राष्ट्रीय

મહિલા અનામત બિલ | વિરોધ કરનારાઓને મહિલાઓ માફ નહીં કરે, સીમાંકનમાં કોઈ રાજ્યને અન્યાય નહીં થાય: PM મોદી | PM Modi on Women’s Reservation Bill: Opponents Won’t Be Forgiven



PM Modi on Women’s Reservation Bill: ભારતીય લોકશાહીના ઇતિહાસ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે જ સરકારે મહિલા અનામત (131મો બંધારણીય સુધારો) અને સીમાંકન (Delimitation) સહિત ત્રણ બિલ રજૂ કર્યા છે. સરકારે ખાતરી આપી છે કે અમે આ બિલ પર મધ્ય રાત્રિ સુધી પણ ચર્ચા કરીને જવાબ આપવા માટે તૈયાર છીએ. આવતીકાલે સાંજે 4 વાગ્યે બિલ પર મતદાન કરવામાં આવશે. એવામાં આજે ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું હતું. 

ભારતની લોકશાહીમાં મહત્ત્વનો અધ્યાય જોડાશે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના સંબંધોનમાં કહ્યું કે, રાષ્ટ્રની લોકશાહીના ઈતિહાસમાં આજે મહત્ત્વપૂર્ણ દિવસ છે. મહિલા અનામતનો કાયદો આજથી 25થી 30 વર્ષ પહેલા જ લાગુ કરી દેવાની જરૂર હતી. ભારતમાં લોકશાહીની વિકાસયાત્રા હજારો વર્ષની રહે છે, એવામાં આજે નવો અધ્યાય જોડવાનો શુભ અવસર મળી રહ્યો છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ મહત્ત્વપૂર્ણ અને દેશની અડધી વસતીને રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સામેલ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ બિલ દેશની દિશા અને દશા નક્કી કરશે. 

અનામતનો વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નથી કરતી: PM મોદી

PM મોદીએ વધુમાં કહ્યું કે, વિકસિત ભારતનો અર્થ માત્રને માત્ર રેલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. અમે ઈચ્છીએ છીએ કે વિકસિત ભારતના નીતિ નિર્માણમાં સૌનો સાથ અને સૌનો વિકાસ હોય. અમે તમામ રાજકીય પક્ષો સાથે મુલાકાત કરી છે, કોઈએ આ બિલનો સૈદ્ધાંતિક વિરોધ નહોતો કર્યો. પણ પાછળથી અલગ દિશા પકડવામાં આવી રહી છે. પણ હું તેમને પણ એક મિત્રના રૂપે સલાહ આપું છું. આપણાં દેશમાં જ્યારે જ્યારે પણ મહિલા અનામતની ચર્ચા થઈ તે પછીની ચૂંટણીમાં અનામતનો વિરોધ કરનારા પક્ષોને મહિલાઓને માફી નથી આપી. પણ તમે જુઓ 2024ની ચૂંટણીમાં એવું નથી થયું. કેમ ના થયું? કારણ કે તમામ પક્ષોએ ભેગા થઈને બિલને પસાર કર્યું હતું તેના કારણે કોઈ એક પક્ષને ફાયદો ન થયો અને કોઈને નુકસાન પણ ન થયું. જો આપણે સૌ સાથે મળીને આ બિલ પસાર કરીશું તો કોઈ એક પક્ષને રાજકીય ફાયદો નહીં થાય. અહીં બેઠેલા સૌ કોઈને તેનો પૂરો યશ મળશે. 

હવે બહેનો ‘વોકલ’ થઈ છે, નિર્ણય પ્રક્રિયામાં સામેલ થવા તૈયાર છે: PM મોદી

PM મોદીએ વધુમાં કહ્યું કે, જ્યારે હું સંગઠનનો એક સામાન્ય કાર્યકર્તા હતો, ત્યારે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ થતી હતી કે જુઓ આ કેવા લોકો છે! તેઓ પંચાયતોમાં મહિલાઓને અનામત આપી દે છે કારણ કે ત્યાં તેમને પોતાનું પદ ગુમાવવાનો ડર નથી હોતો. તેઓ વિચારતા હતા કે ‘આપણે સુરક્ષિત છીએ એટલે પંચાયતમાં અનામત આપી દો.’ આ જ કારણ છે કે પંચાયતોમાં અનામત 50 ટકા સુધી પહોંચી ગયું, પણ સંસદમાં આવતા તેમને પોતાની ખુરશીનો ડર લાગતો હતો. જે લોકોએ 30 વર્ષ પહેલા આ બિલનો વિરોધ કર્યો હતો, તેઓ કદાચ રાજકીય રીતે હજુ પણ સક્રિય હશે, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે પંચાયતોમાં કામ કરી ચૂકેલી લાખો બહેનો ‘વોકલ’ થઈ છે. તેઓ હવે મુખર થઈને કહી રહી છે કે અમને માત્ર પંચાયત નહીં, પરંતુ દેશની નિર્ણય પ્રક્રિયા (સંસદ) માં પણ જોડો.

ધર્મેન્દ્ર યાદવના વિરોધ બાદ PM મોદીએ કહ્યું- હું અતિપછાત સમાજમાંથી આવું છું 

ચર્ચા દરમિયાન સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે પીએમ મોદીને સંબોધતા કહ્યું કે, તમે પણ પછાત જ્ઞાતિમાંથી આવો છો, તો પછાત જ્ઞાતિઓ સાથે અન્યાય ન કરો. તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, ધર્મેન્દ્રજી, હું તમારો આભારી છું કે તમે મારી ઓળખાણ કરાવી દીધી. એ વાત સાચી છે કે હું અતિ પછાત સમાજમાંથી આવું છું. અખિલેશજી મારા મિત્ર છે, એટલે ક્યારેક ક્યારેક આવી રીતે મદદ કરી દે છે. 

પીએમની આ ટકોરથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

કોઈ રાજ્યને અન્યાય નહીં થાય તે મારી ગેરંટી: PM મોદી

મહિલા અનામત બિલના અમલીકરણમાં ‘સીમાંકન’ના મુદ્દે દક્ષિણ ભારતના રાજ્યોમાં જે ચિંતા વ્યાપેલી છે, તે અંગે PM મોદીએ કહ્યું કે, રાજકીય લાભ ખાતર જે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે તે વ્યર્થ છે, કારણ કે સીમાંકન પ્રક્રિયામાં કોઈ પણ રાજ્ય સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. આ મારી ગેરંટી છે કે સીમાંકનમાં કોઈ પણ રાજ્ય સાથે અન્યાય નહીં થાય. ભૂતકાળની સરકારોના સમયથી જે રેશિયો ચાલ્યો આવે છે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં.

મહિલાઓનો હક દાયકાઓથી રોકી રાખવામાં આવ્યો હતો: PM મોદી

PM મોદીએ વધુમાં કહ્યું કે, આપણે કોઈ ભ્રમ કે અહંકારમાં ન રહેવું જોઈએ કે આપણે નારી શક્તિને કંઈક આપી રહ્યા છીએ. આ તેમનો હક છે જે દાયકાઓથી રોકી રાખવામાં આવ્યો હતો. આજે તે અપરાધમાંથી મુક્તિ મેળવવાનો અને પ્રાયશ્ચિત કરવાનો અવસર છે. 



Source link

Related Articles

Back to top button