સંસદમાં રાહુલ ગાંધીએ 16 નંબરનું ‘મિસ્ટ્રી કાર્ડ’ બતાવતા તર્ક-વિતર્ક! કહ્યું- સમજી જાવ તો મેસેજ કરજો | Rahul Gandhi’s ‘Mystery Card’ Sparks Debate in Parliament Shows Number 16

![]()
Rahul Gandhi’s ‘16’ Card Mystery Triggers Buzz in Parliament : મહિલા અનામત અને સીમાંકન બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સંસદમાં અચાનક 16 નંબર લખેલું કાર્ડ બતાવી સૌ કોઈને વિચારતા કરી દીધા છે.
લોકસભામાં રાહુલ ગાંધીએ બતાવ્યું 16 નંબરનું કાર્ડ
શુક્રવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણના અંતે એક એવી પઝલ રજૂ કરી જેણે સૌને વિચારતા કરી દીધા છે. રાહુલ ગાંધીએ એક કાર્ડ બતાવ્યું જેના પર 16 નંબર લખેલો હતો. તેમણે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, કાલે વડાપ્રધાનમાં એનર્જી ઓછી હતી. અચાનક મને યાદ આવ્યું કે આજે 16 એપ્રિલ છે!
16 નંબરમાં છુપાયું છે રહસ્ય, કોઈ સમજી જાવ તો મેસેજ કરજો: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આ કોયડો અધૂરો છોડતાં કહ્યું કે, આ 16 નંબરના કાર્ડ પાછળ શું રહસ્ય છે તે દેશની જનતાને ટૂંક સમયમાં ખબર પડી જશે. જો કોઈ સમજી ગયું હોય કે હું શું કહી રહ્યો છું, તો પ્લીઝ મને મેસેજ કરજો. રાહુલના આ નિવેદન બાદ અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
‘વાઇફ ઇશ્યૂ’ મુદ્દે રમૂજ
સંબોધનની શરૂઆતમાં રાહુલ ગાંધીએ હસતાં હસતાં કહ્યું, જુઓ, મને અને વડાપ્રધાનને કોઈ ‘વાઇફ ઇશ્યુ’ નથી!. રાહુલ ગાંધીના આ વિનોદ પર પરિસરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
‘રાષ્ટ્રવિરોધી’ બિલના કારણે દલિતોના હક છીનવી લેવામાં આવશે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, પહેલું સત્ય તો એ છે કે આ મહિલા અનામત બિલ નથી, કારણ કે તે તો 2023માં જ પસાર થઈ ચૂક્યું છે. આ બિલ દેશનો ચૂંટણી નકશો બદલવાનો પ્રયાસ છે. આ બિલનો મહિલા સશક્તિકરણ સાથે કોઈ લેવાદેવા નથી. સરકાર માત્ર સત્તા જાળવી રાખવા માટે આ દાવ રમી રહી છે. આ બિલ દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોના અધિકારો છીનવી લેવાનો એજન્ડા છે. આનાથી તેમની ભાગીદારી ઓછી થઈ જશે. સરકારે જે પ્રયોગ કાશ્મીર અને આસામમાં કર્યો તે જ હવે આ ‘રાષ્ટ્રવિરોધી’ દ્વારા સમગ્ર દેશમાં કરવા માંગે છે.
મનુવાદી વિચારધારાને પ્રોત્સાહન આપે છે આ બિલ: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ જ્યારે જાતિ આધારિત વસતી ગણતરીની માંગ કરી રહ્યું છે, ત્યારે સરકાર આ બિલ લાવીને લોકોનું ધ્યાન ભટકાવી રહી છે. આ પગલું બંધારણીય મૂલ્યોને બાજુ પર મૂકીને મનુવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે છે. અમે દેશમાં બંધારણના શાસનને નબળું પડવા દઈશું નહીં. તમે આદિવાસીઓને હિન્દુ કહો છો પણ તેમને યોગ્ય સ્થાન આપતા નથી.
રાહુલ ગાંધીએ ‘જાદુગર’ની વાર્તા સંભળાવી સરકારને ઘેરી, રિજિજુ સાથે તીખી તકરાર
રાહુલ ગાંધીએ એક જાદુગરની વાર્તા સંભળાવતા કહ્યું કે, એક જાદુગરે એક ભૂલ કરી અને પછી તે ક્યારેય જાદુ કરી શક્યો નહીં. આજે દેશમાં દરેક જાણે છે કે અસલી ‘જાદુગર’ અને ‘બિઝનેસમેન’ કોણ છે. તેમના આ નિવેદન પર સત્તાપક્ષે ભારે હોબાળો કર્યો હતો.
કિરેન રિજિજૂએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા ઓબીસી અનામતનો વિરોધ કર્યો છે, જેના કારણે ગૃહમાં લાંબા સમય સુધી સૂત્રોચ્ચાર અને હંગામો ચાલ્યો હતો.
વડાપ્રધાનનું અપમાન કરવા બદલ રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ: રાજનાથ સિંહ
રાહુલ ગાંધીએ જાદુગરની વાર્તા અને બિઝનેસમેન શબ્દનો પ્રયોગ કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ઊભા થઈને વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની જનતાએ મત આપીને વડાપ્રધાન બનાવ્યા છે. રાહુલ ગાંધીના શબ્દોને કાર્યવાહીમાંથી બહાર કરવા જોઈએ અને તેમણે માફી માંગવી જોઈએ.



