટીમાં સાચો માણસ હતો’
ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, ‘જે પાર્ટીને મેં 15 વર્ષ લોહી-પરસેવો પાડીને સીંચી હતી, તે હવે પોતાના મૂળ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. મને અહેસાસ થયો કે હું એક ખોટી પાર્ટીમાં સાચો માણસ હતો. હવે આ પાર્ટી રાષ્ટ્રીય હિતમાં નહીં પરંતુ અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે, તેથી મેં લોકોની વચ્ચે જવાનો નિર્ણય લીધો છે.’
બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ અને વિલય
ગયા અઠવાડિયે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચઢ્ઢાએ સ્પષ્ટ કર્યું હતું કે, ‘રાજ્યસભામાં ‘આપ’ના કુલ સાંસદોમાંથી બે-તૃતીયાંશ(2/3) સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા હોવાથી બંધારણીય જોગવાઈ મુજબ તેમની સદસ્યતા રદ થશે નહીં અને આ વિલય માન્ય ગણાશે.’ રાઘવ ચઢ્ઢાની સાથે હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ, સંદીપ પાઠક અને અશોક મિત્તલે પણ કેન્દ્રમાં સત્તાધારી પક્ષનો હાથ પકડ્યો છે. આ નેતાઓનું માનવું છે કે હવે આમ આદમી પાર્ટીમાં પ્રમાણિક કાર્યકરો માટે કોઈ જગ્યા બચી નથી.




