राष्ट्रीय

વર્લ્ડ બેંકની ચેતવણી: 2050 સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા 700% વધશે | Weather Update News Heat Wave extreme urban heat rises poor by 700 percent



Extreme Heat Wave: આજે દુનિયાના શહેરોમાં ગરમી એક સાઇલેન્ટ કિલરની જેમ ફેલાઈ રહી છે. ખાસ કરીને ગ્લોબલ સાઉથ એટલે કે ગરીબ દેશોના શહેરોમાં આ સમસ્યા ખૂબ જ ભયંકર બની ગઈ છે. ઝડપથી વધતા શહેરો, ઓછા સંસાધનો અને ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમી હવે રોજબરોજની જિંદગીને સીધી અસર કરી રહી છે, લોકો કામ કરી શકતા નથી. બાળકો શાળાએ જઈ શકતા નથી. બીમાર લોકો હોસ્પિટલ પહોંચી શકતા નથી.

ગરમી હવે માત્ર ગરમી નથી!

ગરમીથી વીજળીની માંગ એટલી વધી જાય છે કે સમગ્ર સિસ્ટમ પર બોજ પડે છે. પ્રદૂષણ પણ વધે છે. શહેરોમાં ‘અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ’ને કારણે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે રહે છે. આ ગરમી હવે માત્ર ગરમી નથી, પરંતુ મૃત્યુ, બેરોજગારી અને ભૂખમરાનું કારણ બની રહી છે.

2050 સુધીમાં ગરીબ વસ્તી પર ગરમીનો પ્રકોપ 700% વધશે

વિશ્વ બેંકના નવા રિપોર્ટમાં ડરામણા આંકડા સામે આવ્યા છે. 2050 સુધીમાં શહેરોમાં રહેતા ગરીબ લોકોની સંખ્યા, જે ખતરનાક ગરમીનો સામનો કરી રહી હશે, તેમાં 700 ટકાનો વધારો થશે. જેનો અર્થ એ છે કે આજે જેટલા ગરીબો ગરમીથી પ્રભાવિત છે, તેના કરતા સાત ગણા વધુ લોકો 2050માં આ આગ ઓકતી ગરમીમાં શેકાશે. સૌથી વધુ જોખમ પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના શહેરો પર છે. અહીં ગરીબ પરિવારો, બહાર કામ કરતા મજૂરો, વૃદ્ધો અને બાળકો સૌથી પહેલા શિકાર બનશે. જો અત્યારે કોઈ પગલાં નહીં લેવામાં આવે તો હીટવેવ વધુ ઝડપથી અને લાંબી બનશે. લોકો મૃત્યુ પામશે, પરિવારો વિખેરાઈ જશે અને આખું શહેર ઠપ્પ થઈ જશે.

કોઈ એક્શન પ્લાન  નહીં લેવાય તો શું થશે?

ગરમી પર કાબૂ ન મેળવવાનું પરિણામ ખૂબ જ ભયાનક હશે. કામ-ધંધા ઠપ્પ થઈ જશે. શાળાઓ બંધ થઈ જશે. હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગશે. ગરમીને કારણે વીજળીની માંગ એટલી વધશે કે વીજ સંકટ ઘેરું બનશે. પ્રદૂષણ વધશે. ગરીબી અને અસમાનતા વધશે. લોકો શહેર છોડીને ભાગવા લાગશે, આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર વધશે. અર્થતંત્રને ભારે નુકસાન થશે. વિશ્વ બેંકનું કહેવું છે કે ગરમી હવે માત્ર મોસમી પરેશાની નથી. તે શહેરોની આખી વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરી દેશે. જો શહેરો અત્યારે તૈયાર નહીં થાય તો લાખો લોકો બેઘર થઈ જશે, ભૂખે મરશે અને ગરમીને કારણે થતા મોત સામાન્ય બની જશે.

વિશ્વ બેંકની હેન્ડબુક દ્વારા ઉકેલનો માર્ગ

આ ભયાનક સ્થિતિને પહોંચી વળવા માટે વિશ્વ બેંકે UN-Habitat અને UNEP સાથે મળીને એક ખાસ હેન્ડબુક બનાવી છે. જેનું નામ છે ‘Handbook on Urban Heat Management in the Global South’. આ હેન્ડબુક ત્રણ ભાગમાં છે – નીતિ નિર્માતાઓ માટે સરળ સારાંશ, ટેકનિકલ મેન્યુઅલ અને ઉપાયોની યાદીને સ્થાન આપવામાં આવ્યું છે.

સરળ અને સસ્તા ઉપાયો

તેમાં શહેરોને જણાવવામાં આવ્યું છે કે ગરમીના જોખમને કેવી રીતે માપવું, કેવી રીતે તૈયાર રહેવું અને કયા ઉપાયો અપનાવવા. તેમાં હરિયાળા બગીચા, છાંયડાવાળી ઇમારતો, પેસિવ કૂલિંગ (વીજળી વગર ઠંડક આપતી પદ્ધતિઓ) અને સસ્ટેનેબલ કૂલિંગ સિસ્ટમ જેવા સરળ અને સસ્તા ઉપાયો બતાવવામાં આવ્યા છે.

આખું શહેર બરબાદ થઈ શકે 

હેન્ડબુક સ્પષ્ટપણે કહે છે કે શહેરોએ હવે ગરમીને હળવાશથી ન લેવી જોઈએ. તેને હવામાનની તકલીફ માનીને અવગણવાથી આખું શહેર બરબાદ થઈ શકે છે. ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ધાબા પર બગીચા (રૂફ ગાર્ડન), સારું શહેર આયોજન અને ગરીબો સુધી સસ્તી કૂલિંગ સુવિધા પહોંચાડવી જરૂરી છે.

આ પણ વાંચો: Explainer: પ્રચંડ ગરમી સામે બચાવતી શરીરની કુદરતી કુલિંગ સિસ્ટમ શું છે? વાંચો લૂથી બચવાના મહત્ત્વના સૂચનો

વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે ગરમી હવે રોજિંદા જીવનને બદલી રહી છે. જો શહેરો અત્યારે સક્રિય નહીં થાય તો 2050 સુધીમાં ગરમી લાખો ગરીબોની જિંદગી છીનવી લેશે. વિશ્વ બેંકની આ હેન્ડબુક શહેરો માટે છેલ્લી ચેતવણી છે. હવે સમય આવી ગયો છે કે સરકારો, શહેર પ્રશાસન અને લોકો મળીને આ ભયાનક સંકટ સામે લડે. નહીંતર આવનારા વર્ષોમાં શહેરો આગના દરિયા બની જશે જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જશે.



Source link

Related Articles

Back to top button