ખાસ બિલ માટે ભાજપનો માસ્ટર પ્લાન! સાંસદોની રજા રદ, હાજર રહેવા વ્હિપ જાહેર; જાણો શું છે મામલો | BJP issues three line whip for MPs ahead of special Parliament session from April 16

BJP Three-Line Whip: ભારતીય જનતા પાર્ટી (BJP)એ આગામી ખાસ સંસદ સત્રને ધ્યાનમાં રાખીને પોતાના તમામ સાંસદો માટે કડક સૂચનાઓ જાહેર કરી છે. પાર્ટીએ લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો માટે ‘થ્રી-લાઇન વ્હિપ’ જાહેર કરીને 16થી 18 એપ્રિલ સુધી ગૃહમાં ફરજિયાત હાજર રહેવા આદેશ આપ્યો છે. ભાજપ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ સાંસદ કે કેન્દ્રીય મંત્રીને રજા આપવામાં આવશે નહીં અને દરેક સભ્યએ સંસદની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવો પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ખાસ સત્ર ઐતિહાસિક ‘મહિલા અનામત સુધારા બિલ’ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યું છે, જે સરકાર માટે ખૂબ જ મહત્ત્વનું છે.
ભાજપનો ‘થ્રી-લાઇન વ્હિપ’: સાંસદોની હાજરી અનિવાર્ય
ભાજપ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુરુવારથી શનિવાર સુધી તમામ સભ્યોની હાજરી અનિવાર્ય છે અને વ્હિપનું કડક પાલન કરવું પડશે. આ ખાસ સત્રને કારણે દેશમાં રાજકીય ગરમાવો પણ તેજ થયો છે. બીજી તરફ, વિરોધ પક્ષોએ સરકાર પાસે માંગ કરી છે કે આ મુદ્દે પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે અને સીમાંકન (Delimitation) જેવા પાસાઓ પર સ્પષ્ટતા કરવામાં આવે.
ખડગેનો પીએમ મોદીને પત્ર: સર્વપક્ષીય બેઠકની માંગ
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે પીએમ મોદીને પત્ર લખ્યો છે. તેમણે મહિલા અનામત બિલ અને બંધારણીય સુધારા અંગે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાનો આગ્રહ કર્યો છે. વિપક્ષે એવો આરોપ પણ લગાવ્યો છે કે આ ખાસ સત્ર વિરોધ પક્ષોને વિશ્વાસમાં લીધા વિના બોલાવવામાં આવ્યું છે અને ઘણી મહત્ત્વની વિગતો હજુ પણ અસ્પષ્ટ છે. સરકાર આ બિલ દ્વારા એક મોટો સામાજિક અને રાજકીય ફેરફાર લાવવાની વ્યૂહનીતિ ઘડી રહી છે, જેના પર હવે સમગ્ર દેશની નજર છે.



