102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ | gold smuggling case actress ranya rao set to walk out of jail after a year decoding the controversy

Ranya Rao Gold Smuggling Case: ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ કરાયેલી કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવ ઉર્ફે હર્ષવર્ધિની રાવ એક વર્ષ બાદ બેંગલુરુ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવશે. DRI(ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની અટકાયતની મુદત 22 એપ્રિલના રોજ પૂર્ણ થતા હવે તેની જેલમુક્તિનો માર્ગ મોકળો થયો છે. ઉલ્લેખનીય છે કે રાન્યા રાવ સસ્પેન્ડેડ DGP રેન્કના પોલીસ અધિકારી રામચંદ્ર રાવની સાવકી દીકરી છે.
એરપોર્ટ પરથી 14 કિલો સોના સાથે થઈ હતી ધરપકડ
માર્ચ 2025માં દુબઈથી બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલી રાન્યા રાવને DRI એ બાતમીના આધારે ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી વિશેષ રીતે તૈયાર કરેલા બોડી જેકેટમાં છુપાવેલું 14.213 કિલો સોનું મળી આવ્યું હતું, જેની કિંમત આશરે 12.56 કરોડ રૂપિયા હતી. ત્યારબાદ તેના નિવાસસ્થાને દરોડા પાડતા 2 કરોડથી વધુની રોકડ અને જ્વેલરી પણ મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે તેણે અત્યાર સુધીમાં કુલ 102 કરોડ રૂપિયાની કિંમતના સોનાની દાણચોરી કરી હતી.
સ્મગલિંગની ચોંકાવનારી પદ્ધતિ
તપાસમાં ખુલાસો થયો હતો કે 33 વર્ષીય રાન્યા રાવે જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં દુબઈની આશરે 27થી 30 જેટલી ટ્રીપ કરી હતી. તે દરેક ફેરામાં કરોડોનું સોનું ભારત લાવતી હતી અને દરેક ટ્રિપ દીઠ તેને 12થી 13 લાખ રૂપિયાનું કમિશન મળતું હતું. આ આખું ઓપરેશન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું જેથી તે સુરક્ષા એજન્સીઓની નજરમાં ન આવે.
ED એ 34 કરોડની મિલકતો જપ્ત કરી
આ કેસમાં મની લોન્ડરિંગના પાસાની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ જુલાઈ 2025માં મોટી કાર્યવાહી કરી હતી. ED એ રાન્યા રાવની આશરે 34 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. જોકે, તેને અગાઉ આર્થિક ગુનાઓની વિશેષ અદાલતમાંથી જામીન મળી ગયા હતા, પરંતુ કોફેપોસા (COFEPOSA) એક્ટ હેઠળ તેની અટકાયત ચાલુ હોવાથી તે જેલમાં જ હતી. હવે એક વર્ષની અટકાયતની મુદત પૂરી થતા તે જેલની બહાર આવશે.




